• Sat. Dec 2nd, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

ભાજપને વટવૃક્ષ બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની વિદાય

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ભિષ્મ પિતામહ કહી શકાય એવા પીઢ નેતા કેશુભાઈ પટેલ (કેશુબાપા)નું આજે નું 92 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન તેમનું અવસાન થયું. ર્સ્ટલિંગ હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા. કેશુબાપાએ તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી હતી.

ગુજરાતમાં ભાજપની પહેલીવાર સરકાર બનાવી, બે વખત મુખ્યમંત્રી પદે રહ્યા, જનસંઘથી શરૂ કરી હતી રાજકીય સફર

કેશુભાઈ પટેલ વર્ષ 1995 અને વર્ષ 1998થી 2001  સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા છે.1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

આ ઉપરાંત કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.  1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપાથી નારાજ થઈને ચોથી ઓગસ્ટ 2012ના રોજ કેશુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે  ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ (GPP) નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપામાં વિલિનીકરણ થયું હતું. 2014માં જ કેશુભાઈએ ખરાબ તબીયતને પગલે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યુ હતું. દરેક નવા મુખ્યમંત્રી અને ભાજપના અધ્યક્ષ પદભાર સંભાળતા પહેલા તેઓની અચૂક મુલાકાત લઈને આશિર્વાદ લેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવતા ત્યારે તેઓના આશિર્વાદ લેવાનું ચુકતા ન હતા.

ગુજરાતને મોટી ખોટ પડી: વિજય રૂપાણી
આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “જેમણે ગુજરાતમાં જનસંઘથી ભાજપનું આ વટવૃક્ષ ઊભું કર્યું, જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના કામ માટે ન્યોછાવર કર્યું, જેમણે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતો માટે ખૂબ જ મોટું કામ કર્યું હતું તેવા આપણા વડીલ આદરણીય કેશુભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે.  આપણા બધા માટે ખૂબ જ દુઃખની લાગણી છે. ગુજરાતને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું.”

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ તેમના ટ્વીટર હેન્ડલ પરથી પોતાના કાર્યકાળ સંભાળતા પહેલા કેશુબાપાના લીધેલા આશિર્વાદની તસ્વીર શેર કરીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને લખ્યું હતું કે, તેમના માટે પાર્ટીનું હીત હંમેશા સર્વોપરિ રહ્યું હતું.

ભાજપના ટ્વીટર હેન્ડલ પરથી પણ તેઓને શ્રધ્ધાંજલિ અપાય હતી.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »