સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો બેફામ-બેધડક ગોબાચારી કરી કામદારોના શોષણ સાથે સુરત મહાનગર પાલિકાને પણ ચુનો ચોપડતા હોવાના પુરાવા સાથેના લગાતાર અહેવાલો અમારા દ્વારા પ્રકાશિત કરાયા બાદ મનપાના આરોગ્ય વિભાગ હેઠળ આવતા સોલિડ વેસ્ટ વિભાગે તપાસ શરૂ કરાવી હતી અને તે માટે આઠ સભ્યોની કમિટી પણ બનાવી હતી. આ તપાસ જુલાઈ માસમાં શરૂ થઈ હતી અને 15 દિવસમાં તેનો રિપોર્ટ મંગાવીને મનપા કમિશનરને સુપરત કરવાનો હતો પરંતુ જુલાઈથી ડિસેમ્બર માસ આવી ગયો પરંતુ હજી સુધી તપાસ કમિટીએ રિપોર્ટ સબમીટ કર્યો નથી અને આરોગ્ય વિભાગે તે સબમીટ પણ કરાવ્યો નથી!! જેથી, સીધી રીતે એવું કહીં શકાય કે તપાસના નામે ગાડી અવળે પાટે ચઢાવીને કોન્ટ્રાક્ટરોને બચાવી લેવાનો ‘ખેલ’ મળતિયા અધિકારીઓ કર્યો હોઈ શકે. જોકે, આ મામલે હજી સુધી ભાજપ શાસકોની નવી ટીમ પણ કડકાઈ નથી દાખવી રહી તે બાબત જરૂર વિચાર માંગી લે તેવો છે.
કેવી રીતે તપાસ કરવાના હતા?
સુરત મહાનગર પાલિકાના 8 ઝાેનના ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેકશનના કાેન્ટ્રાક્ટરાે દ્વારા થતી કેટલીક ગેરરીતી મામલે સાેલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જુલાઈ-2021માં તપાસ શરૂ કરવામાં આવી હતી. જીપીએસ સિસ્ટમના છ મહિનાના (1 જાન્યુઆરીથી 30 જૂન 2021સુધી) ડેટા પણ ચેક કરવા માટે 8 જણાંની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સિટી ઈજનેર ને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હાેસ્પિટલની મંજૂરીથી સાેલિડ વેસ્ટ વિભાગની બહારના કર્મચારીઆેની ટીમને આ કામે લગાવવામાં આવી હતી.. આ ટીમ 15 દિવસમાં તેનાે રિપાેર્ટ રજૂ કરવાની હતી.. જેનાે એક રિપાેર્ટ મનપા કમિશનર બંછાનિધી પાનીને સાેંપવાનો હોવાનું જે તે સમયે અધિકારીઓ દ્વારા કહેવાયું હતું..
જુલાઈમાં શું કહ્યું હતું સોલિડ વેસ્ટના અધિકારીએ ?
સાેલિડ વેસ્ટના અધિકારી જ્વંલત નાયકે જે તે સમયે કહ્યું હતુ કે, અગર ગાડીઆેનું મુવમેન્ટ અંદરાેઅંદર કરી હશે અને ખાેટી રીતે મુવમેન્ટ હશે, વજનમાં વેરિયેશન હશે, જેસીબીથી ગાડીઆે ભરાય છે તે, શંકા મુજબની બાબતાે સામે આવશે તાે તેમની સામે દંડનીય કાર્યવાહી ઉપરાંત એક એક રૂપિયાે વસૂલ કરવામાં આવશે. હાલ સેન્ટ્રલ ઝાેનના કાેન્ટ્રાક્ટર જીગર ટ્રાન્સપાેર્ટની ગાડીઆેનું એનાલિસીસ શરૂ કરાયું છે અને તેની લગભગ 50 હજાર ટ્રીપાેનું ઝીણવટભર્યું એનાલિસીસ કરવામાં આવશે. વારાફરતી તમામ ઝાેનમાં આ તપાસ કરાશે. કમિશનરને રિપાેર્ટ કર્યા બાદ શરતચૂક હશે તાે મનપાને થયેલા નુકશાનીનાે એકએક રૂપિયાે વસૂલવામાં આવશે. નાયકે કહ્યું કે તમામ ઝાેન કક્ષાએ પણ કહેવાયું છે કે, અહેવાલાે મુજબ તપાસ કરવામાં આવે.
હવે ડિસેમ્બરમાં શું કહે છે આ અધિકારી?
સોલિડ વેસ્ટ વિભાગના આ જ અધિકારી જવંલત નાયક હવે ઉપરોક્ત તપાસ અંગે કહે છે કે, હજી તપાસ રિપોર્ટ આવ્યો નથી. ફરિયાદીને વારંવાર નોટીસ આપી બોલાવાયો પણ તે આવ્યો નહીં.
(અમારો સવાલ: શું ખોટું થતું હોય તો તે તપાસમાં નીકળે જ અને ખુલી આંખે જોઈ શકાતું હોય તો ફરિયાદીનું શું કામ?)
ડેટા અમે મેળવી રહ્યાં છે પણ તેમાં મેળ ખાતો નથી.
(અમારો સવાલ: કેમ મેળ ખાતો નથી? તેનું કારણ શું? શું તમારી ટીમ પ્રોપર તપાસ કરતી નથી કે માત્ર તપાસના નામે ટાઈમપાસ કરે છે? શું કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત છે? કોન્ટ્રાક્ટરોના પીઠ્ઠુંઓ સહદેવ, વીક્કી, રાજુ, વિક્રમ જે રીતે લોકાે વચ્ચે ખુલ્લેઆમ કહીં રહ્યાં છે કે, અમારું ઉપર સુધી સેટિંગ છે કોઈ કશું નહીં બગાડી શકે તે વાત સાચી છે?)
નાયક કહે છે કે, અમારે અમારી પ્રમાઈસીસમાં કોઈ શરતચુક તેઓ કરે તો તે જાેવાનું છે. બાકી ઝોન કક્ષાએથી મોનિટરિંગ થાય છે. કામદારોનું શોષણ સહિતના મુદ્દા તેઓ જુએ છે.
(અમારો સવાલ: આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તો તમામ ઝોનને તપાસ કરવા સૂચના આપી હતી અને તેનાે રિપોર્ટ કરવા કહ્યું હતું તો પછી તેનું ફોલોઅપ કેમ ન લેવાયું?)
નાયકે કહ્યું કે, હવે હું તપાસ ટીમને રિપોર્ટ સબમીટ કરવા કહીશ.
(અમારો સવાલ? તો અત્યારસુધી રિપોર્ટ મેળવવા માટે કવાયત કેમ ન કરી? કેમ તપાસ ટીમને 15 દિવસમાં જ રિપોર્ટ આપવા દબાણ ન કરાયું? જુલાઈમાં સોંપાયેલી તપાસ માટે કેમ ડિસેમ્બર સુધી કોઈ હલચલ ન કરાઈ? કેમ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચૂપ બેસી રહ્યાં? કેમ કામદારોને ન્યાય ન આપ્યો? કેમ ખોટા વજનો ચલાવી લેવાયા? કેમ નિયમ ભંગ ચલાવી લેવાય છે?)