રાજ્યના દરેક એન્ટ્રી પોઈન્ટ પર ફરી કોરોના એલર્ટ, રેપિડ ટેસ્ટ શરૂ

મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે અને નવો સ્ટ્રેઈન પણ જોવા મળી રહ્યો છે એવામાં ગુજરાત સરકારે પણ ફરી એલર્ટ જારી કર્યું છે અને રેપિડ ટેસ્ટ શરૂ કર્યાં છે. સાથોસાથ બંધ કરી દેવાયેલા એન્ટ્રી પોઈન્ટ પણ ફરી શરૂ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોરોનાની ગાઇડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું અને તેના કારણે કેસ વધવાની સંભાવના છે. આ તમામ બાબતો ધ્યાને લઈને ગુજરાતના આરોગ્ય વિભાગને એલર્ટ પર મૂકી દેવાયું છે.
સુરત. અમદાવાદ સહિતનાં મોટા શહેરોમાં ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રેપિડ ટેસ્ટ માટેનાં સેન્ટરો ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. ચૂંટણી પૂર્વે દરેક શહેરમાં કેસ ઘટતા આ સેન્ટરો બંધ કરાયા હતા. રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હોવાથી રેપિડ ટેસ્ટ માટેનાં સેન્ટરો ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. હવે ભારતમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોનાવાયરસનો જે નવો વેરિએન્ટ દેખાયો છે એના ભારતમાં કેસ નોંધાયા છે અને એ સાથે અગાઉ બ્રિટનના વેરિએન્ટના કેસ પણ ભારતમાં નોંધાયા હતા. પણ એને ઘટાડવામાં સફળતા મળી હતી, એ વચ્ચે આ નવા વેરિએન્ટની સામે ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતા વધી છે અને ગુજરાત સરકારે પણ ફરી એક વખત આરોગ્ય વિભાગને એલર્ટ પર મૂકયો છે. જોકે ગુજરાતમાં હજુ આ નવા વેરિએન્ટનો એકપણ કેસ નોંધાયો નથી, પણ રાજ્ય સરકાર વધુ તકેદારી રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ ચૂંટણી દરમિયાન કેસ થોડા વધ્યા છે. ગુજરાતમાં હાલ કરફ્યુમાં ઢીલ અપાઈ છે અને રાત્રિ 12થી સવારે 6 સુધી કરફ્યુ છે. તેવામાં સરકાર વીકએન્ડમાં ભીડભાડવાળા વિસ્તારો ફરી બંધ કરીને કેસને અંકુશમાં લેવાની કવાયત હાથ ધરી શકે છે. ફરી ડોર ટુ ડોર આરોગ્યલક્ષી સર્વે કરાવી શકે એમ છે. લોકોને પણ માસ્ક પહેરીને જ બહાર નીકળવાની અપીલ કરાય રહી છે.

Leave a Reply

Translate »