કોરોના દર્દીઓની વ્હારે WBVF : 77 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન ગામડાંઓની હોસ્પિટલોમાં ભેટ આપ્યા
ભરૂચ જિલ્લાના નાના ગામડાંઓની હોસ્પિટલો તેમજ સુરત, મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ આ મશીન પહોંચાડી ત્રીજા વેવની તૈયારી શરૂ કરી, યુકેના સહયોગી VVUK અને અલ-ખૈર ફાઉન્ડેશનની મદદથી દાન મેળવ્યું.
સુરત: સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજના નિર્માણ માટે રચાયેલા વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન( WBVF)એ કોરાનાના કપરાકાળમાં માત્ર પોતાના સમાજ જ નહીં પરંતુ તમામ સમાજ, દરેક વર્ગ, ધર્મ સુધી મેડીકલ સહાય પહોંચાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. કોરોનાના બીજા કહેરમાં શહેરની સાથોસાથ ગામડાંઓમાં ભારે રોગચાળો ફેલાતા અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં જગ્યાનો અભાવ, ઓક્સિજન અને મેડીસિનની કમીને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી ત્યારે કોરાેનાના ત્રીજા કહેરમાં આવી સ્થિતિ ન સર્જાય અને ગામડાંઓમાં પુરતી સુવિધા મળી રહે તે માટે WBVFએ યુકેના સહયોગી VVUK (વહોરા વોઈસ યુકે) અને અલ-ખૈર ફાઉન્ડેશનની મદદથી આખા રમજાન દરમિયાન ટીવી ચેનલ ઈસ્લામ ટીવી અને ઈકરા ટીવી પર ઈન્ડિયા માટે દાનની અપીલ કરી હતી અને મળેલા દાનની મદદથી 77 ઓક્સિજન કોન્સટ્ર્ટેર મશીન મેળવ્યા હતા. અને ચાર બોક્સ ભરીને જરૂરી મેડીસીન પણ મેળવી હતી. WBVF દ્વારા તેનું વિતરણ મુન્સી મનુબર વાળા ટ્રસ્ટના હોલ ખાતેથી વિવિધ ગામડાઓ તેમજ શહેરની હોસ્પિટલ માટે સંસ્થાના મેમ્બરના માધ્યમથી કરવામાં આવ્યું હતું.
દિલ્હી, મુંબઈ સહિત પહોંચાડાયા ઓક્સિજન કોન્સટ્રેટર:
વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન સંલગ્ન યુ.કે. સ્થિત VVUK તેમજ અલ-ખૈર ફાઉન્ડેશનના સહયોગથી પ્રાપ્ત કરેલ કુલ 77 ઓક્સિજન કોન્સટ્રેટર મશીન જે પૈકી 25 મશીન દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે ભરૂચ-1 માં 9 , જંબુસરમાં 6, આમોદમાં 3, વાગરામાં 4, વડોદરામાં 5, સુરતમાં 4, મુંબઈમાં 2 તેમજ ભરૂચમાં 5, અને અન્ય 5 ઓક્સિજન મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. . ઉપરાંત 10 બાયપેપ મશીન પૈકી જંબુસર અલ-મહમુદ હોસ્પિટલમાં ૩, વલણ હોસ્પિટલમાં ૩, ટંકારીયા દારૂલ બનાત કેર સેન્ટર 1, વાગરા 1, મનુબર દારૂલ બનાત કોવિડ કેર સેન્ટરમાં 1 તેમજ અન્ય એક બાયપેપ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
કોણે શું કહ્યું…
દેશમાં સામાજિક ભાઈચારો, એકતા-અખંડિતતા સાથે લોક-કલ્યાણ એ જ અમારો સંકલ્પ: યુનુસભાઈ અમદાવાદી
પત્રકાર વાર્તાને સંબોધતા WBVFના ડિરેક્ટર યુનુસભાઈ અમદાવાદીએ કહ્યું હતું, વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન કોરોના મહામારીના સંભવિત ત્રીજા ચરણ માટે વડોદરા, ભરૂચ તેમજ સુરતના નામાંકિત તબીબોના માર્ગદર્શન હેઠળ આગોતરા આયોજનનો પ્રારંભ કરી રહ્યું છે અને તેના ભાગરૂપે જ અમે ઓક્સિજન કોન્સટ્રેટર મશીન વીવીયુકે અને અલખૈર ફાઉન્ડેશનના સહયોગથી દાન મેળવી મેળવ્યા છે. અમે કોરાનાના પહેલા ફેઝ અને બીજા ફેઝમાં પણ બાયપેપ મશીન, પીપીઈ કીટ, માસ્ક, જરૂરી મેડીસન, ઓક્સિજન બેંક મારફત કોઈ પણ ન્યાત-જાત ધર્મના ભેદભાવ વિના દર્દીઓને મદદ કરી હતી. હવે પણ અમારી તૈયારી છે. દેશમાં સામાજિક ભાઈચારો, એકતા-અખંડિતતા સાથે લોક-કલ્યાણ એ જ વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનનો સંકલ્પ છે.
સંગઠનના હાથને વધુ મજબૂત કરતા રહેજો તો અનેક આફતો સામે મજબૂતીથી લડી શકાશે: ફારુક પટેલ(કેપી)
ઓક્સિજન કોન્સ્ટ્ર્ટર મશીનના વિતરણ કાર્યક્રમમાં સમાજને સંબોધતા WBVFના ડિરેક્ટર ફારુકભાઈ પટેલ (કેપી)એ સમાજના આગેવાનોને કહ્યું હતું કે, કોવિડમાં દેશ- ગુજરાતમાં ઊભી થયેલી પરિસ્થિતમાં સંભવ એટલી મદદ કરવા માટે WBVFએ આપણા યુકે સ્થિત સહયોગી વીવીયુકેના ઈમ્તિયાઝભાઈ, દિલાવરભાઈ દશાન અને ઈકબાલ ધોરીવાળાના માધ્યમથી ત્યાંના દાતાઓ થકી મદદ મેળવી. તેઓએ યુકેના ખૂબ જ મોટા અલ-ખૈર ફાઉન્ડેશનની મદદ મેળવી ઈસ્લામ અને ઈકરા ટીવી પર હજારો માઈલ દુરથી પહોંચીને લોકોને મદદ કરવા અપીલ કરી. અહીં રમઝાન હોવા છતા ઈન્ડિયાના પ્રમુખ આદમભાઈ આબાદનગરવાલા, યુનુસભાઈ અમદાવાદી, નાસીરભાઈ પટેલ, હનીફભાઈ મેટ્રીક્સ સહિતનાએ રાત-રાત ભર જાગીને કામ કર્યું. આપણાં વૈશ્વિક પ્રમુખ ઐયુબભાઈ આકુજી પણ ત્યાં બેસીને લગાતાર સમાજ માટે ચિંતા કરે છે. આટલી વ્યવસ્તતા વચ્ચે પણ અઠવાડિયામાં ચાર-ચાર બેઠકો કરીને આયોજન કરે છે, તેનું પરિણામ આપણે આજે જોઈ શકીએ છીએ. અલ-ખૈર ફાઉન્ડેશન આપણી સાથે આવ્યું તેનું એક જ કારણ છે કે આપણું મજબૂત સંગઠન. જેના થકી જ આપણે 2 વર્ષમાં આટલી ઊંચાઈ સુધી પહોંચી શક્યા છીએ. આપણે ઘણાં સંગઠનો અગાઉ જોયા છે, ઘણાં હું, બાવો ને મંગળદાસ જેવા પણ છે પરંતુ આપણે વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન 32 દેશોમાં એક મજબૂત સંગઠન પ્રસ્થાપિત કરીને અને પારદર્શકતા સાથે આગળ વધી રહ્યાં છે જે આ તમામને આભારી છે. ખાસ કરીને આપણે બધાને લગાતાર ભેગા કરવા માટે મથતા નાસીરભાઈ પટેલને હું તે માટે બિરદાવું છું. મારી આપ સૌને અપીલ છે કે, સંગઠનના હાથને વધુ મજબૂત કરો તો આવી કોરોનના જેવી મહામારીમાં પણ આપણે લોકોની મદદે ઊભા રહી શકીએ. હું અલ્લાથી દુઆ કરું છું કે આવી ઘાતક બીમારી ફરી ન આવે. આપ આર્થિક રીતે, સમય આપીને, મહેનત કરીને અથવા કંઈ ન થાય તો આ સંગઠનને દુઆ આપીને મદદ કરો.
કાર્યક્રમમાં WBVFના ઈન્ડિયા ચેપ્ટરના પ્રમુખ આદમભાઈ આબાદનગરવાલાએ કહ્યું કે, આ સંગઠન પારદર્શક વહીવટ સાથે આગળ વધી રહ્યું છે. વીવીયુકે અને અલ ખૈર ફાઉન્ડેશનના સહયોગથી મળેલા સાધનો આપણી ટીમ ગામડાઓમાં જઈને પહોંચાડશે. આપણે આ જ રીતે દરેક કામો પાર પાડતા રહીશું. આ પ્રસંગે સંસ્થાના અન્ય ડિરેક્ટર ઈકબાલભાઈ પાદરવાળા તથા ટીમ WBVF ઈન્ડિયા ચેપ્ટરના જવાબદાર સદસ્યો તેમજ બ્લોક સંયોજક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.