સુરત:- રિન્યુએબલ એનર્જી સોલાર સેક્ટરમાં કામ કરતી સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ માટે અને તેના શેરહોલ્ડર્સ માટે જુલાઈ મહિનો ખુશખબર લઈને આવ્યો. કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રસ્ટ્રક્ચર લિ. ને બંને સ્ટોક એક્સચેન્જ, BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા તા. 23 જુલાઈ 2021ના રોજ બીએસઈ લિમિટેડના SME પ્લેટફોર્મ પરથી મેઈન બોર્ડ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. વધુમાં કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા એક્સચેન્જના પ્લેટફોર્મ થકી તેના શેરહોલ્ડર્સને જણાવ્યું હતું કે તેઓ 27 જુલાઈ 2021થી કંપનીના શેર મેઈન બોર્ડ પર ખરીદ-વેચાણ કરી શકશે.
કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ 22 જાન્યુઆરી 2019માં 49,92,000 ઈક્વિટી શેર સાથે આઈપીઓ ઈશ્યુ કરીને રૂ. 39.94 કરોડની ઓફર બહાર પાડી હતી. આ ઓફરને શેરહોલ્ડરોએ 11 ટાઈમ ઓવરસબસ્ક્રાઈબ્ડ કરીને આઈપીઓને સફળ બનાવ્યો હતો. હવે 23 જુલાઈ 2021એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિ. અને નેશનલ સ્ટોક એક્ચેન્જ લિ.એ પણ મેઈન બોર્ડ પર માઈગ્રેશન માટેની મંજૂરી આપી દેતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
આ સંદર્ભે કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના ફાઉન્ડર કમ પ્રમોટર શ્રી ફારુક જી. પટેલે મીડીયા સમક્ષ BSE અને NSEનો આભાર માનતા કહ્યું હતું કે, અમને આ મંજૂરી મળતા રોકાણકારો ઉત્સાહિત થયા છે. કંપની સીપીપી અને આઈપીપી હેઠળના કરાર મળીને ઉદ્યોગકારોને અત્યારસુધી 60 મેગાવોટ્સ સોલાર પાવર સપ્લાય કરી રહી છે અને 40 મેગાવોટ્સના કામ હાલ પાઈપલાઈનમાં છે.
શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, કંપનીએ અત્યારસુધી ભરૂચ જિલ્લાના સુડી, તણછા, ભીમપુરા સહિતની જગ્યાઓ પર સોલાર પ્લાન્ટ સ્થાપ્યા છે અને હાલ ઓછણ, મુલેર, વાગરા અને કુરચણ સહિતના ગામોમાં અન્ય સોલાર પ્લાન્ટ સ્થાપ્વાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેથી, અમે આશા વ્યક્ત કરી રહ્યાં છીએ કે કંપની આગામી વર્ષોમાં ખૂબ જ ઉમદા પ્રદર્શન કરશે. શ્રી ફારુક પટેલે ઉમેર્યું હતું કે, અમારી યોજના વર્ષ 2025 સુધી 1000 મેગાવોટ્સના સોલાર પ્લાન્ટ નાંખવાની છે. રોકાણકારોએ અમારા પર મુકેલા વિશ્વાસ બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.