• Fri. Feb 3rd, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

ઇતિહાસ રચાયો : સુરતના ઉદ્યોગપતિએ હવે 11 દિવ્યાંગ બાળકોને તેમની જનેતા સાથે મક્કા-મદીના મોકલ્યા

  • સ્ટોરી: રાજા શેખ (98980 34910)

સુરતના ઉદ્યોગપતિની દિલેરી પર આજકાલ લોકો આફરીન પોકારી રહ્યાં છે. હંમેશા સમાજને નવી રાહ ચિંધનારા આ ઉદ્યોગપતિએ પહેલા દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમના વડીલોને પોતાના પુત્રના લગ્નમાં ફાઈવ સ્ટાર હોટલ મેરિયોટમાં જમાડયા. ત્યારબાદ 91 દિવ્યાંગ બાળકોને તેમના કેર ટેકર અને પદ્મ શ્રી કનુભાઈ ટેલર તેમજ તેમના પરિવાર સાથે હરિદ્વાર, ઋષિકેષ અને મસુરીની જાત્રા કરાવી અને હવે 11 દિવ્યાંગ બાળકોને તેમની જનેતા સાથે ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર સ્થળ મક્કા-મદીના ખાતે ‘ઉમરાહ’ની યાત્રા કરાવવાને કારણે આ યંગ ઉદ્યોગપતિ પ્રત્યેક સમાજમાં રોલ મોડલ તરીકે નામના પામી રહ્યાં છે. આ ઉદ્યોગપતિનું નામ છે ‘ ફારુક ગુલામ પટેલ’.

રિન્યુએબલ એનર્જી સોલાર અને વિન્ડ પાવરમાં કામ કરતા સુરતના કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ફારુક પટેલ હંમેશા સમાજ માટે પોતાનાથી સંભવ હોય તેટલું યોગદાન આપતા રહે છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા ફારુક પટેલ પરસેવે ન્હાયને સિદ્ધિ સુધી પહોંચ્યા છે. સફળ ઉદ્યોગપતિ બન્યા છે. બસ કંડક્ટર પિતાના આ પુત્રે જેથી જ ‘સમરસ સમાજ’ના મંત્રને આત્મસાત કરી લીધો હોય તેમ એક પછી એક ઉમદા કાર્ય કરતા નજરે પડે છે.

આ વખતે તેઓએ પદ્મ શ્રી કનુભાઈ ટેલર દ્વારા વિતેલા 25 વર્ષોથી દિવ્યાંગોની સેવા માટે ચલાવાતા ‘ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા’ના 11 દિવ્યાંગ બાળકો કે જેમાં કોઈ બોલવાથી લાચાર છે તો કોઈ હાથ-પગથી લાચાર છે તેઓને ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કા-મદીનાની ‘ઉમરાહ’ની યાત્રા કરાવીને ચર્ચામાં આવ્યા છે. અહીં મોકલવા માટે પાસપોર્ટથી લઈને તમામ ટ્રાવેલિંગ ખર્ચ, રહેવા-જમવાનો ખર્ચ અને ઘરેથી લઈને ઘર સુધી પહોંચડવાનો ખર્ચ ફારુક પટેલની કંપની કેપી ગ્રુપ હેઠળ ચાલતા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવાયો અને સમાજને એક નવી જ રાહ ચિંધી છે.

પદ્મ શ્રી કનુભાઈ ટેલરે ઈચ્છા વ્યક્ત કરી અને….

newsnetworks

કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ચીફ ડિરેક્ટર શ્રી ફારુકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક-શૈક્ષણિકની સાથે અનેકવિધ કાર્યો કરતુ રહે છે. હવે 11 દિવ્યાંગ બાળકોને તેમની જનેતા સાથે ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર સ્થળ અને અલ્લાહનું ઘર કહેવાતા મક્કા અને મદિનાની યાત્રાએ મોકલીને એક ઈતિહાસ રચ્યો છે. દિવ્યાંગ બાળકોની શાળા ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ચલાવતા પદ્મ શ્રી ડો. કનુભાઈ ટેલરે કેપી ગ્રુપના સીએમડી શ્રી ફારુકભાઈ પટેલ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારા દિવ્યાંગ બાળકો ક્યારેય આ દેશની બહાર પગ મુક્યો નથી અને તેમાં પણ તેઓ ધાર્મિક સ્થળોએ ગયા નથી. તેઓને કોણ લઈ જાય? તેમના આ સવાલનો જવાબ આપતા શ્રી ફારુકભાઈએ પહેલા 91 બાળકોને તેમના કેર ટેકર સાથે હરિદ્વાર અને મસૂરીની યાત્રા કરાવી અને બાદમાં મુસ્લિમ બાળકોને મક્કા-મદીના ઉમરાહની યાત્રા કરાવવાનું વચન આપ્યું. કોરોનાકાળ દરમિયાન અનેક મુશ્કેલીઓ વચ્ચે ફેબ્રુઆરી 2022માં હરિદ્વારની યાત્રા પુરી કરાવી અને હવે 12 મે 2022ના રોજ 11 મુસ્લિમ દિવ્યાંગ બાળકોને તેમની માતા સાથે 17 દિવસના મક્કા-મદીનાના યાત્રાએ મોકલ્યા. 22 વ્યક્તિઓ આ ધાર્મિક યાત્રા કરી પરત ફર્યા ત્યારે આ ક્ષણ બધા બાળકો અને તેમના પરિવાર માટે ખૂબ જ ભાવુક બની રહી.

નોંધનીય છે કે, આ ઉમરાહની યાત્રામાં દિવ્યાંગોના કેર ટેકર તરીકે પહેલા પાંચ દિવસ શ્રી ફારુકભાઈના પુત્ર અને પુત્રવધુ, બાદના પાંચ દિવસ તેમની દિકરી અને જમાઈ અને બાકીના પાંચ દિવસ ઓફિસના બે લીડર્સને મોકલી પુરતી તકેદારી રાખવામાં આવી હતી.

ફારુકભાઈ અમારા માટે ફરિસ્તા બનીને આવ્યા: પરિવારજનો

ઉમરાહમાં જનારા બાળકો અને તેમના પરિવારે ભીની આંખે કહ્યું કે, અમારી સાત પેઢીમાં કોઈ મક્કા-મદીના મુકામે ગયું નથી અને અમે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. સામાન્ય અને ગરીબ પરિવાર રોજ બરોજનું જીવન જીવવામાં સંઘર્ષ કરતો હોય છે ત્યારે  ઉમરાહ કરવાનું વિચારી પણ નથી શકતો અને તેમાં પણ દિવ્યાંગ બાળક માટે તો તે સૌથી કપરું કામ છે પરંતુ સખી -દાતા શ્રી ફારુકભાઈએ અમારા માટે આ સરળ બનાવી દીધું. એક વ્યક્તિ પાછળ થતો સવાથી દોઢ લાખનો ખર્ચ તેઓએ ઉપાડી લીધો અને સાથોસાથ દિવ્યાંગોને બેગ, અહેરામ તેમજ સફર માટે નાસ્તા-પાણીની, રહેવાની અને ટ્રાવેલિંગની પણ  વ્યવસ્થા કરી આપી. આ દિવ્યાંગ બાળકો અને તેમની જનેતા ત્યાંથી તેમના સ્નેહીજન માટે ખજૂર સહિતની ચીજો ખરીદી શકે તે માટે દરેકને 200-200 સઉદી રિયાલ પણ ભેટમાં આપ્યા. જે કોઈ સગા પણ નથી કરી શકતા તે ફારુકભાઈએ અમારા માટે કર્યું છે. અમે તેઓનું ઋણ ક્યારેય પણ ચુકવી નથી શકતા. ફારુકભાઈ અમારા માટે ફરિસ્તા બનીને આવ્યા. અમે તેમના માટે, પરિવાર માટે અને કંપની માટે તેમજ આ કામમાં સાથ સહકાર આપનાર તમામ માટે અલ્લાહના દરબારમાં ખેરની દુઆ ગુજારીએ છીએ. ફારુકભાઈની જેમ દરેક આર્થિક રીતે ખમતીધર લોકો આવા નેક કાર્યોમાં જોડાય એવી સમાજને અમારી અપીલ છે.

ફારુકભાઈ જેવી દિવ્યાંગોની સેવા કોઈ માયનાલાલે કરી નથી: પદ્મ શ્રી કનુભાઈ ટેલર

આ પ્રસંગે શ્રી કનુભાઈએ ફારુકભાઈને અલ્લાહના રૂપ લેખાવ્યા અને કહ્યું કે વિશ્વમાં કોઈ માયનાલાલે દિવ્યાંગોની આવી સેવા કરી નથી. દિવ્યાંગ બાળકોને પહેલા હરિદ્વાર-ઋષિકેષ મોકલ્યા અને ત્યારબાદ મક્કા-મદીના મોકલવા એ સુરત-ગુજરાત અને ભારતમાં જ નહીં પણ દુનિયામાં એક ઈતિહાસ લખાયો છે. અમારું ટ્રસ્ટ તેમનો આભારી છે.

સમાજ સમરસ થાય તેવી કોશિશ દરેક ખમતીધરે કરવી જોઈએ: ફારુક પટેલ

newsnetworks

પરત ફરેલા બાળકોને આવકારતા શ્રી ફારુક પટેલે કહ્યું કે અમે કનુભાઈની લાગણીને માન આપીને આ ધાર્મિક યાત્રાઓનું આયોજન કર્યું. દિવ્યાંગ બાળકો સહીસલામત પરત ફર્યા તેનો મને આનંદ છે. કનુભાઈ જે દિવ્યાંગો માટે કામ કરી રહ્યા છે તે ખુબ જ સરાહનીય અને નોબલ કાર્ય છે. મને તેમજ મારી કંપની તેમની સાથે આ કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો તે માટે અમે તેમના આભારી છીએ. ફારુકભાઈએ સંદેશો આપતા કહ્યું હતું કે, સમાજ એ માનવે ઊભી કરેલી વ્યવસ્થા છે અને દરેક સમાજનો દરેક વ્યક્તિ સમરસ થાય, તેના સુધી દરેક સેવાઓ પહોચે એવી કોશિશ દરેક ખમતીધર લોકોએ કરવી જોઈએ તેવું મારું માનવું છે. એવું નથી કે આર્થિક મદદ થકી જ તમે સમાજની મદદ કરી શકો છો. અગર કોઈ વ્યક્તિ સારું કાર્ય કરતો હોય તો તેની સરાહના કરો. તેને મદદ કરો. યા કંઈ નહીં કરી શકો તો તેની ટીકા-ટીપ્પણી ન કરી તેનું મોરલ ન તોડો અને ચુપ રહો. તે પણ એક સેવા છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group
One thought on “ઇતિહાસ રચાયો : સુરતના ઉદ્યોગપતિએ હવે 11 દિવ્યાંગ બાળકોને તેમની જનેતા સાથે મક્કા-મદીના મોકલ્યા”

Leave a Reply

Your email address will not be published.

Translate »