RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટનો સમય વધુ એક કલાક વધાર્યો, પાસ થવાનો રેસિયો પણ વધ્યો!!

સુરત સહિતની રાજ્યની આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો સમય વધુ એક કલાક વધાર્યો છે. જેના કારણે અરજદારોને રાહત થઈ છે. સુરત આરટીઓમાં રોજ 800 જેટલા વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લે છે અને તે હવે આસાનીથી મળી જાય છે. 800 પૈકી 485 જેટલા ફોરવ્હીલ ચાલકો હોય છે. અરજદારોને રાહત થઈ છે પણ સાથોસાથ તેમના ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થવાનો રેસિયો પણ વધી ગયો છે જે, ટેસ્ટ લેતા અધિકારીઓ વધુ ‘લિબરલ’ થયા હોવાની વાત તરફ ઈશારો કરે છે. જોકે, કેટલાક જાણકારો ટકોર કરતા કહે છે કે આમને આમ અધિકારીઓ ‘લિબરલ’ નથી થતા!!

કોરોના કાળ દરમિયાન આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાનું કામ લગભગ ટલ્લે જ ચઢી ગયું હતું. થોડો સમય આરટીઓ બંધ રહ્યાં બાદ જ્યારે કોવિડ હળવુ થયું ત્યારે અરજદારોને માંડ માંડ અપોઈન્ટમેન્ટ મળતી હતી. પરિણામે પાકા લાઈસન્સ ઈશ્યુ કરી શકાતા ન હતા. જેથી, અરજદારોને દંડનો ભોગ બનવું પડતું હતું. એક તો આરટીઓ-ટ્રાફિક પોલીસની કડકાઈ અને બીજી તરફ, ટેસ્ટ આપવા માટે અપોઈન્ટ ન મળતા પરેશાન અરજદારો તરફ સરકારની નજર જતા તેઓએ સ્લોટ વધારવાની સૂચના સાથે મોડી રાત સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાનો નિર્ણય કર્યો હતો. પહેલા કરફ્યુ લાગવાના એક કલાક પહેલા સુધી એટલે કે રાત્રિના નવ વાગ્યા સુધી સમય વધારી દેવાયો અને રોજની રોજ અપાઈન્ટમેન્ટ ક્લીયર કરવાનો આદેશ અપાયો. હવે એક દિવસ પહેલા કરફ્યુમાં છુટછાટના વધારાયેલા સમયને જોતા રાત્રિના 10 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આરટીઓના સૂત્રો કહે છે કે, હાલ રોજ 800 જેટલા અરજદારો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લે છે. જોકે, કોઈને કોઈ કારણોસર દોઢસોથી બસો જણાં અપોઈન્ટમેન્ટ કેન્સલ કરે છે અથવા અપોઈન્ટમેન્ટ હોવા છતા આવતા નથી. જેથી, 500થી 650 લોકો જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવી રહ્યાં છે. હવે સમય વધતા આ અપાઈન્ટમેન્ટમાં વધારો કરી શકાશે.

Leave a Reply

Translate »