અશાંતધારામાં રાજ્ય સરકારે કરેલા સુધારા બાબતનું નોટિફિકેશન બહાર પાડવા પર હાઈકોર્ટે રોક લગાવી છે. અત્યાર સુધી જ્યાં અશાંતિ હોય તેવા વિસ્તારોમાં જ અશાંતધારો લાગુ કરાતો હતો. પણ સરકારે કરેલા સુધારા પ્રમાણે જો અશાંતિની સ્થિતિ ઉભી થવાનું અનુમાન હોય ત્યાં પણ અશાંત ધારો લાગુ કરી શકાય એવી જોગવાઇ કરાઇ છે.
ધર્મના આધાર પર ત્રાહિત વ્યક્તિઓની અરજી કે રજૂઆત આ પહેલા પ્રતિબંધિત હતી. જે સરકારે કરેલા સુધારા પ્રમાણે ત્રાહિત વ્યક્તિઓ પણ રજૂઆત કરી શકે તેવી જોગવાઈ સુધારેલા કાયદામાં કરાઈ હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. મનાઈ હુકમ જારી કરવાની સાથે કોર્ટે 3 ફેબ્રુઆરી સુધીમાં એડવોકેટ જનરલનો પણ જવાબ માંગ્યો છે.
એટલું જ નહીં, કાયદાની સંશોધિત જોગવાઇઓ મુજબ સમાજના ધાર્મિક વર્ગીકરણને સંસ્થાગત સ્વરૂપ આપવામાં આવી રહ્યાની રજૂઆત બાદ હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,‘સરકાર આ પ્રકારનો કાયદો કઇ રીતે લાવી શકે?’
અરજદાર સંસ્થા જમીઅત ઉલમા-એ-હિંદ તરફથી આ રિટ પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં એડવોકેટ એડવોકેટ મોહમ્મદ હાકીમ તરફથી સિનિયર એડવોકેટ મિહિર જોશી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે,‘મૂળ રીતે અશાંતધારાનો કાયદો જૂનો છે અને તેમાં સમયાંતરે સંબંધિત આદેશો થતાં રહ્યા છે. જોકે, અરજદારની રજૂઆત છે કે આ આદેશો ધાર્મિક ભેદભાવના આધારે થાય છે અને તેથી ધર્મના આધારે સમાજના વધુ ભાગલા પાડવામાં આવ્યા છે. હિન્દુઓ હિન્દુ વિસ્તારમાં અને મુસ્લીમો લઘુમતી વિસ્તારમાં જ મિલકતો ખરીદી શકે, ટ્રાન્સફર કરી શકે વગેરે વગેરે સુનિયોજિત રીતે સુનિશ્ચિત થાય એવા આદેશો સરકારી ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે, પરંતુ હાઇકોર્ટ હંમેશાં આવા આદેશો કે નિર્ણયો સામે કડક અને આકરા હુકમ કર્યાં છે. રાજ્ય સરકારે આ કાયદામાં હાલમાં જે સંશોધન કર્યું છે એ મુજબ હવે રાજ્ય સરકાર કોઇ એક ચોક્કસ સમુદાયના કલ્સ્ટરિંગ અંગેનો નિર્ણય કરશે. મતલબ કે કોઇ એક ચોક્કસ સમુદાયના નીતિ-નિયમો, રિવાજો, ધર્મ, મૂલ્યો, ધર્મસ્થાનો અને ઓળખ એક સમાન હોય તેવા લોકોનું ક્લ્સ્ટરિંગ યોગ્ય ગણવામાં આવશે. આ રીતે ધર્મના આધારે ભાગલા પાડી સરકાર શહેરનું ઘેટોઆઈઝેશન કરવા માગે છે. જૈન દેરાસર હોય અને હિન્દુ તે વિસ્તારમાં રહેવા માગતા હોય તો સરકાર તેને ના પાડશે. બંધારણ મુજબ દરેક વ્યક્તિને ગમે ત્યાં રહેવા અને કમાવવાનો અધિકાર મળ્યો છે.