અત્યારસુધી 23 નોટિફાઈડમાં છ વાર વધ્યો છે 25 ટકા સ્ટ્રક્ચર રેટ, સચિનમાં રાજકીય ગણગણાટ!

પ્રતિનિધિ સુરત: ગુજરાત સરકારે ફરી એકવાર ગેજેટ બહાર પાડીને 25 ટકા સ્ટ્રક્ચર રેટ વધાર્યો છે. અત્યારસુધી ગુજરાતના 23 નોટિફાઈડ એરિયામાં 6 વાર 25 ટકાનો સ્ટ્રક્ચર રેટ સરકારે વધાર્યો છે. માત્ર એકવાર 10 ટકા સ્ટ્રક્ચર રેટ વધ્યો છે. જોકે, સાતમી વાર વધેલા આ સ્ટ્રક્ચર રેટને કારણે નોટિફાઈડ એરિયામાં થોડો ગણગણાટ જરૂર શરૂ થયો છે પરંતુ તેમાં જીઆઈડીસી નિયામક દ્વારા રેટ પાછો ખેંચાય એવી કોઈ સંભાવના ભૂતકાળના છ વધારા જોતા દેખાતી નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં થયેલા તમામ વારના સ્ટ્રક્ચર રેટના વધારામાં જે તે સમયે કોઈ વિરોધ કે ગણગણાટ જોવા મળ્યો ન હતો. જેથી, હાલ આ ગણગણાટને હાલ ‘રાજકીય’ જ હોવાનું વધુ લાગી રહ્યું છે. ખાસ કરીને આ ગણગણાટને હવા સુરતની સચિન જીઆઈડીસી નોટિફાઈડમાં જ હવામાં આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. બાકીના 23 નોટિફાઈડમાં આ વધારાને ઉદ્યોગકારો એક રૂટિન પ્રક્રિયાના રૂપે જ જોઈ રહ્યાં છે.

પરિપત્ર શું છે?

સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ગુજરાત ઔદ્યોગિક વિકાસ અધિનિયમ કલમ16 અંતર્ગત જાહેર કરાયેલા તમામ નિર્દિષ્ટ વિસ્તારમાં આવેલા બાંધકામની આકારણી સરકારના તા. 31 ઓગષ્ટ 2005ના જાહેરનામાની કલમ-2(જે) મુજબ નિગમે નિયત કરેલા માપદંડને ધ્યાને રાખી નક્કી કરવાના થાય છે જે મુજબ બ્લોક વર્ષ 2022-2026 માટે તમામ નિર્દિષ્ટ વિસ્તારોમાં સમાન ધોરણો નક્કી કરી નીચે મુજબના દર મંજુર કરવામાં આવ્યા છે.

મિલ્કતનો પ્રકાર આકારણીનો દર પ્રતિ ધનમીટરે જૂના દર

કેટેગરી-એ 1775 1420

કેટગરી-બી 1375 1100

કેટગરી-સી 500 400

નોંધનીય છે કે, બ્લોક વર્ષ 1197-98થી 2022-23 સુધીમાં નોટિફાઈડ એરિયાના સ્ટ્રક્ચર રેટમાં દર ચાર વર્ષના ગાળામાં 25 ટકાનો વધારો થયો હતો. એક માત્ર 1999-98થી 2002-03 દરમિયાન 10 ટકા રેટ વધ્યા હતા અને તે જે તે વખતના પદાધિકારીઓએ તેને સ્વીકાર્યો હોવાનું સૂત્રો કહે છે. સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટી લિ.માં અત્યારસુધીના પ્રમુખો પર નજર કરીએ તો વર્ષ 1991થી 99 સુધી દિનકરભાઈ નાયક, 1999થી 2000 સુધી વિનોદકુમાર અગ્રવાલ, વર્ષ 2000થી 2003 સુધી બિપીનચંદ્ર રામાણી, વર્ષ 2002થી 2004 સુધી સુરેશકુમાર ચુગ, વર્ષ 2004થી 2008 સુધી મગનભાઈ પટેલ, વર્ષ 2008થી 2014 સુધી જગદીશ રામાણી, વર્ષ 2014થી 2015 સુધી દિપકભાઈ અકબરી, ત્યારબાદ 2016 સુધી મોહનભાઈ બારી, અને ત્યારબાદ 2018 સુધી નિલેશભાઈ ગામી અને હવે વર્ષ 2018થી રમાબેન એમ. રામોલિયા પ્રમુખપદ પર રનિંગ છે.

સચિન નોટિફાઈડ એરિયામાં ‘ચૂંટણી મુદ્દો’

આમ તો આ પરિપત્ર રૂટિન છે અને સરકાર ગેજેટ પાસ કરીને તેને દર ચાર વર્ષે 25 ટકાના વધારા સાથે અમલી બનાવે છે. આ થતું આવ્યું છે અને ક્યારેય તે માટે કોઈ પણ નોટિફાઈડ એરિયામાં વિરોધ થયો હોય તેવું સાંભળવા મળ્યું નથી. જોકે, સચિન નોટિફાઈડ એરિયામાં કેટલાક લોકોએ આગામી ચૂંટણીને ધ્યાને લઈ આ મુદ્દો ઉપાડ્યો છે અને ગણગણાટ શરૂ કર્યો છે. કેટલાક ઉદ્યોગકારો કહે છે કે, આ ચૂંટણી મુદ્દો બની રહ્યો છે પણ તેમાં અધિકારીઓ કંઈ કરી શકે એમ નથી. સરકાર પણ કંઈ કરશે નહીં, કેમ કે આ દર ચાર વર્ષે થતી એક પ્રક્રિયા જ જેવું છે. એક ઉદ્યોગકારોએ કહ્યું હતું કે, અગાઉ અમે આવી જ વાતોમાં આવી ગયા હતા અને અમારે ટેક્સમાં લાખો રૂપિયાનું વ્યાજ ભરવાનો વારો આવ્યો હતો જેથી, અમે બીજીવાર ભૂલ કરવા ઈચ્છતા નથી. કેટલાક ઉદ્યોગકારો કહે છે કે, ઘણાં એવા લોકો આ મુદ્દાને ઉપાડી રહ્યાં છે કે જેમના નોટિફાઈડ એરિયામાં પ્લોટ સુદ્ધા નથી. જોકે, વાત કોઈ પણ હોય પણ હાલનો વિરોધ પક્ષ આ મુદ્દાને ઉપાડવાના મુડમાં છે જ્યારે રુલિંગ પાર્ટી ભૂતકાળમાં થયેલા વધારાને જોતા તેની કોઈ ઈફેક્ટ જોતું નથી. આ મામલે અમે બંને પક્ષ સાથે વાત કરવાની કોશિશ કરી પણ સંપર્ક સંભવ બન્યો નહીં.

Leave a Reply

Translate »