ગર્વ: સુરતના 6 નર્સિંગ વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન થયું

તા.20 નવેમ્બર, 2021ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET(નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ)માં સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે. AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા એકસૂરે કહ્યું કે “કોવિડના કપરા કાળમાં જે રીતે નવી સિવિલમાં સેવા આપી હતી, એ જ રીતે એઈમ્સમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીશું. લોકોની સેવા માટે હરહંમેશ તત્પર રહીશું” ફરજ પર હાજર રહી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી સતત અભ્યાસથી એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવનાર આ વિદ્યાર્થીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવામાં નર્સિગ કોલેજનો ઉમદા સાથસહકાર મળ્યો હતો. આ છ વિદ્યાર્થીઓ હવે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી ૧૮ એઈમ્સ ઈન્સ્ટીટયુટની હોસ્પિટલોમાં ફરજ બજાવશે.

NORCET પરીક્ષામાં દર વર્ષે સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓ પાસ થાય એવા પ્રયત્ન કરીશુઃ પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવ

સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, NORCET પરીક્ષામાં પસંદગી પામેલા સુરતના વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. સરકારી કોલેજનું શિક્ષણ અન્ય કોલેજ કરતા ઉત્કૃષ્ટ છે એ વાતને આ વિદ્યાર્થીઓ સાબિત કરી રહ્યા છે. પરીક્ષાર્થીઓને કોલેજ તરફથી શક્ય એટલી સંપૂર્ણ મદદ અને સહકાર આપવામાં આવ્યાં હતાં. સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓ સફળતા મેળવે અને કોલેજ અને પરિવારનું નામ રોશન કરે એવા કોલેજ સ્ટાફના પ્રયત્નો હરહંમેશ રહેશે. એમ તેમણે ઉમેર્યું હતું.

અનાજ કરિયાણાની દુકાન ચલાવતા બિલીમોરા તાલુકાના રામસ્વાર્થ મૌર્યની પુત્રીનું એઈમ્સમાં સિલેક્શન થયું
પરીક્ષામાં સફળ થયેલાં નવસારીના બિલીમોરા તાલુકાના નાંદરખા ગામના પ્રિયંકાબેન મૌર્ય હાલ સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી પી.પી. સવાણી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. પ્રિયંકાબેન ખુશી વ્યકત કરતાં જણાવે છે કે, ‘નાંદરખા ગામમાં મારા પિતા અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે, નર્સિંગનો અભ્યાસ કરાવવામાં પિતાજીનું મોટું યોગદાન છે. નર્સિંગનો અભ્યાસ પુર્ણ કરી હું સ્ટાફ નર્સ તરીકે નોકરીમાં જોડાઈ ગઈ હતી. મારા પિતાની હંમેશા એવી આકાંક્ષા રહી છે કે હું નર્સિગ ક્ષેત્રમાં સેવા સાથે નામના મેળવું. જેથી એઈમ્સની પરીક્ષા પાસ કરવાનું મારૂ મુખ્ય ધ્યેય બની ગયું હતું. દરરોજ ચાર કલાક વાંચન કરતી હતી. એઈમ્સમાં સિલેક્શન થતા મારા પિતા અને પરિવારનું સપનું પુર્ણ થયું છે.

વ્યારાની પ્રજ્ઞા ગામીતે કોચિંગ લીધા વગર એઈમ્સની પરીક્ષા પાસ કરી ગામનું નામ રોશન કર્યું
સિવિલ હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞાબેન બચુભાઈ ગામીત મૂળ વ્યારાના ચંપાવાડી ગામના વતની છે. તેઓ જણાવે છે કે, ‘હું વર્ષ ૨૦૧૯માં સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે જોડાઈ હતી. નોકરીની સાથે સાથે નર્સિગ કોલેજમાંથી નોર્સેટની પરીક્ષાનું માર્ગદર્શન મળ્યું હતું. જેથી નોકરીની સાથે પરીક્ષાની તૈયારી આરંભી હતી. આઠ કલાકની નોકરી હોવાથી કોચિંગ લેવાનો સમય બચતો ન હતો, જેથી રોજ ૩ કલાક વાંચન કરતી હતી. પરીક્ષામાં મને મારૂ પ્રેક્ટિકલ નોલેજ વધુ ઉપયોગી બન્યું હતું. ઉપરાંત, નર્સિગ કોલેજ તરફથી પણ યોગ્ય માર્ગદર્શન મળતા પરીક્ષા પાસ કરવામાં સફળતા મળી છે.

એઈમ્સમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી લોકોની સેવામાં સહભાગી બનીશઃ મહિમાબેન ગામીત
સફળ પરીક્ષાર્થી મહિમાબેન ગામીતે જણાવ્યું હતું કે, મારૂ મૂળ વતન વ્યારાનું ગાંમીકુવા છે, અને હાલ નવી સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું. મેડિક્લ ફિલ્ડમાં પગ મૂકતા જ મારૂ ધ્યેય નેશનલ લેવલની નોર્સેટ પરીક્ષા પાસ કરી એઈમ્સમાં નોકરી મેળવવાનું રહ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે. આઠ કલાકની શિફ્ટ બાદ ચાર કલાક અભ્યાસ માટે ફાળવતી હતી. આજે મારી મહેનતનું ફળ પ્રાપ્ત થયું છે. નર્સિંગ કોલેજ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું. હવે હું એઈમ્સમાં પણ નિષ્ઠાપુર્વક ફરજ બજાવી લોકોની સેવામાં સહભાગી બનીશ.

અભ્યાસથી જ્ઞાન પણ મેળવ્યું અને નોકરીથી પ્રેક્ટિકલ નોલેજ લીધું જેથીપરિક્ષા પાસ કરવામાં સફળતા મળીઃ વિદ્યાર્થી રાધા વ્યાસ

એઈમ્સમાં સિલેક્ટ થયેલા અને વર્ષ ૨૦૧૯થી સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સુરતના રાધા વ્યાસે જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નોકરી પૂર્ણ કરી આઠ કલાક અભ્યાસ માટે આપતી હતી. કોવિડ સમયે કરેલી કામગીરી પણ પરીક્ષામાં ખૂબ ઉપયોગી બની હતી. અભ્યાસની સાથે મેળવેલું પ્રેક્ટિકલ જ્ઞાન પણ અતિ ઉપયોગી બન્યું હતું.

આ વિદ્યાર્થીઓ પાસ થયા.
1) પ્રિયંકાબેન મૌર્ય- નવસારી
2) પ્રજ્ઞાબેન બચુભાઈ ગામીત-વ્યારા
3) મહિમાબેન ગામીત-વ્યારા
4) રાધા વ્યાસ-સુરત
5) કોમલ પેથાણી-સુરત
6) નીરવ ગામીત-વ્યારા

Leave a Reply

Translate »