પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 11

કેતન પ્રતાપભાઈ વાઘાણીને મળવા ગયો ત્યારે એને જરા  પણ જાણ ન હતી કે પ્રતાપભાઈએ પોતાની દીકરી વેદિકા માટે  માગું નાખેલું છે.  કારણકે અમેરિકાથી આવ્યા પછી એના ઘરમાં લગ્ન અંગેની કોઈ ચર્ચા બે મહિનામાં મમ્મી પપ્પા એ કરી ન હતી.

એટલે જ્યારે પ્રતાપભાઈ ના ઘરે એની આટલી બધી આગતા સ્વાગતા થઈ અને વેદિકા સાથે અલગ બેડરૂમમાં બેસી એકબીજાને ઓળખવાની વાત જ્યારે દમયંતીબેને  કરી ત્યારે કેતન ખરેખર વિમાસણમાં પડી ગયો કે આ બધું શું ચાલી રહ્યું છે ?

વેદિકા સાથે બેડરૂમમાં જવાનું શા માટે કહ્યું અને એકબીજાને ઓળખવાની વાત કેમ કરી ? કેતનને ખ્યાલ આવી ગયો કે કાં તો કોઈ મોટી ગેરસમજ થઈ છે અથવા તો એ પણ બની શકે કે પ્રતાપ અંકલે પપ્પાને વેદિકા માટે અગાઉ ચોક્કસ વાત કરી જ હશે !! અને કદાચ એટલા માટે જ પપ્પાએ પ્રતાપ અંકલ ને મળવાનું કહ્યું હોય !! જે હોય તે પણ હવે મારે મામલો સંભાળવો જ પડશે !!

એ ધીમે રહીને ઉભો થયો અને આઇસક્રીમ ના બાઉલ સાથે વેદિકા ના બેડરૂમ માં ગયો.  વેદિકા એ એને નાના સોફા ઉપર બેસવાનું કહ્યું અને પોતે સામે બેડ ઉપર ગોઠવાઈ. 

કેતને નક્કી કર્યું કે મારે આ લોકોને કોઈ જ ભ્રમ માં રાખવા નથી અને જે પણ સત્ય છે એ જ કહેવું છે.

” અમેરિકાથી ક્યારે આવ્યા ? તમે અહીં જામનગર આવ્યા ત્યારે જ અમને લોકોને ખબર પડી કે તમે ઇન્ડિયા આવી ગયા છો !” વેદિકા એ વાતની શરૂઆત કરવી.

” મને આવે બે મહિના જેવું થઈ ગયું. અને જામનગર આવે ત્રણ દિવસ થઈ ગયા. એક સાવ સાચી વાત કહું ? જો તમને ખોટું ના લાગે તો. “

” અરે મને ખોટું  શું કામ લાગે ? બી ફ્રેન્ક !! અમેરિકામાં કોઈની સાથે ફ્રેન્ડશીપ તો નથી થઈ ગઈ ને ?  આટલી ધન દોલત છે. આટલા હેન્ડસમ છો. યુવાન છો અને અમેરિકા જેવો એડવાન્સ કન્ટ્રી છે !! ” વેદિકાએ હસીને કહ્યું.

” અરે નહીં નહીં તમે ખોટું સમજ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ હું તમને જોવા માટે કે મીટીંગ માટે આવ્યો જ નથી !!  તમારી આગતા સ્વાગતાથી તો મને આશ્ચર્ય થયું છે.  હું તો પપ્પાના અને પ્રતાપ અંકલના રિલેશન ના હિસાબે જસ્ટ એમ જ મળવા માટે જ આવેલો.”

” તમે શું વાત કરો છો ? ” વેદિકાને પણ આશ્ચર્ય થયું.

” હા વેદિકા ઓનેસ્ટલી  !! અમેરિકાથી બે મહિનાથી આવ્યો છું.  મારા ઘરમાં પણ તમારી સાથે મીટીંગ અંગેની  કોઈ ચર્ચા થઈ નથી. બની શકે કે પ્રતાપ અંકલે મારા પપ્પાને તમારી પ્રપોઝલ આપી હોય પણ મને હજુ સુધી મમ્મી-પપ્પાએ કોઈ વાત કરી નથી.  મારું આટલું બધું સ્વાગત જોઈને મને પણ આશ્ચર્ય થતું હતું. ” કેતને વાત કરી.

” ચાલો કંઈ નહીં… પણ હવે તો ખબર પડી ને સાહેબ !! ” વેદિકાએ હસતાં હસતાં કહ્યું.

” હા…પણ બીજી એક વાત તમારી જાણ માટે કહું. મેં મમ્મી પપ્પાનું ઘર કાયમ માટે છોડી દીધું છે. અને કાયમ માટે જામનગર રહેવા માટે આવ્યો છું. પટેલ કોલોની માં એક બંગલો પણ ભાડે રાખ્યો છે અને રસોઈ માટે એક બાઈ પણ રાખી લીધી છે.” કેતને વેદિકાને એક પછી એક આંચકા આપ્યા.

” આ બધી વાત અમારા માટે નવી છે. ઘર છોડી દેવાની વાત કદાચ પપ્પાને પણ આંચકો આપી જશે. જો કે મને તમારી આ વાત સમજાતી નથી કે કરોડોનો બિઝનેસ છોડીને કોઈ શા માટે ઘર છોડી દે ? ” વેદિકા બોલી.

” તમારી વાત બિલકુલ સાચી છે. આ વાત તો મારા મમ્મી પપ્પાને પણ સમજાતી નથી. છતાં આ મારો પોતાનો અંગત નિર્ણય છે. હા મેં સંન્યાસ લીધો નથી. હું આજે પણ મારી કંપનીમાં મોટા ભાઈ સાથે ભાગીદાર છું અને અબજોપતિ છું પણ હું અલગ રહીને મારી રીતે જીવવા માગું છું. ” કેતને હસીને કહ્યું અને એણે આઈસ્ક્રીમ ખાવાનો ચાલુ કર્યો.

હવે વેદિકાને થોડી રાહત થઈ  કે ચાલો બાજી હજુ હાથમાં જ છે. કેતન કાયમ માટે જો જામનગરમાં જ રહેવાનો હોય તો એ તો સારા સમાચાર છે.  અને હજુ સુધી એના જીવનમાં કોઈ આવ્યું ન હોય તો સંબંધ ધીમે ધીમે આગળ વધી શકે છે. એણે પણ આઈસ્ક્રીમમાં ધ્યાન પરોવ્યું.

” જામનગર તમારા સુરત જેવું તો નથી જ અને અહીં ડાયમંડનો તો કોઈ બિઝનેસ છે જ નહીં….. તો પછી જામનગર પસંદ કરવાનું કોઈ ચોક્કસ કારણ ? ” થોડીવાર પછી કુતુહલતાથી વેદિકા એ સવાલ કર્યો.

” મારો માર્ગ આખો જુદો છે. ડાયમંડના પપ્પાના બિઝનેસમાં મને રસ ઓછો છે. સુરતથી દૂર દૂર ક્યાંક સેટલ થવાની ઇચ્છા હતી. બાપદાદા મૂળ સૌરાષ્ટ્રના એટલે સૌરાષ્ટ્રમાં જ ક્યાંક સેટલ થવું એવું વિચાર્યું. “

” જામનગરમાં તમારુ એટલે કે પ્રતાપ અંકલનું ઘર હતું અને પપ્પાના ખાસ મિત્ર આશિષ અંકલ જામનગરમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ છે એટલે જામનગર ઉપર  પસંદગી ઉતારી. ખબર નહીં… અહીં આવવા પાછળ વિધાતાનો પણ કોઈ સંકેત હોય !! ” કેતન બોલ્યો.

વેદિકાને  કેતનની આ નિખાલસતા ગમી ગઈ.  એ સ્પષ્ટ વક્તા હતો અને દિલનો સાફ હતો.

” તો હવે આગળ શું પ્લાનિંગ છે ? અને લગ્ન માટે શું વિચારો છો ? કારણ કે બેડરૂમમાંથી બહાર નીકળીશું એટલે બધાની નજર આપણા બંને ઉપર હશે !” વેદિકાએ સ્માઇલ કરીને પૂછ્યું.

” સાવ સાચું કહું તો જામનગરમાં એક વિશાળ હોસ્પિટલ ઉભી કરવી છે. અને હોસ્પિટલ બનાવવા પાછળ પૈસા કમાવાનો જરાપણ ઉદ્દેશ નથી. બસ…  બને એટલી લોકોની સેવા કરવી છે. અને એટલા માટે જ મેં રાજેશભાઈને કહ્યું હતું કે ફરી આપણે મળીશું. ” કેતને કહ્યું. 

” તમારા વિચારો જાણીને મને ખરેખર આજે ખૂબ જ આનંદ થયો. લગ્ન થાય કે ના થાય પણ તમારા આ મિશનમાં હું તમને સાથ આપીશ. ” વેદિકાએ દિલથી જવાબ આપ્યો.

” હવે રહી વાત લગ્નની. તો લગ્નની બાબતમાં અત્યારે મેં કંઈ જ વિચાર્યું નથી. મારું લક્ષ્ય જામનગરમાં સેટ થવાનું છે અને હોસ્પિટલનો પ્રોજેક્ટ પૂરો કરવાનો છે. લવ અને રોમાન્સથી આજ સુધી હું દૂર રહ્યો છું. એનો મતલબ એવો પણ નથી કે મારે લગ્ન નથી કરવા. પણ કમસે કમ છ-બાર મહિના તો કોઇ કમિટમેન્ટ હું કરવા માગતો નથી.” કેતને  વેદિકાને સ્પષ્ટ જવાબ આપ્યો.

” હું સમજી શકું છું. તમારા પ્રોજેક્ટ માટે આપણે તો અવારનવાર મળીશું. ભાઈની પણ મદદ લઈશું. છતાં મમ્મી પપ્પા ને મારી ચિંતા છે. એક આશા સાથે  આ મુલાકાત ગોઠવી છે. મમ્મી કે પપ્પાને અત્યારે નારાજ કરવા નથી ” વેદિકાએ કેતનની સામે જોયું.

” ઠીક છે. હું અત્યારે એવો જવાબ આપીશ કે એક જ મિટિંગમાં કોઈ નિર્ણય ના લઇ શકીએ. અને હું જામનગરમાં જ છું તો મુલાકાતો થતી રહેશે. તમે પણ એ જ પ્રમાણે કહેજો. “

” તમે મને… તમે તમે ના કહો.  તમે મારાથી ચાર વર્ષ મોટા છો. ” વેદિકા બોલી.

” તમને.. સોરી  તને કેવી રીતે ખબર પડી કે હું ચાર વર્ષ મોટો છું ? ” કેતને પૂછ્યું.

” તમારો બાયોડેટા પપ્પા સુરત ગયા ત્યારે લઈ આવ્યા હતા. બસ એમાં તમારો ફોટો ન હતો. બાકી બધી વિગતો હતી. અમે તો કુંડળી પણ મેળવી લીધી. ” વેદિકા હસીને બોલી.

” અરે બાપ રે … વરરાજાને જ ખબર નથી કે એનાં લગન થવાના છે !!  કન્યા જ એને કંકોત્રી આપે છે ! ” કેતને કહ્યું અને બંને ખડખડાટ હસી પડ્યાં.

હાસ્યનો એ ખડખડાટ છેક ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગયો અને બધાએ માની લીધું કે વાત તો જામી ગઈ  લાગે છે.

” તમે બહુ સરસ રમૂજ કરી શકો છો. આઈ એમ ઇમ્પ્રેસડ !! ” વેદિકા બોલી.

” ચાલો જઈશું ? ” કેતને પૂછ્યું.

” તમારું ઘરનું એડ્રેસ મને આપી દો. ગમે તેમ તોય તમે અમારા મહેમાન છો. તમારી વાત તમે જાણો મેં તો તમને પસંદ કરી લીધા છે. ” વેદિકાએ આંખો નચાવતાં કહ્યું.

કેતને વેદિકાની ડાયરીમાં પટેલ કોલોની નું પોતાનું એડ્રેસ લખી આપ્યું અને મોબાઈલ નંબર પણ.

” તમે અહીં સુધી કેવી રીતે આવ્યા ?  રિક્ષામાં ? તો હું તમને મારી ગાડીમાં મૂકી જાઉં !! ” વેદિકા એ લાગણીથી કહ્યું.

” અત્યારે તો ત્રણ દિવસથી એક વાન ડ્રાઇવર સાથે ભાડે રાખી છે. આવતીકાલે નવી સિયાઝ  છોડાવું છું. ત્રણ દિવસમાં તો તમારા આખા જામનગરને જોઈ લીધું .” કેતને  વેદિકાને કહ્યું.

” વળી પાછું બહુવચન ? “

” એકદમ આદત થોડી પડે વેદિકા ? તમે માંથી  તું કહેવા માટે પ્રેક્ટિસ કરવી પડશે ” અને ફરી વેદિકા હસી પડી.

અને બંને જણા બેડરૂમમાંથી હસતો ચહેરો રાખીને બહાર આવ્યાં. બંને પોતપોતાની જગ્યા ઉપર ગોઠવાઈ ગયા.

” હવે બોલો કેતનકુમાર… અમારી દીકરી પસંદ તો આવીને ? “

” અરે અંકલ વેદિકાને કોણ પસંદ ના કરે ? મેં લગ્ન બાબતે અને મારા ભવિષ્યના પ્લાન બાબતે ઘણી બધી ચર્ચા વેદિકા સાથે કરી લીધી છે. વેદિકા જ તમને બધું જણાવશે. હજુ અમારે મળવું પડશે. પછી જ કોઈ નિર્ણય ઉપર આવી શકીશું. છતાં વેદિકા મને ગમી છે એટલું ચોક્કસ કહું ” કેતને પ્રતાપ અંકલ ની સામે જોઈને કહ્યું.

” હવે હું રજા લઉ અંકલ. ફરી ચોક્કસ મળવા આવીશ. હમણાં તો હું અહીંયા જ છું ” કહીને કેતન ઉભો થઇ ગયો.

જે કહેવાનું હતું તે વેદિકા ને કહી દીધું હતું એટલે એ ની એ જ ચર્ચા ફરીવાર કરવાની એની ઈચ્છા ન હતી.

બધાં બહાર સુધી એને વળાવવા ગયાં. વાન તૈયાર જ ઉભી હતી. કેતને હસીને સૌની વિદાય લીધી.

” મને ખરેખર મજા આવી આજે.  તમારા બધાના સ્વાગતથી મને ખરેખર સારું લાગ્યું છે. અને વેદિકા…આપણે ફરી મળીશું. ચલો બાય.  ” કહીને કેતન વાનમાં બેસી ગયો.

વેદિકાની વિદાય લઈને કેતને ગાડીને પટેલ કોલોની લેવાનું મનસુખને કહ્યું. વેદિકા ના વિચારોમાં કેતન ઘરે આવવા નીકળી ગયો પણ ત્યારે એને ખબર ન હતી કે ઘરે કોઈ બીજી જ કન્યા કલાકથી એની રાહ જોતી બેઠી હતી !!

ક્રમશઃ

લેખક : અશ્વિન રાવલ

Leave a Reply

Translate »