હાલમાં જ ગયેલા કોર્પોરેશનના ઈલેક્શનમાં સુરતમાં કોંગ્રેસ ઉપપમુખ અને પૂર્વ નગરસેવક લાલખાન પઠાણ જાહેરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા. લાલખાનનો વીડીયો પણ સામે આવ્યો હતો અને તેઓએ ખુલ્લેઆમ કહ્યું હતું કે, હું કોંગ્રેસને હરાવીશ. ભાજપની વેવમાં સુરતમાં એક પણ સીટ ન મળી અને શહેર કોંગ્રેસની નેતાગીરી સામે કાર્યકરોએ બળાપો કાઢી કાર્યાલયમાં તોડફોડ કરી એ તમામ તેમજ અન્ય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને સુરત કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા કે પક્ષ બહાર કર્યા પરંતુ ખુલ્લેઆમ આપમાં જોડાઈ ગયેલા સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ લાલખાન પઠાણને પાણીચું અપાયું નથી! એ વાત આજકાલ ચર્ચાનો વિષય બની છે. કડકભૂષ થયેલી અને હું , બાવો ને મંગળદાસ જેવી હાલતમાં ચાલતી કોંગ્રેસમાં કાનાફુસી છે કે, લાલખાન શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાના ગ્રુપના છે અને તેના પર પીઢ મુસ્લિમ નેતા કદીર પીરઝાદાના આશિર્વાદ છે જેથી, તેના માટે કોઈ સસ્પેન્સન કે પાર્ટી બહાર કરવાનો ઓર્ડર પ્રદેશ નેતાગીરી આપી શકી નથી!!. પરિણામે બેવડી નીતિને કારણે વધુ રોષ ફેલાયો છે.
ખુલ્લેઆમ વોર્ડ 18 અને 19માં કોંગ્રેસ વિરોધી પ્રચાર બાદ અને કોંગ્રેસના મત તોડવામાં મોટી ભૂમિકા છતા તેમને કેમ છાવરવામાં આવી રહ્યાં છે તે અંગે અમે ઉચ્ચ કક્ષાએ મેલ-પત્ર થકી પુરાવા સાથે રજૂઆત કરનાર પૂર્વ નગર સેવક અસ્લમ સાઈકલવાળાને પુછ્યું તો તેઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મેં પાર્ટી ફોરમમાં લેખિત રજૂઆત કરી છે. હવે પાર્ટી નક્કી કરે કે તેઓએ કોંગ્રેસના ગદ્દારોને છાવરવી ને પાર્ટી આગળ વધારવી છે કે તેઓને કદ પ્રમાણે ઘરે બેસાડી દેવા છે. હું આ આ મામલે ફરી રજૂઆત કરીશ.
કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને હાલમાં જ પાર્ટીના પતન બાદ નેતાઓ સામે રોષ ઠાલવવા મામલે સસ્પેન્ડ થયેલા સલિમ ઘડિયાળીએ કહ્યું હતું કે, કોંગ્રેસની બેવડી નીતિને કારણે જ પક્ષ ઊભો થઈ શકતો નથી. અમે પાર્ટી માટે ખુલ્લા મને કામ કર્યું. પક્ષ વિરોધી પ્રવૃત્તિ ન કરી પણ જેઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ખુલ્લેઆમ કરી રહ્યાં હતા અને છે. જેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે આપનો ખેસ ધારણ કરીને પ્રચાર કર્યો અને ખુલ્લેઆમ કોંગ્રેસને હરાવવા માટેનું એલાન કર્યું તેવા લોકોને હજી પણ પક્ષમાં જાળવી રાખ્યા છે. આવા ગદ્દારોને કારણે જ પાર્ટીનું પતન થયું છે. શું કોઈ નેતાની આગળપાછળ ફરવાથી ગદ્દારી પણ માફ કરી શકાય? હું આ વાતની ટીકા કરું છું અને ઝડપથી આવા ગદ્દારોને પક્ષે સસ્પેન્ડ નહીં પણ પાર્ટી બહાર જ કરવા જોઈએ તેવી મારી માંગણી છે.
આ સંદર્ભે અમે સ્થાનિક કોંગ્રેસના પીઆરઓ અને શહેર પ્રમુખ બાબુ રાયકાના ભત્રીજા એવા કિરણ રાયકાને પાર્ટીનો પક્ષ જાણવા કોલ કર્યો પણ તેઓ ઉપલબ્ધ થયા નથી. અમે કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પણ કોલ કર્યો પણ તેઓ પણ વ્યસ્તતાને કારણે કોલ લઈ શક્યા નથી.!!