પ્રતિનિધિ સુરત: રાજ્ય સરકાર નવા શૈક્ષણિક વર્ષમાં ભણતરને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરની શાળામાં પ્રવેશોત્સવ ઉજવી રહી છે અને નવા ભરતી થનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપીને મોટા કાર્યક્રમો કરી રહી છે. ખાનગી શાળાઓ અને ગ્રાંટેટ શાળાઓમાં પણ પ્રવેશોત્વ કરાવાયા રહ્યો છે ત્યારે સુરતમાં એક શાળા એવી છે કે તેના આંગણે ગંદકીના ઢેરથી લથપથ, ગંધાતી અને જર્જર એસઆરપી ચોકી વર્ષોથી પડી રહી છે. ફાયરબરની આ ચોકીમાં વર્ષોથી બંદોબસ્ત ખસેડી દેવાયો છે પરંતુ તેને અહીંથી નહીં હટાવાતા તેણે કચરાપેટીનું રૂપ લઈ લીધું છે. આ મામલે સ્થાનિકો અને સ્કૂલ સંચાલકોએ અનેકવાર સુરત મહાનગર પાલિકા અને પોલીસ વિભાગને લેખિત રજૂઆતો કરી છે પણ તેને ખસેડી સાફસફાઈ કરાવવાની કોઈ તસ્દી લેતું નથી. અહીંના નગરસેવકો, ધારાસભ્યો અને સામાજિક આગેવાનો પણ તે અંગે કોઈ નિકાલ નહીં લાવી શકતા અસહ્ય વાસના કારણે સ્કૂલે બારી-બારણાં બંધ રાખી ભણાવવાની નોબત આવી છે. બીજી તરફ, નાના ભૂલકાંઓ પર આરોગ્યનું જોખમ પણ ઉભું થયું છે.





આ સ્કૂલ સુરતના અઠવા પોલીસ મથકની હદમાં આવેલા બડેખા ચકલા, હિંદુ મિલન મંદિરની પાસે આવેલી અને સુરતમાં દોઢ દાયકાથી શૈક્ષણિક ભૂખ સંતોષતા પ્રતિષ્ઠિત ટ્રસ્ટ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રાવ સાહેબ જેસી મુન્શી સ્કૂલ તરીકે ઓળખાય છે. અહીં ધોરણ એકથી આઠ સુધી અભ્યાસ કરવા શહેરી વિસ્તારના બાળકો આવે છે. આ સ્કૂલમાંથી ભણીને શહેરના અનેક મોભીઓ નીકળ્યા છે. વકીલો, ડોક્ટરો, સીએ સહિતના નામો આ સ્કૂલના બોર્ડની શોભા વધારી રહ્યા છે પરંતુ સ્કૂલની આસપાસ વર્ષોથી ગંદવાડની એસઆરપી ચોકી તેની શોભાને લાંછન લગાવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષ 1992માં બાબરી મસ્જિદના વિવાદ બાદ શહેરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોને પગલે અહીં કાયમી એસઆરપી ચોકી મુકી પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો પરંતુ ત્યારબાદ કોમી એકતાને કારણે આ ચોકી વર્ષોથી બંધ છે અને ચારેતરફથી તૂટી ગઈ છે. અહીં કચરો વર્ષોથી ભેગો થયો છે અને તેનાથી ખૂબ જ દુર્ગધ આવે છે. શાળાના વિદ્યાર્થીઓએ ભણવું પણ મુશ્કેલ પડયુ છે. આ મામલે અમે અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરી છે પરંતુ સુરત મહાનગર પાલિકા પોલીસ વિભાગ પર વાત ઢોળી દે છે અને પોલીસ વિભાગ સુરત મહાનગર પાલિકા પર. કિન્તુ કોઈ આ જર્જર અને ગંદકીથી ખદબદતી ચોકી ખસેડતું નથી.
શાળાના સંચાલકોનું કહેવું છે, હવે ચોકીની હાલત એ થઈ છે કે, આસપાસના લોકો અહીં પોતાના ઢોરઢાંખરા પણ બાંધી દે છે જેના કારણે તેના મળમૂત્રની તીવ્ર વાસથી માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે. અમે લેખિત ફરિયાદો કરી છે પણ નિરાકરણ લવાતું નથી. તેની કોપી પણ અમે ધારાસભ્યને મોકલી હતી.


અમારા ટ્રસ્ટીઓએ ઓનલાઈન પણ ફરી કમ્પલેઈન કરી છે પરંતુ મહાપાલિકા હાથ ખંખેરી રહ્યું છે. હવે અમે ઈચ્છીએ છીએ કે ખુદ મનપા કમિશનર બીએસ પાની અને પોલીસ કમિશનર અજય તોમર બંને મળીને આ ગંદકીયુક્ત એસઆરપી ચોકીનું નિરાકરણ લાવે અને તેને માધ્યમ બનાવી આસપાસ થયેલું દબાણ પણ દૂર કરે તે બાળકોના હીતમાં છે.