દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત મળ્યા, આપઘાતની સંભાવના

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની મરીન ડ્રાઇવની સી-ગ્રીન હોટલમાંથી મળી આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. હોટલમાંથી ગુજરાતીમાં લખેલી અંતિમ નોંધ (સુસાઇડ નોટ) મળી હોવાથી તેઓએ કોઈ કારણસર જીવન ટુંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુંબઈ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ શરૂ કરી છે. એક ટ્રેડ યુનિયનના મજબૂત , દબંગ નેતાની છાપ ધરાવતા ડેલકરની આ રીતના મોતથી સંઘ પ્રદેશ અને તેમના સમર્થકોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

હાલ 59 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ હતા. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો. તેમની રાજકીય કેરિયરની શરૂઆત ટ્રેડ યુનિયનથી થઈ હતી.અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડતા હતા. ત્યાર બાદ 1995માં તેમણે આદિવાસી વિકાસ સંગઠન શરૂ કર્યું અને 1989માં તેઓ દાદરા નગર હવેલી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. બાદમાં કોંગ્રેસ અને ભાજપમાંથી લડ્યા. આખરી ચૂંટણી અપક્ષ તરીકે જીત્યા બાદ તેઓ જેડીયુમાં જોડાયા હતા.

Leave a Reply

Translate »