ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીના આજે પ્રચાર-પડધમ આજે સાંજે શાંત થવાના છે ત્યારેકોંગ્રેસે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલનું એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે જેમાં તેમણે ભાજપ સાથે પૈસા લઈને સોદાબાજી કર્યાની વાત સ્વીકારી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયાએ ભાજપ દ્વારા પ્રજાના મતની ખરીદી કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અર્જુન મોઢવાડિયાએ એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં કોંગ્રેસના પૂર્વ નેતા સોમાભાઈ પટેલનો છે. જેમાં તેઓ પૈસા લઈને રાજકીય સોદાબાજી કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. મોઢવાડિયાના મતે, સોમાભાઈને ટિકિટ ન આપી રોકડાનો સોદો હશે. સોમાભાઈને રૂ.10 કરોડમાં ખરીદ્યાની વાત પણ મોઢવાડિયાએ કરી હતી. તેમને એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો હતો જેમાં સોમાભાઈ પટેલ પોતે જ પૈસા લીધાની વાત કબુલી રહ્યાં છે. આ વીડિયો કોઈ હોટલ કે સરકારી ગેસ્ટ હાઉસમાં લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સોમાભાઈ એક વ્યક્તિ સાથે હસતા હસતા વાતચીત કરતા રાજકીય સોદાબાજી કરી હોવાનો દાવો કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાનું સ્તર નીચું કરી દીધું હોવાના આક્ષેપો પણ મોઢવાડિયાએ કર્યા હતાં.
- ભાજપના શાસકો દ્વારા પ્રજાના મતની ખરીદી કરવામાં આવી રહી છે.
- જનપ્રતિનિધિઓના સોદા કરવામાં આવે છે. ભાજપ દ્વારા કરોડો રૂપિયાની સોદાબાજી MLAની ખરીદી કરાઈ રહી છે.
- સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ. મની લોન્ડરીંગ અને ACBમાં કેસ કરી તપાસ થવી જોઈએ. કોંગ્રેસ તરફથી એવો પણ ભય વ્યક્ત્ત કરવામાં આવ્યો છે કે, પેટાચૂંટણીથી જનતા કોરોના સંક્રમિત થઈ શકે છે.
-
અમિત ચાવડાએ કહ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છેકે કઇ રીતે ભાજપે ધારાસભ્યો સાથે સોદાબાજી કરી છે. કરોડો રૂપિયા આપી રાજીનામા અપાવ્યા છે. આ સોદાબાજીમાં આખી ડીલમાં રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અમિત શાહ આ ત્રણેયના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયા છે. તેનાથી સ્પષ્ટ થાય છેકે, ભાજપ દ્વારા જ્યારે તેમના કાર્યો અને નીતિથી પ્રજા વચ્ચે જઇ શકાતું નથી ત્યારે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી આ રીતે સોદાબાજી થાય છે, ધારાસભ્યોના રાજીનામા લેવાય છે અને આ ધારાસભ્યો સાથે સોદાબાજી કરી ફરીથી ટિકિટ આપવા આવે છે. રાજ્યના મુખ્યમંત્રી ભાજપના રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અમિત શાહ સામે ACB એક્ટ હેઠળ અને મનલોંડરિંગના કેસ દાખલ કરવા જોઇએ. તેમની તપાસ કરી, ભવિષ્યમાં આવું ન થાય એ માટે તાત્કાલિક તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.
-
આ રહ્યાં વાતચીતના અંશ…
- સ્ટિંગ વાળાનો સવાલ: ભાજપવાળા શું આપશે અત્યારે,
સોમાભાઈ પટેલઃ એતો બધુ થઇ ગયું..(હસતાં-હસતાં)
સ્ટિંગ વાળાનો સવાલ: આપ્યા તો હશે એ તરફથી….
સોમાભાઈ પટેલઃ હા…તો અમસ્તા જ રાજીનામું આપે કોઇ વ્યક્તિ
સ્ટિંગ વાળાનો સવાલ: સોમાભાઈએ આ રાજીનામું આપીને અમુક પૈસા લીધા, ભાજપ પાસેથી પૈસા લીધા…આવું કોઇએ તેમને બ્રીફ કર્યું હશે…
સોમાભાઈ પટેલઃ કોંગ્રેસ જો નહીં આપે તો હું ગમે ત્યાંથી લડીશ.એનસીપીવાળા પણ મારી પાછળ પડ્યા છે. હું ચારવાર એમપી બન્યો. બધા મને જાણે છે. ચાર વખત એક જ બેઠક પરથી એમપી બનવું નાની અમથી વાત તો નથી. ભાજપ બધો ખર્ચો કરતી હતી મારી પાછળ અને કોંગ્રેસમાં ખર્ચો નથી થતો.
સ્ટિંગ વાળાનો સવાલ: રાજીનામું આપ્યું તો બે-પાંચ કરોડ આપ્યા હશે.
સોમાભાઈ પટેલઃ એ તો બધાને આપ્યા એ મને આપ્યા…
સ્ટિંગ વાળાનો સવાલ: વાતો તો ઘણી છે. બધા બોલે છેકે 15 કરોડ આપ્યા, 20 કરોડ આપ્યા પરંતુ પાંચેક કરોડ તો આપ્યા હશે.
સોમાભાઈ પટેલઃ બધાને આપ્યા છે અમિત શાહે, જે આપ્યું તે બધાને આપ્યું છે. નહીંતર કોઇ શા માટે રાજીનામું આપે? કોઇની સાથે ટિકિટનો સોદો કર્યો, કોઇને પૈસા આપ્યા.
સ્ટિંગ વાળાનો સવાલ: આટલા પૈસા લાવે છે ક્યાંથી ભાજપવાળા? ઘણા પૈસા ખર્ચ કરે છે, દરેક જગ્યાએ પૈસા ખર્ચ કરે છે.
સોમાભાઈ પટેલઃ કોઇકને કહેવાનું ખાલી પૈસા આપો બીજું શું? રિલાયન્સ, ટાટા બધા તેમની પાસે છે. ઘણા પૈસા છે તેમની પાસે.
સ્ટિંગ વાળાનો સવાલ: આ લોકો બોલી રહ્યાં હતા કે સોમાભાઈને 20 કરોડ રૂપિયા આપ્યા, 20 કરોડ રૂપિયામાં વાત થઇ.
સોમાભાઈ પટેલઃ ના ખોટી વાત છે.
સ્ટિંગ વાળાનો સવાલ: 20 કરોડ બોલી રહ્યાં છે.
સોમાભાઈ પટેલઃ ખોટી વાત છે, કોઇને 10 કરોડથી વધારે નથી આપ્યા. કોઇને વધારે નથી આપ્યા.
સ્ટિંગ વાળાનો સવાલ: તો સાલા 20 કરોડની વાત કેમ કરી રહ્યાં છેઃ
સોમાભાઈ પટેલઃ એ તો…એ તો.. બોલવું હોય તો બોલે, એમાં શું.
સ્ટિંગ વાળાનો સવાલ: ભાજપમાંથી કોણ ડીલ કરી રહ્યું છે?
સોમાભાઈ પટેલઃ હાં???
સ્ટિંગ વાળાનો સવાલ: ભાજપમાંથી કોણ વાતચીત કરી રહ્યું છે, ડીલ?
સોમાભાઈ પટેલઃ સીએમ સાથે…અને પ્રદેશ અધ્યક્ષ…નવા કોન આવ્યા…એ મારા દોસ્ત છે…
સ્ટિંગ વાળાનો સવાલ: તેમની સાથે ડીલ ચાલી રહી છે.
સોમાભાઈ પટેલઃ બન્ને સાથે. -
કોંગ્રેસ લોકોને ભ્રમિત કરી રહી છે: સીઆર પાટીલનો બચાવ
- કોંગ્રેસના સ્ટીંગ બહાર પડાયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બચાવમાં સામે આવ્યા હતા અને તેમણે કોંગ્રેસ પર લોકોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસની ખરીદ વેચાણની વાત તેઓએ ફગાવી હતી અને કહ્યું કે, વીડિયોમાં ક્યાંય સોમાભાઈ પટેલ દેખાતા જ નથી. સોમાભાઈ પટેલે ક્યાંય મારૂ નામ લીધું જ નથી. સોમાભાઈએ ક્યાંય એવુ કહ્યું જ નથી કે, હું પૈસાની લેવડ દેવડમાં હતો જ નહીં. સોમાભાઈ જ્યારે કોંગ્રેસમાં હતાં ત્યારે અમે બંને સાથે સંસદમાં હતાં. પાટિલે ઉમેર્યું હતું કે, સોમાભાઈએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે હું પ્રદેશની ટીમમાં જ નહોતો. તો પછી મારૂ નામ ક્યાં વચ્ચે આવે જ? કોંગ્રેસ માત્ર લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રકારના આક્ષેપો બદલ કોંગ્રેસે માફી માંગવી જોઈએ. સીઆર પાટીલે અર્જૂન મોઢવાડિયા પર વળતા પ્રહાર કર્યા હતાં. તેમણે મોઢવાડિયાને જુઠવાડિયા ગણાવ્યા હતાં. સાથે જ પાટીલે પણ પુલવામા હુમલાનો મુદ્દો ઉખેળતા કહ્યું હતું કે, કોંગેસ અને તેના નેતાઓએ પુલવામા હુમલા વખતે પણ ખોટા આરોપ લગાવ્યા હતાં. આ પ્રકારના આક્ષેપ બદલ કોંગ્રેસે માફી માગવી જોઈએ. સાથે જ પાટીલે પેટાચૂંટણીમાં તમામે તમામ 8 બેઠકો ભાજપ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.