ગુજરાતની સ્થાપનાના પાવન પર્વ નિમિત્તે તા.1લી મેના રોજ 18થી વધુ વય (18 થી 44 વર્ષની વચ્ચેના) નાગરિકો માટે રસીકરણના અભિયાનનો સુરત શહેર-જિલ્લામાં ભવ્ય પ્રારંભ થયો હતો. સુરત મહાનગરપાલિકાના વિવિધ રસીકરણ કેન્દ્રો તથા જિલ્લાના રસીકરણ કેન્દ્રો પરથી સુરતીલાલાઓએ સવારથી જ લાઈન લગાવીને ઉત્સાહ સાથે વેકસીન મુકાવી હતી. દેશની ઉજ્જવળ યુવા પેઢી આગળ આવીને ઝડપથી વેકસીન લઈને દેશને કોરોના મુકત બનાવે તે આજના સમયની માંગ છે.
શું કહ્યું યુવાઓએ….
ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર ખાતે સવારથી અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે યુવાનો વેકસીન મુકાવવા માટે આવ્યા હતા. શહેરના ભાગળ, ગોપીશેરી ખાતે રહેતા 20 વર્ષીય યુવા આયુષ શાહે કહ્યું કે, મારા ઘરમાં સૌ કોઈએ વેકસીન મુકાવી છે. , ‘દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણથી બચવા માટે કોરોના વેક્સીન અને કોવિડ-૧૯ ની ગાઈડલાઈન્સ જ આપણા શસ્ત્રો છે. આપણે મેડીકલ સ્ટાફની જેમ જ દેશની સેવા તો નહી કરી શકીએ પણ હા કોરોના વેક્સીન લઈને આપણે દેશ સેવામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી ભારતને કોરોનામુક્ત કરવામાં સહયોગ ચોક્કસ આપી શકીશું. સૈયદપુરા બોરડી શેરી ખાતે રહેતા ૩૫ વર્ષીય રોકી પટેલે કહ્યું કે, જયારથી કોરોનાની વેકસીન આવી છે ત્યારથી હું તેને મુકાવવા માટે રાહ જોઈ રહ્યો હતો. પૈસા ખર્ચીને જો પ્રાઈવેટ હોસ્પિટલમાં વેકસીન મુકાવી આપે તે માટે બેથી ત્રણ વાર જઈ આવ્યો છું. આજે સરકારે વિનામુલ્યે રસીકરણ કરી રહી છે તો સૌ કોઈએ રસીકરણના અભિયાનમાં જોડાયને સુરત શહેરને કોરોના મુકત બનાવવા હાકલ તેમણે કરી હતી. ડ્રાફટમેન સિવિલમાં આઈ.ટી.આઈ.મજુરાગેટ ખાતે અભ્યાસ કરતા ૨૩ વર્ષીય દિવ્યાંગ રવીન વ્યાસે કહ્યું કે, મે આજે રસી લીધી છે. મને કોઈ આડઅસર થઈ નથી. હું મારા બધા જ મિત્રોને ઝડપથી વેકસીન લેવાનું કહીશ જેથી આપણે સૌ આ મહામારીમાંથી જલ્દી બહાર આવી શકીએ. સરથાણા વિસ્તારમાં રહેતા સ્મિત કુમાર નાયકે કહ્યું કે, મે તા.૩૦મી એપ્રિલના રોજ આરોગ્ય સેતુ એપ્લીકેશનના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી આજે ક્ષેત્રફળ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેકસીન મુકાવી છે. આ એપ્લીકેશનના માધ્યમથી તાત્કાલિક મારું રજીસ્ટ્રેશન થઇ ગયું વધુમાં તેઓ કહે છે કે, આ રસીથી મને કોઈ પણ પ્રકારની આડ અસર થઈ નથી. તેઓ જણાવે છે કે, પોતાના મિત્રોને પણ સત્વરે રસી લેવાનું કહીશ. શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય ક્રિતીકા ગુગનાની જણાવે છે કે, મે આજે કોરોના વેકસીન લીધા બાદ કોઈ આડઅસર થઈ નથી. હું ઘણા દિવસોથી વેકસીન લેવા માટે રાહ જોઈ રહી હતી. જયારે સરકારે ૧૮ થી વધુ ઉમરના લોકો માટે રસીકરણનો લાભ આપ્યો છે ત્યારે હું દરેક યુવાનોને અપીલ કરૂ છું કે, શહેરને કોરોના મુકત બનાવવા માટે તત્કાલ રસી મુકાવે. મોરા ભાગળ ખાતે રહેતા ૨૭ વષીય વિનય મુકેશભાઈ પટેલે વેક્સીન લીધ્યા બાદ જણાવ્યું કે, ‘હું આ દિવસની ક્યારથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સીન આપવાનું શરૂ થશે જે ધડી આજ આવી ગઈ છે. તા.૨૯મીએ રજીસ્ટ્રેશન કરાવીને આજે રસી મુકાવી છે. કોઈ પણ અફવાઓથી દુર રહીને સૌ કોઈ કોરોના કહેરને ડામવા માટે વેકસીન મુકાવે તેવી અપીલ વિનય પટેલે કરી હતી
50 કેન્દ્રો પર રસીકરણ, 7500નો ટાર્ગેટ
સુરત શહેરમાં હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈનર્સ અને 45થી વધુની ઉંમરના કુલ 7.48 લાખ લોકોએ વેક્સિન મૂકાવી હતી. 18 થી 45 વર્ષના લોકો માટે 50 કેન્દ્ર ખાતેથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછા 7500 અને તેનાથી વધુમાં વધુ રસી મૂકવાનો અંદાજ પાલિકાએ વ્યક્ત કર્યો છે.