ડુમ્મસ રોડ પર ધુમ સ્ટાઇલમાં બાઇક તથા ઓવર સ્પીડમાં કાર હંકારી પોતાની સાથે અન્યનો જીવ જોખમમાં મુકનાર વિરૂધ્ધ પોલીસે લાલ આંખ કરી છે. આ અંગે ડીસીપી પ્રશાંત શુમ્બે જણાવ્યું હતું કે ગત સાંજે બનેલા અકસ્માત પૂર્વે એટલે કે બપોરના અરસામાં જ સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના તમામ આસીસ્ટન્ટ પોલીસ કમિશનર અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે મિટીંગ યોજી ધુમ સ્ટાઇલમાં બાઇક હંકારનાર અને ઓવર સ્પીડમાં કાર હંકારનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આજ રોજથી રાત્રે 10 વાગ્યાથી પોલીસ આવા વાહન ચાલકો વિરૂધ્ધ સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કર્યુ છે.પીપલોદ ક્રોમા સેન્ટર નજીક મહિલા ચાલકે કારને ડાબી બાજુ ટર્ન કરતા વેંત પુર ઝડપે આવી રહેલી કેટીએમ બાઇકના ચાલકે કંટ્રોલ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર હર્ષ પ્રજાપતિનું ઘટના સ્થળે મોત થયું હતું જયારે તેના મિત્ર પ્રણવ સિમ્પીને ગંભીર ઇજા થતા તે હાલમાં સારવાર હેઠળ છે.
પીપલોદ ક્રોમા સેન્ટર નજીક ગત રોજ સ્પોર્ટસ બાઇક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત અને એકને ગંભીર ઇજાની ઘટના બાદ એક્શનમાં આવેલી પોલીસે ધુમ સ્ટાઇલમાં બાઇક હંકારનાર ચાર બાઇક ચાલક અને ઓવર સ્પીડમાં કાર હંકારનાર બે ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.