- રાજા શેખ, સુરત (98980 34910)
સુરત સહિતના રેલવે સ્ટેશનો પર બેગ સેનેટાઈઝ કરવા માટે અપાયેલા કોન્ટ્રાક્ટરે નાદારી જાહેર કરતા તેના મશીનો અને કેબિન ધૂળખાતા મહિનાઓથી પડી રહ્યાં છે. આખરે હારીથાકીને રેલવેએ ભંગાર અવસ્થામાં આવી ગયેલા કેબિનો ઉખેડી ફેંકવાની નોબત આવી છે.
કોરોનાકાળ દરમિયાન કોઈ પણ રીતે ચેપ ન લાગે તે માટે રેલવેએ પણ પ્રયાસો હાથ ધર્યા હતા. લોકડાઉનમાં લાંબો સમય ટ્રેન બંધ રહ્યાં બાદ વિવિધ શહેરોમાં ફસાયેલા લોકોને પોતાના વતન પહોંચાડવા રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાની શરૂઆત કરાઈ હતી. જેમાં કોરોના ગાઈડલાઈનના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું હતું. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, હાથ અને સરસામાન સેનેટાઈઝ કરવું વગેરે. રેલવે એ સરસામાનનું સારી રીતે સેનેટાઈઝેશન થાય અને ચેપ બેગ થકી ન લાગે તે માટે માત્ર રૂ. 10માં એક બેગ સેનેટાઈઝ થાય તે માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બુક બેગેજ નામથી આ કોન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યું હતું. જેમાં પશ્ચિમ રેલવેના સુરત, અમદાવાદ, બાન્દ્રા અને મુંબઈ સેન્ટ્રલ સહિતના સ્ટેશનો માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. (આમ તો દેશભરમાં આ સિસ્ટમ ડેવલપ કરાય હતી.)
રેલવેના ચોપડે તા. 31 ડિસેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2021 સુધીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. ‘બુક બેગેજ’નામથી સુરત, બાન્દ્રા અને મુંબઈ સેન્ટ્રલ ખાતે પ્લાસ્ટિક ફ્રેમની કેબિન બનાવાય હતી અને બેગ સેનેટાઈઝ થાય તે માટે ઓટોમેટિક ટ્રેલિંગ મશીન મુકાવાયા હતા. જેમાં 360 ડિગ્રી સુધી અને 15થી 20 સેકન્ડ સુધી બેગ સેનેટાઈઝ થતુ હતું. તે માટે રૂ. 10 વસુલાતા હતા. અગર સાથે યાત્રી પોલિથિનથી બેગ પેક કરાવે તો કુલ રૂ. 40 થતા હતા. પરંતુ મર્યાદિત ટ્રેનો વચ્ચે બે-ચાર મહિના આ કોન્ટ્રાક્ટ ચાલ્યો હતો અને ઈચ્છુક યાત્રીઓ બેગ સેનેટાઈઝ કરાવતા હતા. પરંતુ દરેક યાત્રી તેમાં રસ લેતા ન હતા. ઉપરથી કોન્ટ્રાક્ટરને આવક પણ એટલી થતી ન હતી. તેની સામે તેણે ત્રણથી ચાર કર્મચારીઓને પગાર ચુકવવો પડતો હતો. પરિણામે તેણે નાદારી જાહેર કરી દીધી હતી. પશ્ચિમ રેલવેએ વારંવાર નોટીસો આપવા છતા કોન્ટ્રાક્ટર નક્કી કરાયેલી રકમ જમા કરાવી શક્યો ન હતો અને તેણે આગળ કામ પણ જારી રાખ્યું ન હતું. જેથી, આ કેબિનો ધૂળ ખાતી પડી રહી હતી. તેના ગ્લાસ પણ તૂટી ગયા હતા. રેલવે પ્રિમાઈસીસમાં ખોટી જગ્યા પણ રોકતું હતું. પરિણામે બે દિવસ પૂર્વે જ કેબિનનો સામાન તો ખસેડી લેવાયો છે પરંતુ હજી મશીન આમને આમ પડ્યું હોવાનું રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
- દરેક જગ્યાએ ફ્રીમાં સેનેટાઈઝ કેબિન મુકાય અને રેલવેએ કોન્ટ્રાક્ટ આપ્યો!!
આપણે જોયું હતું કે, દરેક જાહેર સ્થળો, સરકારી ઓફિસો, ખાનગી ઓફિસો, પોલીસ મથકો, બસ સ્ટેશનો સહિતની જગ્યાઓ પર વ્યક્તિ સાથે સરસામાન પણ સેનેટાઈઝ થઈ જાય તે માટે વિવિધ સંસ્થાઓએ ફ્રીમાં સેનેટાઈઝ ટનલો, કેબિનો મુકી હતી પરંતુ રેલવેએ તે માટે કોન્ટ્રાક્ટ આપી આવક ઊભી કરવાનું વિચાર્યું પરંતુ તેમાં ઉંધી પછડાટ ખાધી.