શું તમે જાણો છો? , સુરતીઓનો ‘અંધકાર’ લાખો સ્ટ્રીટલાઈટ દૂર કરે છે, પવનચક્કીઓ-સોલાર પ્લાન્ટ પણ છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: કોઈ પણ શહેરની પ્રગતિનો ચિતાર તેના ઝળહળાટ પરથી પણ આવે છે. અરબ કંન્ટ્રી જુઓ કે પછી વિદેશ ત્યાંની ઝાકઝમાળમાં લાઈટિંગનો પણ મહત્વનો રોલ જોવા મળે છે. વિમાની દ્રશ્ય જ તમને તેના તરફ આકર્ષણ પેદા કરે છે. આપણું સુરત પણ તેમાંથી બાકાત નથી. સુરતની ગલી-ગલીએ હવે તમને એક ઉજાસ પથરાયેલો જોવા મળે છે. તેમાં સ્ટ્રીટલાઈટ, હેલોઝન, હાઈમસ્ટ ટાવર વગેરેનો મુખ્ય ભાગ છે. સુરત મહાનગર પાલિકા શહેરનું ‘અંધકાર’ દૂર કરવા 1 લાખ 44 હજાર 468 સ્ટ્રીટલાઈટ રોજ પ્રગટાવે છે અને આપણને ‘ઉજાસ’માં રાખવા માટે રૂ. 290 કરોડનો ખર્ચ કરે છે. જોકે, આ ઉજાસ આપણને આપણા ટેક્સની રકમમાંથી જ મળે છે તે વાત ચોક્કસ છે પરંતુ તેનો નિભાવ અને વ્યવસ્થા પૂરી પાડવી એ ટાસ્ક ખરેખર દાદ માંગી લે તેવો છે. સુરત મનપા વીજળી ખર્ચમાં બચત કરવા પાંચ પવનચક્કી અને પાંચ સોલાર પ્લાન્ટ પણ લગાવ્યા છે. સાથોસાથ મનપાની કચેરીઓ મળીને 55 સોલાર પ્લાન્ટ બેસાડ્યા છે.

પહેલા ટ્યુબલાઈટ અને બલ્બ હતા હવે એલઈડી લાઈટોથી શહેર ઝગમગે છે

સુઘરાઈ સમયમાં શહેરમાં દિવા પ્રગટાવાતા હતા. પરંતુ વીજળીકરણની પ્રક્રિયા બાદ ધીરે ધીરે સ્ટ્રીટલાઈટનો ટ્રેન્ડ અમલમાં આવ્યો અને તેમાં બલ્બ તેમજ બાદમાં ટ્યુટલાઈટ લગાવામાં આવતી હતી. વર્ષ 1995 પહેલા સુરતમાં પહેલા 21000 આસપાસ સ્ટ્રીટલાઈટ હતી પરંતુ આજે પ્રત્યેક ગલી-નુક્કડ-રસ્તાઓ મળીને 1,44,468 જેટલી સ્ટ્રીટલાઈટ છે અને વધતા વિસ્તારો સાથે લગાતાર તેમાં વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગર પાલિકાએ એનર્જી એફિશ્યન્સી સેલની રચના કર્યા બાદ વીજ બચતની દિશામાં આગળ વધ્યા અને આજે દર વર્ષે 3.4 કરોડ યુનિટ (રૂ.17 કરોડ)ની વીજબચત કરવામાં આવે છે. સુરતમાં હવે ટ્યુટબલાઈટ કે બલ્બ જોવા નથી મળતા તેની જગ્યાએ એલઈડી લગાડવામાં આવી રહ્યાં છે. જેના કારણે ઉજાસ તો વધુ મળે જ છે સાથોસાથ વીજળીની બચત પણ થાય છે. ભાજપ શાસકો દાવો કરે છે કે તેમના 1995 બાદથી અત્યારસુધીના શાસન દરમિયાન તેઓએ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ અને નેશનલ ઈલેક્ટ્રિક કોડ મુજબની સ્ટ્રીટલાઈટ સેવા શરૂ કરી અને તેમાં બલ્બમાંથી ટ્યુબલાઈટ, સોડિયમ, હેલાઈડ ફિટિંગ્સ અને હવે એલઈડી તરફ આગળ વધ્યા. 56 હાઈમાસ્ટ ટાવરો તેમજ 343 મીની હાઈમાસ્ટ ટાવરો ઊભા કર્યા. લાઈટપોલની નવી ડિઝાઈનો મુકી. ઝુમ્મર, હેરિટેજ પ્રકારની સ્ટ્રીટલાઈટો પણ લગાડી આકર્ષણ વધાર્યું.

તિજોરીનું ભારણ ઘટાડવા પવનચક્કી અને સોલાર પ્લાન્ટ નંખાવ્યા

સુરતીઓના માથે કરબોજ નહીં વધે અને મનપાની તિજોરી પર પણ ભાર ઓછો રહે તે માટે વીજળીક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં સુરત મહાનગર પાલિકાએ વર્ષ 2004થી પ્રયાસો શરૂ કર્યા અને તેમાં મહ્દઅંશે સફળતા પણ મળી. ભાજપ શાસકોની પરવાનગીથી મહાપાલિકાએ વર્ષ 2010થી અત્યારસુધીમાં રૂ. 216 કરોડના ખર્ચે કુલ પાંચ પવનચક્કી (વિન્ડ પાવર) બેસાડી. નિભાવ ખર્ચને બાદ કરતા મનપાને વિન્ડ પાવર પ્લાન્ટ થકી રૂ. 226.50 કરોડનો ચોખ્ખો ફાયદો થયો હોવાનું ચોપડે નોંધાયું છે. ઉપરાંત મનપાની કચેરીઓ, શાળાઓ, ઈમારતો મળીને 35.28 કરોડના ખર્ચે પાંચ સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કર્યા છે. જેના થકી નવેમ્બર 2020 સુધીમાં 2.61 કરોડ યુનિટ વીજળી ઉતપ્ન કરીને રૂ. 21.40 કરોડનો ચોખ્ખો ફાયદો મનપાએ કર્યો છે. મનપા શહેરમાંથી નીકળતા કચરાને વર્ગીકૃત કરીને બાયોગેસ મારફત પણ વીજળી ઉત્પન્ન કરવાની દિશામાં આગળ વધી રહી છે.

  • રાજા શેખ, સુરત (98980 34910)

Leave a Reply

Translate »