સુરતમાં કોરોનાના જીવનરક્ષક ઈન્જેક્શન રેમિડીશિવિરના જથ્થાની અછત સર્જાવા સાથે ગઈકાલે જિલ્લા કલેક્ટરે ખાનગી હોસ્પિટલોને ઈન્જેક્શન નહીં આપવાની જાહેરાત કરી તો તે પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપ કાર્યાલયથી 5000 ઈન્જેક્શન વિના મુલ્યે આપવાની જાહેરાત કરી. આ બધા વચ્ચે સરકારે છેક ગુહાટીથી 10 હજાર ઈન્જેક્શનનો જથ્થો મંગાવી સરકારી હોસ્પિટલોમાં મોકલવાને બદલે ખાનગી કિરણ હોસ્પિટલમાં મોકલવાની અધિકૃત જાહેરાત કરતા સરકાર અને ભાજપ ફિક્સમાં મુકાઈ છે. આજે આ ઈન્જેક્શન માટે લાઈન તો લાગી છે પણ સિવિલ કે સ્મીમેરમાં નહીં પરંતુ ભાજપ કાર્યાલય પર અને તેની ચારેકોર ટીકા થઈ રહી છે. ખુદ મુખ્યમંત્રી રુપાણીએ પત્રકાર વાર્તામાં કહી દીધુ કે સીઆરને પૂછો તે ક્યાંથી જથ્થો લાવ્યા, સરકારે તો નથી ફાળવ્યો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ મોરચો સંભાળી લીધો છે અને તે રસ્તા પર ઊતરી પડી છે. આમ આદમી પાર્ટીએ રાજ્યના આરોગ્યમંત્રી કુમાર (કિશોર) કાનાણીને ઘર આગળ પોસ્ટરો લઈ પહોંચી ગઈ હતી અને તેમણે ‘આરોગ્યમંત્રી ઈન્જેક્શન આપો, નહીંતર રાજીનામું આપો’ના નારા લગાવ્યા હતા. થોડીવારમાં પોલીસે સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા કાંતિ ભંડેરીની આગેવાનીમાં આ આખો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
આ પહેલા એક પત્રકાર પરિષદમાં સીઆર પાટીલ દ્વારા આ ઈન્જેક્શન ભાજપ કાર્યાલયથી વેચવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો. આજે જ્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલ પાસે આ ઈન્જેક્શનનો જથ્થો નથી તો સીઆર પાટીલ પાસે કેવી રીતે આવ્યો? તે સવાલ ઉઠાવ્યો હતો. ભાજપ સરકાર લોકોની મદદ સરકારી ધોરણે કરવાને બદલે પાર્ટીની વાહવાહીમાં લાગી હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે સરકારે ખાનગી હોસ્પિટલ કિરણને જથ્થો પહોંચડવા અંગે પણ સવાલો કર્યાં હતા. કલેક્ટર-મનપાની કાર્યપ્રણાલી અને પાટીલના ઈશારે ઈન્જેક્શન ખાનગી હોસ્પિટલને ડિમાન્ડ મુજબ ન આપવાના પરિપત્રની પણ ટીકા કરી હતી.
આપએ બ્રિજ પણ ખુલ્લો મુકી દીધો
તે પૂર્વે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના તમામ નગરસેવકો કતારગામના ફ્લાય ઓવર બ્રિજ કે જે જિલાની બ્રિજને જોડાય છે તેને જાતે લોકો માટે ખુલ્લો મુકી દીધો હતો. આ ફ્લાયઓવર બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બનીને તૈયાર છે અને અહીં ટ્રાફિક જામની સમસ્યા હંમેશા રહે છે. હાલ કરફ્યુનો સમય વધારાતા વધુ ટ્રાફિક જામ થતો હોવાથી આપએ જાતે બ્રિજ ખુલ્લો મુકી દેતા મનપાનું તંત્ર ભાગતું થઈ ગયું હતું.