સુરતીઓના ગળા ન કપાય તે માટે આ વ્યક્તિએ વહેંચ્યા 10 હજાર સેફ્ટીબેલ્ટ

તેનું નામ છે બ્રિજેશ વર્મા. તે ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ છે. હંમેશા માર્ગ સલામતિ માટેના જાગૃત્તિ કાર્યક્રમો તે ચલાવે છે. લોકો વાહન અકસ્માતથી બચે તે માટે વર્ષોથી તે મહેનત કરે છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસનું તે માટે માથું ખાય જાય છે. દર વર્ષે ઉત્તરાયણમાં લોકો પતંગ-દોરી પાછળ પડ્યા હોય પરંતુ આ મહાશય ઘાતક દોરીથી લોકોના ગળા ન કપાય અને મુશ્કેલીઓમાં ન મુકાય તે માટે મથ્યો રહે છે. આ વર્ષે પણ સુરતીઓના ગળા બચાવવા માટે તેણે 10 હજાર સેફ્ટી બેલ્ટ (ગળા માટે વિશેષ મટિરિયલ કે જેને દોરી પણ ન ચીરી શકે તેવા પટ્ટા બનાવ્યા) ફ્રીમાં વ્હેંચી દીધા. 12 જાન્યુઆરીથી તેણે સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓ સાથે મળીને આ કામ શરૂ કર્યું. 14મી ઉત્તરાયણ અને 15મીએ વાસી ઉત્તરાયણ (સુરતીઓ ખાસ મનાવે છે)માં પણ આ બ્રિજેશ વર્મા રોડ પર ફરતો રહ્યો અને ટુવ્હીલ ચાલકોને બેલ્ટ ફ્રીમાં વ્હેંચતો રહ્યો.
તેણે સુરતના અઠવાલાઈન્સ ચોપાટી પાસેથી આ અભિયાન શરૂ કર્યું અને લગભર સુરતના દરેક ચાર રસ્તાઓ પર પહોંચીને તે વિતરણ કર્યા.  ચોપાટી ઉપરાંત મજુરાગેટ ચાર રસ્તા., ઉધના વિસ્તારના રોકડીયા હનુમાન ચાર રસ્તા ખાતે આર.ટી.ઓ, પાલ-અડાજણ અને સ્ટાર બજાર ચાર રસ્તા ખાતે, ભાગળ ચાર રસ્તા, રત્નમાલા, ગજેરા સર્કલ, કતારગામ ખાતે, પોદ્દાર આર્કેડ, વરાછા રોડ સહિતના વિસ્તારોમાં જઈને તેણે સેફ્ટી બેલ્ટ વ્હેંચ્યા. કોઈ ફોન કરીને મંગાવે તો મારતી ગાડીએ પહોંચીને તે ત્યાં જઈને પણ વ્હેંચી આવે છે. ખરેખર બ્રિજેશ વર્માની કામગીરી બિરદાવવાને લાયક છે. બ્રિજેશ કહે છે કે, મારી પ્રાથમિકતા લોકોના જીવન બચાવવાની છે. દોરી ગળામાં આવી જવાથી ઘણાં લોકો જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અથવા મોતને ભેંટે છે. દોરી આવી જવાથી પટકાઈ જવાથી પણ ગંભીર ઈજા પહોંચે છે. જેથી, પરિવાર સાથે પતંગ ચગાવવાને બદલે હું આ સેવાકીય કામમાં જોતરાઈ જાવ છું. મારા કારણે કોઈ એકનો પણ જીવ બચે તેનાથી વિશેષ શું હોઈ શકે.
– રાજા શેખ, ,સુરત

Leave a Reply

Translate »