જન્મદિવસ: જાણો આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે…

વિષમ સંજોગો સામે ખૂબ હિંમત અને કુનેહથી કામ લઈને ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ પટેલ

ગુજરાતના બે સપૂત અને આઝાદીના ઘડવૈયા અને લડવૈયા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ આજે પણ આપણી સ્મૃત્તિપટલ પર અંકિત છે. બંનેએ અભયને જીવનનો મંત્ર બનાવ્યો હતો. એકે માનવતાના પૂજારી તરીકે ઉમદા કાર્ય કરી વિશ્વમાનવી, વિશ્વવંદનીય વિભૂતિ તરીકેની અનેરી ઊંચાઈ હાંસલ કરી, જેમણે દેશને સ્વરાજય અપાવ્યું. બીજા લોખંડી મહામાનવે રાષ્ટ્રના તાણાવાણાને કોઠાસૂઝથી સાંકળી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું. સ્વતંત્ર ભારતના સફળ એકીકરણનું નેતૃત્વ કર્યું, પરિણામે ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે અને દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરૂષ તરીકે નામના પામ્યા છે. આ બંને નેતાઓ આપણા રોલ-મોડેલ બની શકે. જે પ્રજા પોતાના વીરપુરૂષોને ભૂલી જાય છે, પોતાનો ગર્વભર્યો ઇતિહાસ યાદ નથી રહેતો તે દેશનુ ભૂગોળ પણ વખત જતાં બદલાઈ જાય છે.

‘ભારતના બિસ્માર્ક’ અને ‘લોખંડી પુરુષ‘ જેવા બિરૂદો વડે બિરદાવાયેલા, ભારતની સ્વાતંત્ર્યસાધનામાં ગાંધીજી પછી અગ્રણીઓમાં ગુજરાતના ખેડૂતસમાજના મોભી અને માર્ગદર્શક, સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અને વિષમ સંજોગો સામે ખૂબ હિંમત અને કુનેહથી કામ લઈને ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ પટેલના વજ્ર જેવા કઠણ હૈયામાં ફૂલ જેવું કોમળ હ્રદય પણ હતું. એક જમાનામાં ગાંધીજીના કાર્યની ટિખળવૃત્તિથી ટીકા કરનારા આ યુવાન બેરિસ્ટર, ગાંધીજીના રંગે-સંગે રંગાઈ- રસાઈને એટલી હદ સુધી ગાંધીવિચારસરણીના ચાહક-હિમાયતી બની ગયા કે ખુદ ગાંધીજીને ઘણીવાર એમ કહેવું પડતું કે- “મારા કરતાં વલ્લભભાઈ આ બાબતમાં સાચો રાહ ચીંધી શકશે.’ ધન્ય છે ગુર્જર માતાના એ પનોતા પુત્રને.

જન્મ અને સ્વર્ગવાસ

સરદાર સાહેબનો ૩૧ ઓકટોબર, ઈ.સ.૧૮૭૫માં ખેડા જિલ્લાના કરમસદમાં જન્મ થયો. ઈ.સ. ૧૯૦૦મા ગોધરામાં વકીલ થયા અને બોરસદ તથા આણંદમાં વકીલાત કરીને સારી નામના મેળવી. ઈ.સ.૧૯૧૦માં ઈંગ્લેન્ડ જઈ પહેલાં નંબરે પાસ થઈ બેરિસ્ટર બન્યા. ઈ.સ. ૧૯૧૪માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને ૧૯૧૫માં અમદાવાદમાં મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા તથા ૧૯૧૬માં ગાંધીજીના પરિચયમાં આવી બીજે વર્ષે ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો. તે પછી ૧૯૨૨માં બોરસદના અને ૧૯૨૩માં નાગપુરના ઝંડા સત્યાગ્રહની આગેવાની લીધી. ૧૯૨૪થી ૧૯૨૮ સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યાં. ૧૯૨૮માં બારડોલીની લડતમાં વિજયી બની “સરદાર” બિરૂદ પામ્યાં. ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસના પ્રમુખ અને ૧૯૩૫માં પાર્લોમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થતાં નાયબ વડાપ્રધાન બન્યા. ઈ.સ. ૧૯૫૦ની પંદરમી ડિસેમ્બરે તેમનું અવસાન થયું.

દેશી રાજ્યોનું વિલિનીકરણ
ગાંધીજીના ચુસ્ત અનુયાયી અને નખશિખ સ્વદેશભક્ત સરદાર વલ્લભભાઈએ ૧૯૧૬ થી ૧૯૫૦ સુધીના ૩૪ વર્ષના જાહેરજીવનમાં ગુજરાત માટે અને ભારત માટે જે કર્યું છે તેના વિશે લખીએ તો પુસ્તકો ઓછાં પડે. પરંતુ એ બધામાં તેમની શિરમોર સમી જો કોઈ સિદ્ધિ હોય તો તે છે “દેશી રાજ્યોનું વિલિનીકરણ!’ જે મુત્સદ્દીગીરી, કુનેહ, દ્રઢતા અને સૂઝસમજથી તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઈ જવા સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મક્કમ પગલાં ભર્યા તેનાથી આખી દુનિયામાં એમની કીર્તિ પ્રસરી ગઈ. અખંડ ભારતનું સર્જન કરવાના તેમના આ અનન્ય અને અદ્રિતીય પ્રદાન માટે ભારત સદા તેમનું ઋણી રહેશે.


સ્વ. સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ તા.૨૧-૧૨-૧૯૫૦ના રોજ પોતાના પ્રવચનમાં સરદાર સાહેબને અંજલિ આપતા કહેલું કે- “નીડર, સ્પષ્ટવક્તા, કોઈ પાણ જાતની શેહશરમમાં આવ્યા વિના રાષ્ટ્રનો દ્રોહ કરનારાની હિંમતભેર ખબર લઈ નાખનારા, અંગત સ્વાર્થરહિત નિરપેક્ષભાવે જનતા-જનાર્દન અને રાષ્ટ્રની સેવા પાછળ પોતાની તમામ શક્તિ ખર્ચનાર સરદાર સાહેબે જુનાગઢ- હૈદરાબાદમાં કરેલી કાર્યવાહીએ રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. રાષ્ટ્રવિરોધી બળોને દેશ પર કાબૂ મેળવવામાં અશકત બનાવી દઈને, દેશમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવા માટે તેમણે છેલ્લા દોઢ વર્ષ સુધી કરેલી તનતોડ મહેનત માટે ભારત સદીઓ સુધી એમનું ઋણી રહેશે.
આપણું રાજ્ય એક બાબત માટે હંમેશા સરદાર સાહેબનું ઋણી રહેશે. તે છે જયોતિર્લિંગ સોમનાથનો પુનરદ્ધાર. આપાણી સંસ્કૃતિના પુરાતન ધરોહર અને માનબિંદુસમુ સોમનાથ મંદિર ખંડેર હાલતમાં વર્ષોથી પડ્યું હતું. સરદારે મંદિરની દુર્દશા જોઈ અને સોમનાથ મંદિરનો પુનરૂદ્વાર કરવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પના ફળસ્વરૂપે આજે સોમનાથ મહાદેવનું ભવ્ય, વિશાળ મંદિર ચોમેર કીર્તિ ફેલાવતું ઊભું છે.


જેમ મુશ્કેલ સમયમાં સંતાનને પરિવારનું સ્મરણ થાય તેમ પોતાના કપરા સમયમાં ભારતની જનતાને સરદારશ્રીનું સ્મરણ અચૂક થશે જ! આ મહાપુરુષની જન્મજયંતિ આપણા સૌ માટે અનોખો પ્રેરાણાદિન અને ગૌરવદિન બની રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ રીતે યાદ કરવામાં આવ્યા છે. દેશના લોખંડી પુરુષની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નું ૩૧ ઓક્ટોબર,૨૦૧૮ના રોજ લોકાર્પણ દેશના ગૌરવવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થયું છે, ત્યારે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી બમણી ઊંચાઈ ધરાવે છે, સરદાર સાહેબને સદૈવ અંજલિ આપતી આ ઉચ્ચત્તમ પ્રતિમા દેશના સ્વાભિમાનનું પ્રતિક બની ગઈ છે.

(માહિતી વિભાગ)

Leave a Reply

Translate »