કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝાટકો: એક જ દિવસે મતગણતરીની અરજી ફગાવી

કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝાટકો: એક જ દિવસે મતગણતરીની અરજી ફગાવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે રાખવાની કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ પૂર્વે હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટે પણ એક દિવસે મત ગણતરી રાખવાની કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. જેને કારણે હવે 6 મનપાની ચૂંટણીની આવતી કાલે મતગણરી થશે. તેમજ પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીની મતગણતરી 2જી માર્ચે યોજાશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલાં રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણય સામે થયેલી અરજી પર સુનાવણી પૂરી થતાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે એક જ દિવસે મતગણતરી કરવાની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી પર પડશે. આ નિર્ણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવાવો જોઈએ. રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી. રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને તેની મતગણતરી 23 ફેૂબ્રુઆરીએ હાથ ધરાશે. નગરપાલિકાની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે. હવે ચુકાદો આવી જતાં આ જ પ્રમાણે મતગણતરી થશે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »