કપિલ શર્માએ પોતાના દીકરાનું નામ ત્રિશાન રાખ્યું છે. કપિલે પોતાના જન્મદિવસ પર આ વાત શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે કપિલે બે દિવસ પહેલાં 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અનેક સેલેબ્સે કપિલ શર્માને સો.મીડિયામાં બર્થડેની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન નીતિ મોહને કપિલને તેના દીકરાનું નામ પૂછ્યું હતું.
બર્થડે વિશ કરીને સિંગરનું નામ પૂછ્યું
નીતિ મોહને કપિલને વિશ કરીને કહ્યું હતું, ‘હેપી બર્થડે ડિયરેસ્ટ કપિલ પાજી. તમને તથા તમારા પરિવારને પ્રેમ. હવે તો બેબીનું નામ કહી દો.’ આ પોસ્ટ પર કપિલ શર્માએ કહ્યું હતું, ‘આભાર નીતિ. આશા છે કે તમે તમારું સારી રીતે ધ્યાન રાખતા હશો. અમે તેનું નામ ત્રિશાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે ત્રિશાનનો અર્થ વિજય એવો થાય છે.
બે મહિના પહેલાં કપિલના ઘરે દીકરાનો જન્મ
ગિન્નીએ પહેલી ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. કપિલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘નમસ્કાર, વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનના આશીર્વાદથી માતા અને બાળક એમ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ માટે આભાર. બધાને અમારો પ્રેમ. ગિન્ની એન્ડ કપિલ.’ ઉલ્લેખનીય છે કે કપિલ અને ગિન્નીના લગ્ન 12 ડિસેમ્બર,2018ના રોજ જલંધરમાં થયા હતા. ગિન્નીએ 2019માં દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો.
‘ધ કપિલ શર્મા શો’ શરૂ કરવા અંગે અવઢવ
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે અનેક નવી ગાઈડલાઈન બનાવી છે. આથી હજી પણ લાઈવ ઓડિયન્સ આવે તેવી કોઈ શક્યતા છે. ફિલ્મ પણ રિલીઝ થાય તેવી શક્યતા ઓછી છે. આ જ કારણે કોઈ સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે શોમાં આવતા નથી. જ્યાં સુધી સ્થિતિ નોર્મલ નહીં થાય ત્યાં સુધી મેકર્સ આ શો પર કામ શરૂ કરશે નહીં. શોનો છેલ્લો એપિસોડ 31 જાન્યુઆરી, 2021ના રોજ પ્રસારિત થયો હતો.