ન્યૂઝનેટવર્કસ ટીમ:
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો પર કોઈ પકડ ન હોવાનું વારંવાર ફલિત થતું આવ્યું છે. એવામાં હાલમાં જ એક અરજદારે સુરત મહાનગર પાલિકા્ની ઓફિશિયલી એપ્લિકેશનના માધ્યમથી રાંદેર ઝોનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનો પર જોખમી રીતે કચરાના પોટલા લટકાવવા સંદર્ભ તેમજ બાળ મજદૂર પાસે કામ કરાવવા સંદર્ભની ફરિયાદ કરી છે અને તેના આધારે રાંદેર ઝોનના આરોગ્ય વિભાગે તપાસ કરી કોન્ટ્રાક્ટર વેસ્ટર્ન ઈમેજરી સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. અનેક ફોટા મોકલ્યા હોવાથી એક ટેમ્પો દીઠ રૂ. પાંચ હજારનો દંડ કરવામાં આવશેે, જ્યારે બાળમજદૂરી કરાવવા સબબ નોટીસ પાઠવવામાં આવી રહી હોવાનું એક અધિકારીએ અમને જણાવ્યું હતું. જોકે, આ દંડનીય કાર્યવાહી ચાલતી મોટી ગોબાચારી સામે ખૂબ જ નાની છે.

અગાઉ શ્રમ વિભાગમાં થયેલી ફરિયાદો સંદર્ભે પણ હજી મોટા એક્શન લેવાયા નથી. માત્ર 6 મહિનાનું પેમેન્ટ અટકાવી દેવાયું છે. તો કામદારોના કેવાયાસી વિના બેંક એકાઉન્ટ ખોલાવીને તેઓની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ કોન્ટ્રાક્ટરોના સુપરવાઈઝરો જમા લઈને તેઓના રૂપિયા બારોબાર ઉપાડી લે છે અને તેઓને 21 હજારના પગાર પૈકી રૂ. 7 હજાર જ પગાર ચુકવવા મામલે મનપા અધિકારીઓ પોતાની તરફથી કોઈ કાર્યવાહી કરતા નથી. શ્રમ વિભાગના મહિલા અધિકારી સંગીતાસિંગ આ મામલે કડક વલણ અખત્યાર કરી રહ્યાં છે પરંતુ કોન્ટ્રાક્ટરના પીઠ્ઠુઓ અને દલાલો વીક્કી, સહદેવ, વિક્રમ અને રાજુ શ્રમ વિભાગના હજી સુધી હાજરી પુરાવતા નથી અને જવાબ રજૂ કરતા નથી. તેઓ પોતાના પોલિટિકલી કનેક્શનનો પણ ખોટો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્ટેટ વિજિલન્સમાં પણ રાવ થઈ
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરોની ગોબાચારી મામલે અને તેમની સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાના આરોપ લગાવી કેટલાક પુરાવા સાથે એક અરજદારે સ્ટેટ વિજિલન્સમાં ફરિયાદ કરી છે. સુરત મહાનગર પાલિકાનું વિજિલન્સ વિભાગ પણ ગાંધારીની ભૂમિકા નિભાવી ડોર ટુ ડોર ગોર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ પણ આ ફરિયાદમાં છે. જે અંગે શાસકો અને મનપા કમિશનરનું પણ ધ્યાન દોરાયું છે. હવે સ્ટેટ વિજિલન્સમાં થયેલી ફરિયાદને આધારે સ્થાનિક તંત્ર હરકતમાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

જીગર ટ્રાન્સપોર્ટ સામે મજબૂત પુરાવા ભેગા કરવામાં લાગ્યું સોલિડ વેસ્ટ વિભાગ!!
સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ ઝોનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટર જીગર ટ્રાન્સપોર્ટ સામે જુલાઈ માસમાં તપાસ સોંપવામાં આવી હતી. તેની કેટલીક ગેરરીતીઓ અંગે જીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે. જોકે, એક વાત એ છે કે, 15 દિવસમાં 8 જણાંની તપાસ કમિટી તરફથી રિપોર્ટ રજૂ કરવાનો હતો પરંતુ હજી સુધી તે રજૂ થયો નથી. જોકે, તેની પાછળનું કારણ આપતા સોલિડ વેસ્ટ વિભાગના અંતરંગ સૂત્રોએ અમને જણાવ્યું કે, ઘણાં બધા પુરાવા એકત્ર કરાય રહ્યાં છે. રિપોર્ટ થશે તો મજબૂત થશે અને તેમાંથી જવાબદાર કોન્ટ્રાક્ટર જરા પણ છટકી જઈ નહીં શકે. એટલે મસમોટા દંડ સાથે કડક કાર્યવાહીનો અંદેશો સૂત્રો આપી રહ્યાં છે. બીજી તરફ, શાસકો પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન મામલે નવી રણનીતિ બનાવી રહ્યાં છે જેથી, આ કકળાટ કાયમી દૂર થાય અને સુરતીઓને ખરેખરની સ્વચ્છતા મળે.
- રાજા શેખ, સુરત (98980 34910)
