પાપમોચની એકાદશી:ચૈત્ર નવરાત્રિ પહેલાં આવતી આ એકાદશી ભક્તોને પાપમાંથી મુક્તિ અપાવે છે

  • બુધવારે પાપમોક્ષિની એકાદશી, ભગવાન વિષ્ણુની પૂજા સાથે કથા પણ સાંભળો

ફાગણ મહિનાના વદ પક્ષની પાપ મોક્ષિની એકાદશી 7 એપ્રિલના રોજ રહેશે. આ એકાદશીને પાપમોચની એકાદશી પણ કહેવામાં આવે છે. એકાદશી તિથિ ખાસ કરીને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા વિશેષ ફળ આપનારી હોય છે. પાપ મોક્ષિની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે, જે હોળી અને નવરાત્રિ વચ્ચે આવે છે. આ દિવસે ઘણાં લોકો વ્રત રાખવાની સાથે જ ભગવાન સત્યનારાયણની કથા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરે છે. નામ પ્રમાણે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ અને તકલીફોથી છુટકારો મળી શકે છે. આ દિવસે અનાજ અને જળનું દાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે એકાદશી તિથિ 7 એપ્રિલના રોજ સૂર્યોદયથી શરૂ થઇને આખો દિવસ રહેશે. એટલે બુધવારે જ વ્રત અને પૂજા કરવી જોઇએ. આ દિવસે સવારે જાગીને સ્નાન કર્યા પછી સાફ કપડા પહેરીને વ્રતનો સંકલ્પ લેવો જોઇએ. આ વ્રતમાં પીળા કપડા પહેરવા ફળદાયી માનવામાં આવે છે કેમ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે. વ્રત સાથે જ દાનન કરવાથી ક્યારેય નષ્ટ ન થતું પુણ્ય મળે છે. આ એકાદશી પાપનો નાશ કરનારી માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી કલ્યાણ થાય છે. જે પણ સારા કામને કરવાનો સંકલ્પ લે છે તેમના તે કામ આ એકાદશીની પૂજાના ફળસ્વરૂપ વિના વિઘ્ન પૂર્ણ થાય છે. આર્થિક સંકટ પણ દૂર થાય છે.

ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કથા સંભળાવી હતીઃ-
પૌરાણિક કથા પ્રમાણે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજા માન્ધાતાએ એક સમયે લોમશ ઋષિને જ્યારે પૂછ્યું કે પ્રભુ તે જણાવો કે મનુષ્ય જે જાણ્યે-અજાણ્યે પાપ કરે છે તેનાથી મુક્ત કેવી રીતે થઇ શકે છે. રાજાને જવાબ આપતાં ઋષિએ વાર્તા સંભળાવી કે ચૈત્રરથ નામના વનમાં ચ્યવન ઋષિના પુત્ર મેધાવી ઋષિ તપસ્યામાં લીન હતાં. આ વનમાં એક દિવસ મંજુઘોષા નામની અપ્સરાની નજર ઋષિ ઉપર પડી ત્યારે તે તેમના ઉપર મોહિત થઇ ગઈ અને તેમને પોતાની તરફ આકર્ષિત કરવાની કોશિશ કરવા લાગી. જેનાથી ઋષિની તપસ્યા ભંગ થઇ ગઈ. જેથી ગુસ્સે થઇને તેમણે અપ્સરાને પિશાચિની બનવાનો શ્રાપ આપી દીધો. અપ્સરા દુઃખી થઇને તે ઋષિ પાસે માફી માગવા લાગી અને શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરવા લાગી. ઋષિએ તેને વિધિ સહિત ફાગણ વદ પક્ષની એકાદશી કરવા માટે કહ્યું. આ વ્રતથી અપ્સરા પિશાચ યોનિમાંથી મુક્ત થઇ ગઈ. પાપથી મુક્ત થયા પછી અપ્સરાને સુંદર રૂપ મળ્યું અને તે સ્વર્ગ જતી રહી.

Leave a Reply

Translate »