પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 8

પટેલ કોલોનીમાં કેતન શેઠની વાહવાહ થતી જોઈ મનસુખ માલવિયા પણ પોરસાયો. બે દિવસમાં જ કેતન શેઠને બધા ઓળખતા થઈ ગયા. ખરેખર મરદ માણસ છે !!

સાંજે સાત વાગ્યે એ કેતન શેઠના ત્યાં હાજર થઈ ગયો. હવે એ કેતન શેઠ નો ડ્રાઇવર હતો !!

” મેં તપાસ કરાવી લીધી છે. મારુતિના શો રૂમમાં વાઈટ મોડલની સિયાઝ ગાડી તૈયાર છે. ” મનસુખે આવીને તરત જ કહ્યું.

” ચાલો સરસ. આ કામ તમે સરસ કર્યું. તમને બ્લેન્ક ચેક આપી દઉં છું. સારો દિવસ જોઈને તમે છોડાવી લો. “

” સાહેબ પરમ દિવસે જ એકાદશી છે એના જેવું ઉત્તમ મુહૂર્ત એક પણ નહી. “

” હા તો તમે પેમેન્ટ કરી દો. બધી ફોર્માલિટી પતાવી દો. પરમ દિવસે ગાડી છોડાવી લઈશું.” કેતને કહ્યું.

” સાહેબ આજે તો તમે અમારી આખી પટેલ કોલોની માં જાણીતા થઈ ગયા. મને તો હમણાં અડધી કલાક પહેલાં જ ખબર પડી. પેલા નરેશની પણ તમે ખબર લઈ નાખી. બહુ જ વાયડીનો થાય છે. લોકોને ખોટેખોટા પોલીસ કેસમાં ફસાવવા અને પછી તોડ કરવો એ જ એનો ધંધો છે. “

” હું જ્યાં સુધી જામનગરમાં છું ત્યાં સુધી મજાલ નથી કે હવે પછી એ આવું કોઈ સાહસ કરે. પેલો પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ બહુ વાયડાઈ કરતો હતો. એવો રેચ આપ્યો કે રડવા જેવો થઈ ગયો. હું ખોટું સહન કરી શકતો નથી અને કોઈ ની દાદાગીરી તો બિલકુલ નહીં ” કેતને કહ્યું.

” સાહેબ તમારી તો વાત જ થાય એવી નથી. હું તો પહેલા જ દિવસે ઓળખી ગયો હતો. ” મનસુખે ભાટાઈ  ચાલુ કરી.

” હવે રસોઈ માટે તો તમે દક્ષામાસીની સગવડ કરી આપી છે એટલે બહાર જમવા જવાનો સવાલ નથી. આપણે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસે આંટો મારી આવીએ.” કેતન બોલ્યો.

”  જી શેઠ.. નીકળીએ. ” અને મનસુખ બહાર નીકળ્યો.

પંદરેક મિનિટમાં તો આશિષ અંકલની ઓફિસે કેતન પહોંચી ગયો. એને ખબર હતી આશિષ અંકલ મોડે સુધી ઓફિસે બેસે છે. મનસુખને ગાડીમાં બેસવાનું કહ્યું એ ચેમ્બરમાં ગયો.

” આવ આવ..કેતન. ફાવી ગયું નવા મકાનમાં ? “

” યસ અંકલ.. આજે તમે મને સારી મદદ કરી. ચાવડા શરૂઆતમાં તો મને પણ દાટી આપવા લાગ્યો હતો. ના છૂટકે મારે તમને ફોન કરવો પડ્યો. “

” નવો-નવો છે અને જવાન લોહી છે  એટલે જરા રુઆબ છાંટયા કરે. પણ હવે તને કાયમ સલામ કરશે ” અંકલ બોલ્યા.

” અંકલ મારે તમારું બીજું એક કામ હતું જેના માટે હું અત્યારે આવ્યો છું. મારે જામનગરમાં અથવા જામનગર થી પચીસ કિલોમીટરની ત્રિજ્યામાં એક મોટી જગ્યા  જોઈએ છે. મારે એક વિશાળ હોસ્પિટલ ઉભી કરવી છે. ખરેખર દિલથી લોકોની સેવા કરવી છે. તમે અહીંના કલેકટરને કહીને એવી કોઈ જમીન અપાવી શકો તો મોટી મહેરબાની.  કારણ કે પ્રાઇવેટ જમીન બહુ મોંઘી પડે. “

” બહુ મોટી વાત કરી દીધી કેતન. મને તારી આ વાત ગમી.  તને જે જે મદદ જોઈએ એ તમામ મારા તરફથી મળશે. હું આજે જ કલેકટર સાથે વાત કરી લઉં છું. એક વાર મારે વાતચીત થઈ જાય પછી તું એમને મળી આવજે. સાતા સાહેબ પણ સારા માણસ છે. “

” અને અંકલ પરમ દિવસે હું નવી મારુતિ સિયાઝ છોડાવું છું. મારુતિના શોરૂમમાં તમે  જો કહેશો તો ભાવમાં થોડો ફરક પડશે. “

” અરે અત્યારે જ કહેવડાવી દઉં છું. “

ફરી એમણે પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાને બોલાવ્યા અને બધી વાત કરી.

” ભાઈને પરમ દિવસે સિયાઝ છોડાવવી છે.  મારુતિ ના  શોરૂમમાં જરા તમે ફોન કરી દો ને. અને વાત થઈ જાય પછી મને કહી જાવ કે કોને મળવાનું છે “

” સર.. ” અને સલામ કરીને જાડેજા બહાર નીકળ્યા. દસેક મિનિટ પછી પાછા આવ્યા.

” સર વાત થઈ ગઈ છે. ત્યાં વિપુલભાઈ ગણાત્રાને મળી લેજો અને મારું નામ દેજો.  એ સમજી જશે. ” જાડેજાએ કેતનની સામે જોઈ ને કહ્યું.

” થેન્ક્યુ સાહેબ. થેન્ક્સ આ લોટ !!” કેતને વિવેક કર્યો.

” માય પ્લેઝર ” અને જાડેજા ફરી આશિષ અંકલને સલામ કરીને બહાર નીકળ્યો. આ એક શિષ્ટાચાર હતો પોલીસ ડિપાર્ટમેન્ટમાં.

” હવે અંકલ આ રવિવારે તમે મારા ઘરે જમવા પધારો. મેં રસોઈ માટે એક બેન રાખ્યાં છે. શું રસોઈ બનાવે છે સાહેબ !!  એમેઝીંગ ટેસ્ટ  !! “

” ફરી ક્યારેક ગોઠવીશું.  પહેલાં તું મારા ઘરે જમવા આવ ” અંકલ બોલ્યા.

” હું પણ ચોક્કસ આવીશ પરંતુ આ રવિવારે તમારે આવવું જ પડશે. મારુ ઘર તો જોઈ જાવ .”

” ભલે ભાઈ ભલે.  એક વાગ્યે ફાવશે ને ? “

” તમને જે ટાઈમ અનુકૂળ હોય તે મને ફાવશે અંકલ. “

અને કેતન બહાર નીકળી ગયો. મનસુખ ગાડીની બહાર જ ઉભો હતો.

” ચાલો હવે સીધા ઘરે જ જઈએ.  અત્યારે બીજું કંઈ કામ નથી. તમે પણ મને ઉતારી ને ઘરે જઈ શકો છો. અને જુઓ તમે કાલે મારુતિ શોરૂમ માં જાઓ. જાડેજા સાહેબે વાત કરી લીધી છે. ત્યાં કોઈ વિપુલ ગણાત્રા  હશે. તમે જાડેજા સાહેબનું નામ દેજો એટલે રિઝનેબલ ભાવ થી ગાડી આપશે.”

” વાહ સાહેબ વાહ. તમે તો ધારો તે કરી શકો છો. ” મનસુખે કહ્યું .

” અને જુઓ રવિવારે આપણા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ મારા ઘરે જમવા આવશે. સાહેબ માટે સારામાં સારી રસોઈ બનાવવાની છે એ તમે દક્ષામાસીને સમજાવી દેજો. કારણ કે શું બનાવવું એ મને કંઈ ખબર નહીં પડે. મેં દક્ષામાસીની રસોઈના બહુ વખાણ સાહેબને કર્યા છે. ” કેતન બોલ્યો.

” સાહેબ એ ચિંતા તમે છોડી દો.. હું બધું જ સંભાળી લઈશ. સાહેબને વીઆઇપી ટ્રીટમેન્ટ મળશે. ” મનસુખ હરખાઈને બોલ્યો. શહેરના પોલીસ વડા કેતન શેઠ ના મહેમાન બનવાના હતા એ સમાચાર એના માટે બહુ જ મોટા હતા !!

રાતના સાડા આઠ થયા હતા. કેતન શેઠને ઉતારીને મનસુખ સીધો જયેશભાઈના ઘરે ગયો.

” જયેશ શેઠ.. આપણા જામનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ આવતા રવિવારે કેતન શેઠના ત્યાં જમવા આવવાના છે. ” મનસુખ આ વાત કરવા ક્યારનો ય બેચેન હતો.

” શું વાત કરે છે ? કેતન સાહેબના આટલા બધા ઊંચા અંગત સંબંધો હોય ત્યારે તારાં પણ માનપાન વધી જવાનાં હવે !! ” જયેશ બોલ્યો.

” શું કામ મશ્કરી કરો છો ? હું  તો માત્ર ડ્રાઇવર છું.  તમે તો એમના મેનેજર છો  શેઠ !! ” મનસુખ બોલ્યો અને બન્ને જણા હસી પડ્યા.

*************************

બીજા દિવસે સવારે આઠ વાગે ચાવડાએ હિરેનના મોબાઈલ ઉપર ફોન લગાવ્યો.

” હિરેનભાઈ બોલો ? “

” જી તમે કોણ ? “

“હનુમાન ગેટ પોલીસ ચોકી જામનગરથી બોલું . તાત્કાલિક પોલીસ સ્ટેશને હાજર થઈ જાઓ. અને વકીલને લઈને આવવાની મૂર્ખામી ના કરશો. એકલા આવશો તો કદાચ બચવાના રસ્તા છે.  વકીલ હશે તો મારે બધું કાયદેસર કરવું પડશે. ”  ચાવડાએ બરાબરની દાટી આપી.

” જી સાહેબ… બસ થોડી વારમાં નીકળું છું”

લગભગ બપોરે બે વાગે હિરેન મિસ્ત્રી એના મોટાભાઈને લઈને હનુમાન ગેટ પોલીસ ચોકી પહોંચી ગયો.  ચાવડાએ તરત જ કેતનને ફોન કરી દીધો.

” સાહેબ હિરેન આવી ગયો છે. બસ તમારી રાહ જોઉં છું.  “

” વેલ ડન ઇન્સ્પેક્ટર !! થોડી વાર બેસાડી રાખો એને. હું મારો ડ્રાઇવર આવે એટલે નીકળું છું. ” કેતને જવાબ આપ્યો. બહાર ગરમી બહુ જ હતી. ખરા બપોરે એ.સી. છોડીને બહાર જવાની ઇચ્છા થતી નહોતી. એણે એકાદ કલાક આરામ કર્યો  અને પછી મનસુખને ફોન કર્યો.

મનસુખ આવી ગયો એટલે તરત જ વાનમાં બેસીને લગભગ સાડા ત્રણ વાગે કેતન હનુમાન ગેટ પોલીસચોકી પહોંચી ગયો.

કેતને મનસુખને ગાડીમાં જ  બેસી રહેવાનું કહ્યું અને પોતે પોલીસ ચોકીમાં ગયો. 

” આવો સાહેબ ” કહીને ચાવડાએ કેતનને ખુરશી આપી.

” શું લેશો સાહેબ… ચા કોફી કે ઠંડુ ? “

” પહેલાં આ કેસ પતાવી લઉં.  પછી ઠંડુ મંગાવજો.  ગરમી પણ બહુ જ છે. પેલાને  તમારી સામે બેસાડો. ” હિરેન મિસ્ત્રી એક બાંકડા ઉપર બેઠો હતો.

ચાવડાએ હિરેન મિસ્ત્રીને બૂમ પાડી અને પોતાની સામે બેસવાનું કહ્યું.

કેતન પણ ચાવડાની સામે જ બેઠો હતો એણે પોતાની  ખુરશી હિરેન તરફ ફેરવી.

” હા તો મિસ્ટર હિરેન મિસ્ત્રી તમે શું ધંધો કરો છો ? “

” હું સિવિલ એન્જિનિયર થયેલો છું અને એક બિલ્ડરને ત્યાં સુપરવાઇઝર નું કામ કરું છું. પપ્પા અને મોટાભાઈ ફર્નિચરનું કરે છે.  ” હિરેને કેતનની સામે જોઈને કહ્યું.

” તમે ત્રણે જણા કમાઓ છો  તો પછી જલ્પાના પપ્પાને લૂંટવાનું  શું કામ ચાલુ કર્યું છે  ? “

” અમે કોઈને લૂંટતા નથી. અમે માગતા પણ નથી. એ દીકરીના બાપ છે તો સામે ચાલીને મદદ કરે છે. ” હિરેન થોડો  ઉશ્કેરાઈને બોલ્યો.

” ચાવડા એ નહીં માને… એક તમાચો ઠોકી દો એને !! “

અને ચાવડા ઊભો થયો. હિરેનનો કોલર પકડીને એને ઊભો કર્યો.

પરંતુ એ તમાચો મારે તે પહેલાં કેતને એને રોકી લીધો.

” તમે આઈપીસીની જે જે કલમ લાગુ પડતી હોય એ તમામ  લગાવીને એફઆઈઆર લખો અને એને એરેસ્ટ કરો. એને લાંબી સજા થાય એવા બધા પુરાવા મારી પાસે છે.” કેતન બોલ્યો.

” અરે પણ થયું છે શું સાહેબ એ તો મને કહો !! મેં એવો કોઈ ગુનો કર્યો નથી. “

કેતને વાત ચાલુ કરી. ” તારી મંગેતર જલ્પા પંખે લટકી ગઈ છે અને સીરીયસ છે. માંડ માંડ બચી છે. એણે આત્મહત્યા કરતા પહેલાં તારા નામની ચિઠ્ઠી પણ લખી છે.  એના મોબાઈલમાંથી તારા તમામ મેસેજના  રેકોર્ડ મેં કઢાવ્યા  છે. બે વર્ષમાં બે લાખ તેં પડાવ્યા છે.  અને ફરી પાછા અઠવાડિયા પહેલાં બાઈક ના નામે બીજા એક લાખ માગ્યા છે. અમારી પાસે બધું પ્રૂફ  છે. કાલે કોર્ટમાં રજુ કરીશું.  બોલ શું કરવાનું છે ? “

ત્યાં સુધીમાં તો એનો મોટોભાઈ પણ બાજુમાં આવીને ઉભો રહ્યો.  એણે બધું સાંભળ્યું. બહુ મોટો કેસ બની ગયો હતો.

” સાહેબ અમારી ભૂલ થઈ ગઈ.  મારા ભાઈને બચાવી લો. બધું તમારા હાથમાં જ છે. ”  હસમુખે કેતન સામે બે હાથ જોડ્યા.

”  તમે દીકરીના બાપને લૂંટવાના આવા ધંધા શું કામ કર્યા ? દહેજ માટે ના કાયદા ખૂબ જ કડક છે.  ગુનેગાર તો તમે પણ એટલા જ છો. પૈસા ના આપે તો સગપણ તોડવાની ધમકી પણ આપે છે તમારો ભાઈ   !! “

” બોલ શું કરવાનું છે તારે ? ” હવે ખરેખર ગુસ્સે થઈને કેતન હિરેન સામે જોઈને બોલ્યો.

” મને બચાવી લો સાહેબ.  હું જલ્પા સાથે લગ્ન કરવા તૈયાર છું અને એના લીધેલા બે લાખ રૂપિયા પણ પપ્પા પાસેથી લઈને પાછા આપી દઉં છું. મારે હવે કંઈ જોઈતું નથી.  મને માફ કરો સાહેબ. “

” એની સાથે લગ્ન કરીને તું એને પાછળથી દુઃખી નહીં કરે એની શું ખાતરી ? ” કેતન બોલ્યો.

” ના સાહેબ એવું કંઈ નહીં થાય.  હું એને પ્રેમ તો કરું જ છું. હું તમને વચન આપું છું. “

” જો તમામ રેકોર્ડ મારી પાસે કાયમ માટે રહેવાના છે. જલ્પાએ લખેલી ચિઠ્ઠી પણ અમારી પાસે રહેશે. કાલ ઊઠીને જલ્પાને જો કંઈ પણ થયું તો બંધ કરેલી ફાઇલ ફરી ખોલવામાં આવશે.”

” ચાવડા તમે  એની પાસેથી અઢી લાખ રૂપિયા બે દિવસમાં મંગાવી લો અને કોન્સ્ટેબલને મોકલીને બે લાખ જલ્પાના ઘરે પહોંચાડી દેજો. આટલો મોટો કેસ દબાવી દેવાની ફી તરીકે પચાસ હજાર તમે  રાખજો.  ” કેતન બોલ્યો.

” જી સાહેબ. ” ચાવડા બોલ્યો અને મનોમન કેતનને સલામ કરી. માણસ ખરેખર ઇન્ટેલિજન્ટ છે !!

” અને તમે રાઇટિંગમાં એક સ્ટેટમેન્ટ પણ લખાવી લો કે –  લગ્ન પછી  જિંદગીમાં ક્યારેય પણ હું દહેજ માટે જલ્પાને હેરાન નહીં કરું.  એ પણ લખાવી લો કે મેં વારંવાર દહેજની માગણી કરી હતી અને એના કારણે જલ્પાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હું એના માટે પૂરેપૂરો જવાબદાર છું. “

” જી સાહેબ ” ચાવડા બોલ્યો.

” અને જો …  હમણાં પંદર દિવસ તું જલ્પાને મળવાનો કે મેસેજ કરવાનો પણ પ્રયત્ન ના કરતો. એની તબિયત નોર્મલ થાય પછી જ તું ફોન કે મેસેજ કરજે. અને લગ્નનું  મુહૂર્ત પણ જલ્દી કઢાવી લેજે.”  કેતને હિરેન ની સામે જોઈને કહ્યું.

” ભલે સાહેબ તમારો ખુબ ખુબ આભાર. ” બન્ને જણાએ કેતનને બે હાથ જોડ્યા.

” ચાવડા તમે જલ્પાના કેસની ફાઈલ હિરેનનું  સ્ટેટમેન્ટ લખાવીને હાલ પૂરતી બંધ કરી દો. આ લોકોને ઘરે જવા દો અને હવે ઠંડુ મંગાવો. ”  કેતન બોલ્યો.

ચાવડાએ કોન્સ્ટેબલને બોલાવી હિરેનનું સ્ટેટમેન્ટ લેવા સૂચના આપી. શું શું લખાવવું એ બધું સમજાવી દીધું. હિરેન અને હસમુખ કોન્સ્ટેબલની સાથે એના ટેબલ ઉપર ગયા.

ચાવડાએ ડી સ્ટાફના એક પોલીસને બે ફેન્ટા લઈ આવવાનું કહ્યું.

” સાહેબ માની ગયો તમને !! જબરદસ્ત ગેમ રમી તમે તો. તમારી પાસેથી ઘણું શીખવા જેવું છે સાહેબ. “

ક્રમશઃ

લેખક : અશ્વિન રાવલ

Leave a Reply

Translate »