શું તમે જાણો છો? સુરતમાં ઓક્સિજન પાર્ક છે અને જંગલ બનાવાનું પ્લાનિંગ પણ છે!

ન્યૂઝનેટવર્ક્સ ટીમ: ‘ ખુબસૂરત સુરત, હરિયાળુ સુરત ’’ આ સ્લોગન આમ તો સુરતમાં પ્લેગ બાદ અપાયું. ગંદા સુરતને સુંદર, હરિયાળુ અને રહેવાલાયક બનાવવા માટે ત્યારથી પાયો નંખાયો અને શહેરમાં સફાઈની સાથે ગ્રીનરી ઊભી કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા. આજે શહેરના દરેક રસ્તાઓ પર હરિયાળી છે જોકે, તેમ છતા સુરતનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ સરેરાશ 90થી 120 નોંધાતો હોય છે અને તે ઘટાડવા મહાપાલિકાએ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમના આધારે પ્લાનિંગ કર્યું છે. જોકે, એ વાત કદાચ તમે નહીં જાણતા હોવ કે મહાનગર પાલિકાએ સુરતના બે વિસ્તારોમાં ઓક્સિજન પાર્ક બનાવ્યા છે અને અર્બન ફોરેસ્ટ ઊભા કરી રહી છે. જોકે, બોટનિકલ ગાર્ડન તો આપણી સેવામાં પહેલાથી જ છે.

ઓક્સિજન પાર્ક: સુરત મહાનગર પાલિકાએ ભાજપ શાસન દરમિયાન 24 કલાક ઓક્સિજન આપતા બે ગાર્ડન ઊભા કર્યા છે. જેનાથી શહેરીજનો ઓક્સિજન થેરાપી લઈ શકે છે. ભીમરાડ અને ઉત્રાણ ખાતે 1 કરોડ અને 30 લાખના ખર્ચે આ ઓક્સિજન પાર્ક ઊભા થયા છે. જેમાં પીપળા, વડ, લીમડા, એરિકા પામ, હરિદ્વાર તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી જેવા 12 હજારથી વધુ વૃક્ષો- છોડવા 24 કલાક ઓક્સિજન હવામાં ભેળવે છે. જેનાથી પ્રદૂષણ ઘટાડમાં તો મદદ મળી રહી છે. સાથોસાથ અગર આપ બિમાર હોવ તો શુદ્ધ હવા આ ગાર્ડનોમાં મેળવીને તંદુરસ્ત થઈ શકો છો.

શહેરી જંગલ: સુરત મહાનગર પાલિકાએ રૂ. 108 કરોડના ખર્ચે અલથાણ અને બમરોલી ખાતે વાઈલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનું કામ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શરૂ કરી દીધું છે. અર્બન ફોરેસ્ટ તરીકે ઓળખાતા આ બંને પાર્ક 68 એકર જમીનમાં વિકસાવાય રહ્યાં છે. જેમાં નાના-મોટા 6 લાખથી વધુ વૃક્ષોના રોપાણનું કામ શરૂ કરાયું છે. જેમાં ઝરણાં, સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક અને રમતગમત વિસ્તાર પણણ ઊભા કરાશે. જેનાથી પણ પર્યાવરણની જાળવણી કરાશે.

બોટનિકલ ગાર્ડન:

રાંદેર ઝોનના ઉગત ખાતે 83016 ચોરસમીટર વિસ્તારમાં સુરત મનપાએ રૂ. 95.90 લાખના ખર્ચે બોટનિકલ ગાર્ડન બનાવ્યું છે. આ બાગ સામાન્ય બગીચાથી જુદો એટલા માટે તરી આવે છે કે જેમાં વિવિધ પ્રકારની ઔષધિયો, હર્બલ,ન્યૂટ્રિશન, કિચન, વૈદિક વનસ્પતિઓ, સુંગિધત ફુલ-છોડ, એક્વેટિક, યુફોરબિયા જેની અનેક વનસ્પતિઓ, વેલીઓ વગેરનું જતન કરવામાં આવી રહ્યું છે. અહીં એમ્યુઝમેન્ટ પાર્ક છે અને બાળકોની પસંદગીની ટોય ટ્રેન પણ છે. આ ગાર્ડન આખા શહેરીજનોનું ખૂબ જ પસંદગીનું સ્થળ છે.

રાજા શેખ, સુરત (98980 34910)

Leave a Reply

Translate »