સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે પાંચ, પરંતુ નોકરી 12 કલાકની થશે

નવા નાણાકીય વર્ષે એટલે કે 1 એપ્રિલથી સેલરી સ્ટ્રક્ચર અને આવકવેરાના નિયમો સહિત અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર સામાન્ય પગારદારના જીવન પર થશે. આવકવેરાના હાલના દર અને સ્લેબમાં કોઈ જ ફેરફાર કર્યા વિના નવો શ્રમ કાયદો લાગુ થવાની શક્યતા છે. તે ફેરફારોથી હાથમાં આવનારા પગારમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ બચત વધશે. તેનો ફાયદો કર્મચારીને નિવૃત્તિ અને નોકરી છોડતી વખતે મળશે. કેન્દ્ર સરકાર 2019માં સંસદમાં પસાર ‘વેતન સંહિતા અધિનિયમ’ 1 એપ્રિલથી લાગુ કરી શકે છે. તેનાથી કર્મચારીનો મૂળ પગાર (બેઝિક સેલરી) ફરજિયાતપણે તેના સીટીસી એટલે કે

કોસ્ટ ટુ કંપનીના 50% થઈ જશે. ઉદાહરણ તરીકે, જો માસિક સીટીસી રૂ. 40 હજાર છે, તો મૂળ પગાર રૂ. 20 હજાર રાખવો ફરજિયાત રહેશે. તેનાથી કર્મચારીના પીએફ ખાતામાં હિસ્સો વધી જશે. આ ઉપરાંત ગ્રેજ્યુઈટી વગેરેની ગણતરી પણ વધશે. આમ, ભવિષ્યની બચત વધશે, પરંતુ દર મહિને હાથમાં આવતી સેલરી (કેશ ઈન હેન્ડ્સ)માં થોડો ઘટાડો થશે.

આ મહત્ત્વના ફેરફાર : ITR, પીએફ પર વ્યાજ સહિત અનેકમાં ફેરફાર થશે, તમામ કારમાં બે એરબેગ ફરજિયાત
1. અઠવાડિયાના દિવસ ચાર કે પાંચ, કામના કલાક 12: 
નવા શ્રમ કાયદા લાગુ થશે તો કામના દિવસો એટલે કે વર્કિંગ ડેઝ ઘટાડીને ચાર કે પાંચ કરવાની જોગવાઈ છે, પરંતુ કામના રોજિંદા કલાક 12 થઈ જશે.
2. પીએફ પર વ્યાજથી થતી આવક પર ટેક્સ: દરેક નાણાકીય વર્ષમાં પીએફમાં રૂ. પાંચ લાખ સુધીના રોકાણ પર વ્યાજથી થતી આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જો કોઈ કર્મચારી પીએફમાં તેનાથી વધુ રોકાણ કરશે, તો તેના વ્યાજ પર થતી આવક પર ટેક્સ લાગશે.
3. એલટીસી એન્કેશમેન્ટ: લીવ ટ્રાવેલ કન્સેશન વાઉચર હેઠળ કર્મચારીઓને મળતી છૂટનો સમય 31 માર્ચ, 2021 સુધી છે. એટલે કે આગલા મહિનાથી તેનો લાભ નહીં લઈ શકાય.
4. વૃદ્ધોને આઈટીઆર ભરવામાં છૂટ: હવે 75 વર્ષથી વધુના પેન્શનધારકોને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ અપાઈ છે. જોકે, આ સુવિધા ફક્ત તેમને મળશે, જેમની આવકનો સ્રોત પેન્શન અને તેમાંથી મળતું વ્યાજ છે. રિટર્ન ભરવામાંથી છૂટ ત્યારે જ મળશે, જ્યારે વ્યાજની આવક એ જ બેંકમાંથી મળતી હશે, જેમાં પેન્શન ખાતું છે.
5. પહેલેથી ભરેલું રિટર્ન ફોર્મ: રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા વ્યક્તિગત કરદાતાને પહેલેથી ભરેલું (પ્રી-ફિલ્ડ) રિટર્ન ફોર્મ અપાશે, જ્યારે રિટર્ન ફાઈલ નહીં કરવા બદલ હવે બમણો ટેક્સ લાગશે.
6. રિટર્નમાં બધું કહેવું પડશે: નવા નાણાકીય વર્ષથી શેર ટ્રેડિંગ, મ્યુચ્યુઅલ ફંડની લેવડદેવડ, ડિવિડન્ડ આવક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ કે એનબીએફસી ડિપોઝિટની માહિતી રિટર્નમાં આપવી પડશે.આ માહિતી ફોર્મ 26એએસમાં પણ અપાશે.
7. આધાર સાથે લિન્ક પાન જ ચાલશે: જેમનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક નહીં હોય, તો તે 1 એપ્રિલથી બેકાર થઈ જશે. પાન અને આધાર લિન્ક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.
8. સાત બેંકની ચેકબુક-આઈએફએસી કોડ: જો તમારું ખાતું દેના બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક ઓફ કોમર્સ કે અલ્લાહાબાદ બેંકમાં હશે, તો 1 એપ્રિલથી નવી પાસબુક અને ચેકબુક લેવી પડશે. આ બેંકોના વિલયના કારણે આવું થશે.
9. તમામ કારમાં બે એરબેગ: તમામ કારમાં ડ્રાઈવર અને તેની બાજુની સીટ પર એરબેગ લગાવવી પડશે.
10. ઈ-ઈનવોઈઝ ફરજિયાત: બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) વેપારમાં 1 એપ્રિલથી એવા તમામ વેપારીઓ માટે ઈ-ઈનવોઈસ ફરજિયાત થશે. ખાસ કરીને જેમનું ટર્નઓવર રૂ. 50 કરોડથી વધુ છે.

Source : Bhaskar

Leave a Reply

Translate »