સુરતમાં કોંગ્રેસ ઉપપમુખ અને પૂર્વ નગરસેવક લાલખાન પઠાણ જાહેરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા. લાલખાનનો વીડીયો પણ સામે આવ્યો છે. કોંગ્રેસમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ વોર્ડ નં. 18 લીંબાયત-પરવત (મીઠીખાડી) વિસ્તારના ઉમેદવારોએ કરી છે. જોકે, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ કહ્યું હતું કે, આ મામલાની તપાસ કરીને કાર્યવાહી કરાશે. જોકે, પ્રાથમિક જાણકારી તેમને એવી મળી છે કે, લાલખાનને કોઈએ ખેસ પહેરાવી દીધો. જોકે, સવાલ ઊભો થાય છે કે, પહેરાવ્યો તો પહેરી કેવી રીતે લીધો? રાજકીય રીતે તેઓ કોંગ્રેસના પીઢ મુસ્લિમ નેતા કદીર પીરઝાદાને ફોલો કરતા આવ્યા હોવાનું કહેવાય છે. જેથી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ મામલે તેમની શાખ પણ લાલખાને દાવ પર લગાવી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, લાલખાન સન્માન ન અપાયું હોવાની વાત આગળ ધરી રહ્યાં છે.
હાલ સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ છે અને નગર સેવક પણ રહ્યાં છે લાલખાન
લાલખાન તેમને વોર્ડ 19માંથી ટિકિટ ન મળવાથી નારાજ ચાલી રહ્યાં છે, તેઓને પક્ષ તરફથી પણ અનેકવાર સમજાવાયા પણ તેઓ માન્યા નહીં. અને તેમના નાનાભાઈ રોશનખાન ગુલાબખાને આ જ વોર્ડમાંથી આપમાંથી ઉમેદવારી કરી છે. આરોપ છે કે લાલખાને જ ઉમેદવારી કરાવી છે. બીજા આરોપ મુજબ તેઓ એનસીપીના ઉમેદવાર અક્રમ અન્સારી અને અપક્ષ ઉમેદવાર ફહીમ શેખને પણ મદદ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના લાલખાન પઠાણ વર્ષ-2005ની ટર્મમાં કોંગ્રેસના કોર્પોરેટર પદે રહ્યાં અને વર્ષ-2003માં એન.સી.પી. માંથી ચૂંટાઈ વર્ષ-2005 માં એન.સી.પી. ના વિરોધપક્ષ નેતા બન્યા હતા.
ભાજપ સાથે મળીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાં છે: અસ્લમ સાઈકલવાળા
પૂર્વ નગર સેવક અને હાલના વોર્ડ 19ના ઉમેદવાર અસ્લમ સાઈકલવાળાએ મીડીયાને જણાવ્યું કે, લાલખાનને પક્ષે ટિકિટ ન આપતા તેઓ ચૂંટણીની શરૂઆત થી ભાજપ સાથે મળીને પ્રથમ પરદા પાછળ રહી કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિમાં સક્રિય થયા અને મુસ્લિમ સમાજના મતોનું શક્ય એટલું વિભાજન થાય એવા પ્રયત્નોમાં સતત પ્રયત્નશીલ કરી રહ્યાં છે. જોકે, લાલખાનની પરદા પાછળની ભૂમિકાની સ્થાનિક મુસ્લિમ સમાજમાં કોઈ અસર ના થતાં છેલ્લા 2 દિવસથી તેઓ લીંબાયતના વોર્ડ નં. 18 અને 19માં જાહેરમાં કોંગ્રેસ વિરોધી પ્રચાર કરી રહ્યા છે અને તેમના આમ આદમી પાર્ટીના ખેસ ધારણ કરી લોકોને મત આપવાની અપીલ કરતા પણ જોવા મળી રહ્યાં છે. જે દુખદ બાબત છે. મારી માંગ છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ પક્ષના આવા ગદ્દારોને તાત્કાલિક અસરથી પક્ષ માંથી કાયમી સસ્પેન્ડ કરે . એવી અમારા તમામ સંનિષ્ઠ કાર્યકર્તાઓની માંગ છે.
મને સન્માન ન મળ્યું, એટલે આપમાં જોડાઈ ગયો, હવે કોંગ્રેસને હરાવીશ: લાલખાન પઠાણ
આ મામલે અમે લાલખાન પઠાણને પુછ્યું તો તેમણે કહ્યું કે, મારે કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું કારણ કે મને એક સિનિયર તરીકેનું સન્માન હાલના ઉમેદવાદ અસ્લમ સાઈકલવાળા અને બીજાએ ન આપ્યું. તેઓ મારા વોર્ડમાં ચૂંટણી લડવા આવ્યા છતા મારી પાસે કોઈ આવ્યું નહીં. બીજી તરફ, મારો નાનો ભાઈ મેન્ડેડ લાવી આપમાંથી લડી રહ્યો છે. મેં પાર્ટીના કહેવાથી તેને સમજાવ્યો પણ ન માન્યો. છતા 52 જણાંના પરિવારે તેનો સાથ ન આપી કોંગ્રેસ માટે કામ કરવાનું નક્કી કર્યું. પણ અને ડોસામાં ખપાવી દઈ તે શું કરી લેશે તેવો નિવેદનો સામે આવ્યો. જેથી, દિલ્હીથી આવેલી આપની ટીમે મને ભાઠેના લક્ષ્મીનગરની રેલીમાં સન્માનથી બોલાવ્યો અને મને માન આપી સામેલ કર્યો તો હું થઈ ગયો. મેં હજી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. અમે કોંગ્રેસના વફાદાર રહ્યાં છે. જો મને કોંગ્રેસ સન્માન આપશે તો ફરી કામ કરીશું. મારી પાસે 40 મજબૂત બૂથ છે અને તેમાં હું કોંગ્રેસને ટક્કર અપાવીશ. મારી પર ભાજપ સાથે મળીને કામ કરવાનો આરોપ તદ્દન જૂઠ્ઠો છે. હું ભાજપને નફરત કરું છું અને કરતો રહીશ.