સુરત શહેરમાં ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીમાં કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્યને સવાલ પૂછનારને પોલીસ ઉપાડી ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપની ચૂંટણીપ્રચાર સભામાં રાજુભાઇ જોધાણી અને તેના પિતા મગનભાઈ જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવાયા હતા. બંને પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કતારગામના ભાજપના ધારાસભ્યને સોસાયટીના રહીશ રાજુભાઈ જોધાણીએ સવાલ કર્યા હતા, જેમાં કહ્યું હતું કે સાહેબ, કોરોનામાં તમે ક્યાં ગયા હતા? સિવિલના કોઈ ઠેકાણાં ન હતાં અને ગાંઠના પૈસે અમારી સોસાયટીમાં રસ્તા બનાવ્યા છે. અમને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના કાયદા હેઠળ દંડ ભરાવ્યા. તમારી સભામાં કોણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે? 15 વર્ષથી વેરો ભરીએ છીએ.
કાયદાના રખેવાળ પર પણ ભરોસો ન મુકાઈ એવી સ્થિતિ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્યને સવાલ કરવામાં આવતાં રાજુભાઇ જોધાણી અને 71 વર્ષીય પિતા મગનભાઈ જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. બન્ને પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હતા. કાયદાના રખેવાળ પર પણ ભરોસો ન મુકાઈ એવી સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય નાગરિકને સવાલ પૂછવાનો હક્ક પણ છીનવી લેવાયો હોવાનું ઉદાહરણ છે.
મગનભાઈ જોધાણીએ જણાવ્યું હતું કે મારો દીકરો રાજુ ઘરે આવ્યા બાદ ભાજપની સભામાં ગયો હતો, જેમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ આ પીધેલો આવ્યો છે; તેને બહાર નાખી આવો. જેથી બે-ચાર જણા તેને બહાર નાખવા જતા હતા, જેની જાણ થતાં હું ગયો હતો. હું સોસાયટીનો મંત્રી હતો ત્યારે વિનુ મોરડિયાએ મને બે-ત્રણવાર અપમાનિત કર્યો હતો. જેથી મે મંત્રીપદ છોડી દીધું હતું. મેં મારા દીકરાને પણ સમજાવ્યો હતો. ત્યાર બાદ રાત્રે પોલીસ આવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
Source : Divya Bhaskar