શું ઈન્સ્પેક્ટરો રૂ. 5000 લઈ બારોબાર ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવતા?

  • રાજા શેખ, સુરત

સુરત આરટીઓ હંમેશા વગોવાયેલું જ રહે છે. રાજ્યમાં અમદાવાદ બાદ ભ્રષ્ટાચાર અને વિવાદોના મામલે હંમેશા ‘હોટ’ રહેતા સુરત આરટીઓમાં ઉચ્ચ કક્ષાએ દબાણ બાદ ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે અડાજણ પોલીસમાં અરજી બાદ સાઈબર ક્રાઈમમાં બારોબાર લાઈન્સ ઈશ્યુ થઈ જવા મામલે ફરિયાદ નોંધાવી છે. જોકે, તેમાં ટાઉટોની સામેલગીરી સાથે પોતાના જ અધિકારીઓએ પણ હાથ કાળા કર્યા હોવાની વાત નકારી શકાય એમ નથી. સૂત્રોનું માનીએ તો ટુવ્હીલ અને ફોરવ્હીલના પાકા લાઈસન્સ માટે ટેસ્ટ ટ્રેક પર ટ્રાયલ લીધા વિના અથવા તો ટ્રાયલ લઈને નાપાસને પણ પાસ કરી દેવાયા હોવાના સંખ્યાબંધ કિસ્સાઓ છે અને તે માટે ટાઉટોની સાથે મળીને અધિકારીઓ એક લાઈસન્સ માટે રોકડા રૂ. 5000 લેતા હોવાની વાતો સામે આવી રહી છે. ( આ રીતનું કામ કરનાર એક એજન્ટે અમારી સમક્ષ ખુલ્લેઆમ આ કબૂલાત કરી છે.) તો વધુ જરૂરિયાતવાળા પાસેથી એજન્ટો 10 હજારથી 12 હજાર પણ પડાવતા હોવાની ચર્ચા ઉઠી છે.

બે વર્ષ પહેલા  ડ્રાઈવિંગ ટેસ્ટ વિના ઈશ્યુ થયેલા લાઈસન્સમાં જે વખતે ટ્રેકનો ચાર્જ સંભાળતા બે ઈન્સ્પેક્ટરોની પણ ભૂમિકા હોવાની વાત છે જ્યારે જે રડારમાં ટાઉટો છે અને તેઓને પોલીસે પૂછપરછ માટે ઉઠાવ્યા છે તેમાં ઈન્દર અને સાહિલના નામ આરટીઓ પ્રાંગણમાં ચર્ચામાં છે. અને તેઓએ આરટીઓનું સોફ્ટવેર ઈન્સ્પેક્ટરોની મદદથી બાયપાસ કરીને ખેલ પાડ્યો હતો. જેઓએ બારોબાર લાઈસન્સ કઢાવ્યા છે તેના નામો આરટીઓની તપાસમાં બહાર આવ્યા છે અને તે પોલીસ સમક્ષ અપાયા છે તે વાહનમાલિકોમાં પાર્થ વેકરિયા, યોગેશ રાબડિયા, વિજય નારોલા, ઠાકરશી રાબડિયા, હેત રાજપુત, જાનકી રાજપૂત, હરજી જીંજાળા, આકાશ સંઘવી, સાગર પટેલ અને પ્રવિણ ભાદાણીના નામો છે. પોલીસ તેમના સુધી પણ પહોંચીને કેસ મજબૂત કરી શકે છે. આરટીઓએ ફરિયાદમાં સ્પષ્ટ કર્યું છે કે, ટેસ્ટ ટ્રેકના રેકોર્ડ પર આ લોકો નથી. તેમણે ટેસ્ટ આપી હોય તેવા કોઈ પુરાવા નથી.

રોજ આટલા રૂપિયા ભેગા કરાતા અને એક કારમાં મૂકી દેવાતા?

સૂત્રોનું માનીએ તો રોજ ટ્રેક પર 20થી 25 લોકોને ચોક્કસ સમયમાં પાસ કરી દેવાતા હતા અને તે માટે એજન્ટો વ્યવહાર કરતા હતા. કારમાં બ્લુટુથ મુકી ગાઈડ કરવા સાથે અગર થોડું આગળ પાછળ હોય તો પણ ઈન્સ્પક્ટરો ગ્રીન સિગ્નલ આપી દેતા હતા. સીસીટીવી કેમેરા તો લગાવાયા હતા પરંતુ તેના ડેટા સાથે પણ ચેડા કરાતા હતા અથવા તે બંધ કરી દેવાતા હતા. પહેલા ચોક્કસ સમય સુધી જ ટ્રાયલ લેવાતી હતી તે દરમિયાન આવા ખેલ ખૂબ જ થયા છે. સૂત્રોનું માનીએ તો આરટીઓના ટેસ્ટ ટ્રેકની બગલમાં પાર્ક થતી એક ઈન્સ્પેક્ટરની કારમાં રોજ સાંજ પડે બધો હિસાબ મુકી દેવાતો હતો અને તેમાંથી ટ્રેક પર ડ્યુટી કરનારા ઈન્સ્પેક્ટરો રાત્રે ભાગબટાઈ કરી લેતા હતા. (હવે અહીં એ તમે જાતે જ સમજી લેજો કે ઉચ્ચ અધિકારીઓને ‘કવર’ પહોંચતું કે નહીં!!)

જોકે, હવે સરકારે અરજીઓ મુજબ મોડે સુધી ટ્રેક ચાલુ રાખવાની પરવાનગી આપી છે ઉપરાંત રાજ્યની કોઈ પણ આરટીઓમાંથી લાઈસન્સ કઢાવવાની સગવડ ઊભી કરી આપી હોવાથી ટેસ્ટ ટ્રેક સિવાયની આરટીઓમાં એજન્ટો ડ્રાઈવર્ટ થયા છે.

હવે સાઈબર ક્રાઈમની ટીમ આ મામલે વધુ ખુલાસો કરવાની છે ત્યારે જોઈએ કેવી હલચલ આરટીઓમાં મચે છે. સંભવત: આખી આરટીઓની સાફસફાઈ આગામી દિવસોમાં કરી તમામની શિક્ષાત્મક બદલી થઈ શકે છે અને કેટલાક ઘરે પણ બેસી શકે છે.

 

આ પણ વાંચો…..

 

આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટમાં અપોઈન્ટમેન્ટ ટૂંકાવવાનો ખેલ? ભાડાંની કારમાં પાસ કરવાનો પણ ધંધો?

Leave a Reply

Translate »