શું તમે જાણો છો? સુરતમાં 2924 કિ.મી. રસ્તા છે, 258 ટ્રાફિક આઈલેન્ડ છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરત શહેરમાં આજની તારીખે 2924 કિલોમીટરના રસ્તાનું નિર્માણ થઈ ચુક્યું છે. લગાતાર વધતો વિસ્તાર અને વસ્તીને સાંકળતા રસ્તા બનાવવા અનિવાર્ય થઈ ગયા હોય સુરત મનપાએ ભાજપ શાસકોની પરવાનગીથી ‘રસ્તા’નો પણ વિકાસ કર્યો છે. ઉપરાંત 244 રનિંગ કિલોમીટર રોડ ડિવાઈડર છે અને 258 ટ્રાફિક આઈલેન્ડ છે. જેમાં 43 ફુવારા સાથેના આઈલેન્ડનો પણ સમાવેશ થાય છે. 1995 પહેલા જ્યારે સુરત સીમિત હતું તે સમયે માત્ર 496 કિલોમીટરના જ રસ્તા હતા અને 50 રનિંગ કિ.મી. રોડ ડીવાઈડર અને 30 ટ્રાફિક આઈલેન્ડ હતા.


ડામરના રસ્તા, એસીસી, પ્લાસ્ટિક માર્ગ કેટલા ?

લોકોને પાકા રસ્તા મળે તે માટે દર વર્ષે 80થી 90 કિલોમીટરના નવા રોડ નિર્માણનું કામ સુરત મનપાએ કર્યું છે. હાલમાં શહેરમાં 2521.384 કિલોમીટરના આધુનિક ટેક્નોલોજીના ડામરના (બીટી) રસ્તા, 166.401 કિમીના એસીસી રોડ તેમજ 19 કિમીના પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવેલા રસ્તા છે. વિતેલા 25 વર્ષમાં રસ્તા બનાવવા પાછળ મનપાએ અધધ… કહી શકાય એટલો 2132.828 કરોડનો ખર્ચ કર્યો છે. જોકે, દરવર્ષે ચોમાસામાં રસ્તા ધોવાણને કારણે પ્રતિષ્ઠાનું ધોવાણ પણ થઈ રહ્યું છે એ વાત અલગ.

ગૌરવ પથ સહિતના બ્યુટિફિકેશનવાળા રસ્તા પણ છે

સુરત મનપાએ વર્ષ 2007માં અઠવાલાઈન્સના સરગમ શોપિંગ સેન્ટરથી રૂંઢ જકાતનાકા સુધીનો અઢી કિલોમીટરનો માર્ગ ગૌરવ પથ તરીકે સીસી રોડનો (ખર્ચ 7.52 કરોડ) વિકસાવ્યો. સર્વિસ રોડ, ફૂટપાથ પર પણ આકર્ષક બનાવાયા. હાલમાં જ અઠવાલાઈન્સ બ્રિજ નીચે પણ આઈકોનિક માર્ગ વિકસાવ્યોEઆ માર્ગો પર તો સુરતીઓ પથારા લગાવીને ઉજાણી પણ કરતા જોવા મળે છે. ઉપરાંત રાંદેર ઝોના ભેંસાણ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાલ હવેલી મંદિર સુધીનો સાડા છ કિલોમીટરનો માર્ગ પણ 42.98 લાખના ખર્ચે ગૌરવ પથ તરીકે બનાવ્યો. અઠવા ઝોનમાં વીઆઈપી રોડનો ડ્રીમ પ્રોજેક્ટ તેમજ વરાછા હીરાબાગ સરસ્વતી જંકશન તેમજ આઈમાતા ચોકના રોડને પણ સુશોભિત કરાયો. સચિન મગદલ્લા રોડ એલએનડી કોલોનીથી ખાટુ શ્યામ મંદિર સુધીનો પોણા પાંચ કિમીનો રોડ પણ 31.76 લાખના ખર્ચે મોડેલ રોડ તરીકે વિકસાવ્યો. આ તમામ રસ્તાઓ માટે લેટેસ્ટ ટેક્નોલોજી ઓલ વેધર રોડનો કોન્સેપ્ટ તેમજ ગેરેન્ટેડ સીસી રોડ અને પ્લાસ્ટિક વેસ્ટ કોન્સેપ્ટનો ઉપયોગ કરાયો.

સુશોભિત ટ્રાફિક આઈલેન્ડ અને રોડ ડિવાઈડરથી શોભા વધારી

1995માં 30 ટ્રાફિક આઈલેન્ડ હતા તેની સામે આજે સુરતમાં 258 સુશોભિત આઈલેન્ડ છે જે ટ્રાફિક નિયમનમાં ઉપયોગી થવા સાથે શહેરની શોભા પણ વધારી રહ્યાં છે. મનપાએ લોખંડના ભંગારમાંથી સ્થાપ્તય કલાને ઉજાગર કરતા 50થી વધુ ટ્રાફિક આઈલેન્ડ બનાવ્યા છે. ઉપરાંત 43 લાઈટિંગ ફુવારા સાથેના આઈલેન્ડ પીપીપી મોડલ પર રૂ. 2.70 કરોડના ખર્ચે બનાવ્યા છે. મનપાએ પોતે રૂ. 1-50 કરોડના ખર્ચે 47 આઈલેન્ડને થીમબેઝ્ડ બનાવ્યા છે. તદ્ ઉપરાંત મનપાએ વર્ષ 2020 સુધીમાં 244 રનિંગ કિમી સુધીના પ્લાન્ટેશન વાળા ડિવાઈડર બનાવ્યા છે. 1588 હેગિંગ પોટ્સ અને 7000થી વધુ ફૂલ છોડના કૂંડા વિવિધ પુલો પર મુકી શહેરની શોભા વધારી છે.

  • રાજા શેખ, સુરત (98980 34910)

Leave a Reply

Translate »