સ્ટ્રગલની આખરી લાઈન ટચ કરો પછી સ્ટ્રગલ રહેતી નથી: ક્રિકેટર મુનાફ પટેલ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શનિવાર, તા. ૧૩ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવનમાં એક જ લક્ષ્યને મેળવવા માટે કેવી રીતે ફોકસ કરવું? તે દિશામાં તેમણે યુવાનોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ક્રિકેટમાં તેમના અનુભવો પણ તેમણે બધાની સાથે વાગોળ્યાં હતાં. મુનાફ પટેલે પોતાની સૌથી મોટી જીત વિશે કહયું હતું કે, એક નાના ગામથી જઇને તિરંગાને પહેરવા એ મારા માટે સૌથી મોટી જીત હતી.

સ્ટ્રગલ વિશે કરી વાત

મુનાફ પટેલે જણાવ્યું હતું કે, જે ફિલ્ડ તમે સિલેકટ કરો છો તેમાં 100 ટકા આપવા જોઇએ. સફળ થવા માટે સ્ટ્રગલની છેલ્લી લાઇનને ટચ કરવી પડે છે. એ ટચ થઇ જાય એટલે જીવનમાં સ્ટ્રગલ રહેતી નથી. સ્ટ્રગલ વગર જીવનમાં કશું જ મળતું નથી. ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ પહેલા પણ મારી સ્ટ્રગલ રોજની 120 કિલોમીટર મુસાફરીની રહી હતી અને અત્યારે પણ છે. ફરક એટલો જ છે કે પહેલા ટ્રેનોમાં લટકીને મુસાફરી કરતો હતો અને આજે કારમાં મુસાફરી કરું છું.

ટાઈલ્સની ફેક્ટરીમાં કામ કરી રોજ 35 રુપિયા કમાતો

ખેડૂતના ઘરમાંથી ભારતીય ક્રિકેટ ટીમ સુધીની સફર વિશે તેમણે કહયું હતું કે, પોતાનું બેક ગ્રાઉન્ડ ન હતું અને ભાષા ઉપર પણ કોઇ ખાસ પ્રભુત્વ ન હતું. પહેલા ગામમાં વોલીબોલ અને ક્રિકેટ એમ બે જ ગેમ રમતા હતા. તે સમયે સ્કૂલે પણ જતા હતા અને કામ પણ કરતા હતા. એ દિવસો પણ સારા હતા પણ સ્ટ્રગલવાળા હતા. ટાઇલ્સની ફેકટરીમાં કામ કરતો હતો, જેના રોજના રૂપિયા 35 મળતા હતા. ક્રિકેટમાં રસ હતો એટલે છેલ્લે ક્રિકેટ જ નકકી કરી લીધું હતું. પરિવારને તે સમયે ક્રિકેટ રમવું ખોટું લાગતું હતું પણ મેં પિતાને સમજાવીને ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.

સચિન તેંડુલકર આદર્શ, કેપ્ટન કુલ ધોની બેસ્ટ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં કિરણ મોરે એકેડેમીમાં ગયા બાદ ઝવેરી લીગમાં રમવાનું શરૂ કર્યું હતું. ચાર વર્ષ ડોમેસ્ટીક ક્રિકેટ રમ્યો હતો અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેકટ થયો હતો. સિલેકશન પહેલા ભારતની બધી જ ટ્રોફી રમી ચૂકયો હતો. આઇપીએલ, ટી ર૦ અને વન ડે ક્રિકેટ રમી ચૂકયો છે. ક્રિકેટમાં જો કોઇને મારા આદર્શ માનીશ તો તે એકમાત્ર સચિન તેંડુલકર છે. તેમની રિસ્પેક્ટ એટલી કરું છું કે આજ દીન સુધી તેમની સાથે આંખમાં આંખ પરોવીને વાત નથી કરી. બેસ્ટ કેપ્ટન વિશે વાત કરતા કહ્યું હતું કે, બધા કેપ્ટન પોતપોતાનો પ્રભાવ છોડે છે. કોહલીનો સ્વભાવ એગ્રેસીવ છે અને જો તે તે છોડી દે તો તે સારું પર્ફોમ ન કરી શકે. તે ધોની જેવો કુલ ન બની શકે. સૌથી વધુ રમવાની મજા ધોનીના સમયમાં આવી. તે અમારા પર ખૂબ વિશ્વાસ રાખતો. તેનું માનવું હતું કે, તમારી કાબેલિયત તમને ખબર છે. તમે મેદાનમાં શું કરી શકો તે સૌથી વધુ તમે જાણો. તે બોલરને પોતાની રીતે જ ફિલ્ડીંગ ગોઠવવા કહેતો અને જો તમે સફળ ન જાવ તો પછી કહેતો કે હવે હું કહું તેમ કરો. તેમણે સ્લેજીંગ વિશે પણ ચર્ચા કરી હતી. મુનાફે ઘણી વાતો કરી શ્રોતાઓને હસાવ્યા પણ હતા અને કહ્યું હતું કે, હું આવ્યો એટલા માટે કે મારી થોડી વાતો કરવાથી અગર અહીં બેસેલામાંથી એક જણ પણ મોટિવ થાય તો એ મારી ખુશનસીબી છે.

ફારુક પટેલ(કેપી) અને મુનાફે એકબીજાની તારિફ કરી

સુરતની કેપી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન ફારુક જી. પટેલ (કેપી) ભરૂચી વ્હોરા પટેલ સમાજ, સુરતના પ્રમુખ છે અને વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનના સલાહકાર છે. ત્યારે મુનાફ પણ ભરૂચી વ્હોરા પટેલ સમાજથી જ આવે છે. મુનાફ માટે ફારુક પટેલે કહ્યું હતું કે, તેમને સામાજીક કામ માટે અનેકવાર મળ્યો અને ઘણી ચર્ચાઓ પણ થઈ પરંતુ આ રીતે તેમને બોલતા પહેલીવાર જોયા. મને ગર્વ છે કે, મુનાફે ક્રિકેટ ક્ષેત્રે વૈશ્વિક ઊંચાઈ આંબી હોવા છતા તેના પગ જમીન પર છે અને માથુ આસમાન તરફ. તે હંમેશા જમીન સાથે જોડાઈ રહે છે. હું તેને સલામ કરું છું. મુનાફે પણ ફારુક ભાઈના સમાજ માટે કરવામાં આવતા કામની સરાહના કરી હતી.

મુનાફે ભારતીય ટીમની ફાસ્ટ બોલરની ખોટ દુર કરી: દિનેશ નાવડિયા

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ભારતમાં યુવા વર્ગમાં ક્રિકેટનો ક્રેઝ તો છે જ પણ સિનિયર સિટીઝનોમાં પણ ક્રિકેટનો ક્રેઝ જોવા મળે છે. સંસદમાં પણ ક્રિકેટને લઇને ચર્ચા થતી હોય છે ત્યારે મુનાફ પટેલ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ઇખર ગામના વતની છે ત્યારે આપણે સૌ ગુજરાતી તરીકે ગૌરવ લેવાની વાત છે. ભારતની ક્રિકેટ ટીમ વિદેશમાં રમવા જતી હતી ત્યારે ફાસ્ટ બોલરની ખોટ પડતી હતી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં મુનાફ પટેલની એન્ટ્રી બાદ ફાસ્ટ બોલરની ખોટ પુરાઇ ગઇ હતી.

મુનાફ પટેલનો આખો વાર્તાલાપ જોવા માટે આ લિંક પર ક્લીક કરો.. https://fb.watch/3DIZWKl-Ak/

Leave a Reply

Translate »