વૈશ્વિક કોવિડ-19 મહામારી સામે દેશની જંગમાં ભારત સરકાર “સંપૂર્ણ સરકાર”નો અભિગમ અપનાવીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને સતત અગ્રમોરચે સ્થિતિને સંભાળી રહી છે. ભારત સરકારની પાંચ મુદ્દાની આ વ્યૂહનીતિમાં રસીકરણ કવાયત એક અભિન્ન હિસ્સો રચે છે .બાકીના મુદ્દાઓમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણુકના પાલનનો સમાવેશ થાય છે.
કોવિડ-19 રસીકરણ માટે ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો 1 મે 2021થી દેશભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા પાત્રતા ધરાવતા વયજૂથના લાભાર્થીઓ માટે નોંધણીની પ્રક્રિયા 28 એપ્રિલના રોજથી શરૂ કરી દેવામાં આવી છે. સંભવિત લાભાર્થીઓ સીધા જ CoWIN પોર્ટલ (cowin.gov.in) પર જઇને અથવા આરોગ્યસેતૂ એપ્લિકેશનના માધ્યમથી રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે.
ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના 17.15 કરોડથી વધારે (17,15,42,410) ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. આમાંથી રસીના બગાડ સહિત 16,26,10,905 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).
કોવિડની રસીના 89 લાખ કરતાં વધારે ડોઝ (89,31,505) હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ આગળ વધારવા માટે ઉપલબ્ધ છે. નેગેટિવ બેલન્સ ધરાવતા રાજ્યો બગાડ સહિત કુલ વપરાશની સંખ્યા તેમને પૂરાં પાડવામાં આવતા રસીના ડોઝ કરતા વધારે બતાવી રહ્યાં છે કારણ કે સશસ્ત્ર દળોને પૂરાં પાડવામાં આવેલા પૂરવઠાને તેમણે સાથે ગણ્યો નથી. આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 28 લાખ કરતાં વધારે (28,90,360) ડોઝ પ્રાપ્ત થઇ જશે.