ગુજરાત સરકારે લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ અને ચાલુ લાઈસન્સમાં બીજો પ્રકાર ઉમેરવાની પ્રક્રિયાને સરળ બનાવતા તેને ‘ફેસલેસ’ એટલે કે આરટીઓમાં જઈને ધક્કા ખાવાને બદલે તેને ઓનલાઈન પદ્ધતિથી કરાવી શકાય તેવો સુધારો કર્યો છે. આ પહેલા સરકારે આવી 6 જેટલી બાબતોને ફેસલેસ કરી દીધી છે. સરકારનો આશય લોકોને આરટીઓના ખોટા ચક્કર ખાવાથી મુક્તિની સાથોસાથ ભષ્ટ્રાચાર પર અંકુશ લાવવાનો છે.
રાજ્યના વાહનવ્યવહાર કચેરી તરફથી જારી કરાયેલા સર્કુલર મુજબ શિખાઉ વાહનચાલકનું લર્નિંગ લાઈસન્સ કોઈ કારણોસર છ મહિનાની મુદ્ત વીતી જતા પહેલા રદ થઈ જતુ હતુ અને તેને આરટીઓ આવી પુન: કરાવવું પડતું હતું. પરંતુ હવે Parivahan.gov.in વેબસાઈટ પર ફી ભરીને આવું લર્નિંગ (શિખાઉ) લાઈસન્સ કઢાવી શકાશે અને આ પોર્ટલ પરથી પ્રિન્ટ કાઢી તેનો ઉપયોગ કરી શકાશે. બીજા સુધારા મુજબ કોઈ પાસે પાકુ ડ્રાઈવિંગ લાઈસન્સ હોય. અગર તે ટુવ્હીલનું હોય અને તમે ફોરવ્હીલનું કે થ્રી વ્હીલનું લાઈસન્સ પણ મેળવવા માંગતા હોવ તો આપ ઓનલાઈન આ એન્ડ્રોસમેન્ટ કરી શકશો અને નવા વધારાના લાઈસન્સ મેળવવાનો ઉમેરો ઓનલાઈન જ કરાવી શકશો. તમારા આધાર-પુરાવા આરટીઓમાં ઓનલાઈન ચકાસી લેવાશે અને બાદમાં આપને અપોઈન્ટમેન્ટ (મુલાકાત) માટે સમય અપાય તે સમયે જઈને તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની રહેશે. આ ઉપરાંત ત્રીજા સુધારા તરીકે ભયજનક માલનું વહન કરવા માટેના એન્ડ્રોસ્મેન્ટની પ્રક્રિયા પણ ઓનલાઈન ફેસલેસ કરી દેવાય છે.માત્ર તે માટે આરટીઓ કચેરી જઈને મેન્યુઅલી સ્ટેમ્પિંગ કરાવવાનું રહેશે.
ઘણી કાર્યવાહી ફેસલેસ પણ બહાના હેઠળ બોલાવી રૂપિયા પડાવાતા હોવાની બૂમ
આમ તો રાજ્ય સરકારે કોરોનાકાળ પહેલાથી જ છ જેટલી બાબતો ફેસલેસ કરી દીધી છે. પરંતુ આરટીઓના કેટલાક લાંચિયા અધિકારીઓ, કર્મચારીઓ કોઈને કોઈ બહાના હેઠળ અથવા નિયમ વિરુદ્ધ દસ્તાવેજો વેરિફિકેશન માટે બોલાવીને ઉપલકની રકમ પડાવવા અરજદારોને મજબૂર કરે છે. અથવા તો બિનઅધિકૃત એજન્ટ પાસે તે રીતને માંગણી કરતા હોવાની ફરિયાદો આવતી રહે છે. તે માટે પણ સેન્ટ્ર્લાઈઝ્ડ સિસ્ટમ ઊભી કરીને મોનિટરિંગ કરાય તે જરૂરી છે.
આખી પ્રક્રિયા કેવી રીતે પાર પાડશો તે જાણવા આ ફોટા જુઓ