શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયાએ જણાવ્યું છે કે, રાજ્યની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા અને સુગ્રથિત વિકાસ માટે રાાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્યમાં ટીપી સ્કીમોના ઝડપી અમલ માટે રાજ્યભરમાં મિશન મોડમાં કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે, મહાનગરો અને વિવિધ સત્તામંડળોમાં ટીપી સ્કીમો અંગેના પરામર્શ 60 દિવસમાં પૂર્ણ કરી રાજ્ય સરકારને સુપ્રત કરવા રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ અપાઈ છે.
મંત્રી મોરડિયાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરોમાં જનસુખાકારીના કામો સત્વરે હાથ ધરાય અને નાગરિકોને સત્વરે લાભ મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં વધતા શહેરીકરણને લીધે શહેરોનો વિકાસ ખૂબ જ ઝડપથી થઇ રહ્યો છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસમાં ટી.પી. સ્કીમો ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. નગર રચના યોજનાઓ આખરી કરવામા વિલંબ નિવારી શકાય તે હેતુસર જાહેર હિતમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મંજુર મુસદારૂપ નગર રચના યોજનાની સુનાવણી બાદની દરખાસ્તો પરત્વે મુખ્ય નગર નિયોજક અને સમુચિત સતામંડળના પરામર્શ મેળવવા માટે નિયત કરાયેલ કાર્યપધ્ધતિ અંગે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામા આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, ટી.પી. સ્કીમો પ્રારંભિક કે અંતિમ કરવા સમયે નગર નિયોજકશ્રીઓ દ્વારા માંગવામાં આવતો પરામર્શ સમુચિત સતામંડળ (મહાનગરપાલિકા / ઓથોરીટી) દ્વારા અગ્રિમતા આપીને વધુમાં વધુ ૬૦ દિવસમાં પરામર્શ આપવામા આવે તેવી વ્યવસ્થા ગોઠવવા મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ તથા તમામ સત્તામંડળના ચેરમેનશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યમંત્રી શ્રી મોરડિયા દ્વારા રાજ્યના તમામ નગર નિયોજકશ્રીઓની રીવ્યુ બેઠક યોજીને ટી.પી. સ્કીમોની કામગીરીમાં ઝડપ લાવવા માટે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા શક્ય તમામ પગલાઓ લેવાનું શરૂ કરાયું છે.
તાપી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને ઝડપભેર સાકાર કરવાં માટે રાજ્ય સરકાર પાલિકાને તમામ સહયોગ પૂરો પાડશે :શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા કચેરીના સભાખંડમાં મનપાની કામગીરી અને ભાવિ આયોજન અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ સૂચિત ટી.પી.સ્કીમોનું સ્ટેટસ, પાણી પૂરવઠા યોજના- ‘નલ સે જલ’ના નવા આયોજનો, અમૃત્ત યોજના, સિવરેજ અને સેપ્ટેજ મેનેજમેન્ટ, શહેરી પરિવહન, ગ્રીન સ્પેસ (પાર્ક), ઝોનવાઈઝ રોડ રિપેરિંગ, બ્રિજ સેલની કામગીરી, રખડતા ઢોરની સમસ્યા, પી.એમ.સ્વનિધિ યોજના, ભિક્ષુકમુક્ત સુરત અભિયાન અને તેમના પુન:સ્થાપન, સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨, ઈ-નગર પોર્ટલ, વેરા વસુલાતની કામગીરી, ફાયર અને ઈમરજન્સી સેવા, સ્માર્ટ સિટી યોજના, તાપી રિવરફ્રન્ટની વર્તમાન કામગીરી અને ભાવિ આયોજન અંગે સમીક્ષા કરી હતી.
બેઠકને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ઝડપભેર સાકારિત કરવા માટે રાજ્ય સરકાર પાલિકાને તમામ સહયોગ પૂરો પાડશે. સુરતમાં રખડતા ઢોરની સમસ્યા કાયમી ધોરણે નિવારવા માટે શહેરીતંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કરતાં કહ્યું કે, પાલિકા તંત્ર રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ આપવા મક્કમતાથી કાર્યરત છે. આ સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાં માટે તબેલા, ડેરીના પશુઓ પર RFID- રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન, ઈયર ટેગિંગ લગાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું ઉમેર્યું હતું. આ સંદર્ભે મ્યુ.કમિશનરશ્રીએ વિગતો આપતાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૨૮૯૬ રખડતા ઢોરને પકડીને ડબ્બામાં પૂરી રૂ.૩૧ લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે ૨૦૨૧ દરમિયાન આજ સુધી ૪૦૯૬ એટલે કે બે ગણા ઢોરને પકડવામાં આવ્યાં છે, અને ઢોરમાલિકો પાસેથી રૂ.૪૦ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ તાપી નદી પરના પાળા પર દબાણ કરનારા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવાની તાકીદ કરતા અધિકારીઓને પાળા પર દબાણોને ડિમોલીશ કરવાં આદેશ આપ્યો હતો અને ફરી એ સ્થળે દબાણ ઉભું ન થાય એ માટે સમયાંતરે સુપરવિઝન કરી દબાણકર્તાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાં અને જરૂર જણાયે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે, શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં કુલ ૭ અને પાલિકાની હદમાં ૦૫ ટીપી સ્કીમોનું આયોજન કરાયું છે. જેમાં અગ્રીમતાના ધોરણે સૂચિત ૧૦ ટીપીમાં સર્વે, DIRL સર્ટિફિકેશન અને સૈદ્ધાંતિક મંજૂરીની કાર્યવાહી પ્રગતિમાં છે. તેમણે જનપ્રતિનિધિઓના પત્રો, રજૂઆતો સંદર્ભે સંકલન જાળવી વિકાસ અને જનહિતના કામોને વધુ વેગથી પાર પાડવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ સુરતમાં પી.એમ.સ્વનિધિ યોજનામાં ફેરિયાઓ-સ્ટ્રીટ વેન્ડરોને રૂ.૧૦ હજારની લોન આપી આત્મનિર્ભર બનાવવામાં ખુબ ઉપયોગી બની રહી છે એમ જણાવતાં પાલિકા દ્વારા આ યોજના હેઠળ ૨૮,૯૭૬ ફેરિયાઓની નોંધણી અને તે પૈકી ૧૬,૦૩૩ ફેરિયાઓને લોન આપવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.
બેઠકમાં ફાયર વિભાગના અધિકારીઓએ પાલિકા વિસ્તારમાં હયાત ૧૭ ફાયર સ્ટેશનો સિવાય નવા ૧૨ ફાયર સ્ટેશનોનું કામ પ્રગતિ હેઠળ હોવાની અને ફાયર વિભાગને અપગ્રેડ કરવાની કામગીરીની વિગતો આપી હતી.
બેઠકમાં મેયર મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ મનપાની કામગીરી અને આયોજન અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. આ બેઠકમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.