ન્યૂઝનેટવર્કસ ટીમ: સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેર સુરત શહેરમાં અનેક હરવાફરવા લાયક જગ્યાઓ છે અને ઘણી હેરિટેજ સાઈટો છે જે નિહાળવાનું અને તેના વિશે જાણવાનું અગર આપ ચુકી ગયા તો ‘સુરત’ના ખૂબ સુરત પાસાઓને જાણવા-માણવાનું રહી ગયા. આજે આપણે ગોપીતળાવ વિશે માહિતી જાણીશું. હેરિટેજમાં સુરતના સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ તરીકે ગોપીતળાવને સ્થાન મળ્યું છે. સુરત મહાનગર પાલિકાએ તેનું થોડા વર્ષ પહેલા નવેસરથી રિસ્ટોરેશન કરીને આજે હરવાફરવાના એક મોટા સ્થળ તરીકે વિકસીત કર્યું છે. અહીં રાજ્યભરથી સહેલાણીઓ તેને માણવા આવે છે.
- સોલંકીકાળ અને સલ્તનકાળ દરમિયાન બંધાયેલા અન્ય તળાવો જેવું ગોપીતળાવ
ગોપીતળાવ ઈ. સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું. નવસારી બજાર વિસ્તારમાં આ તળાવનું નિર્માણ કરાવનાર મલિક ગોપીનાળ મૂળે વડનગરનો નાગર બ્રાહ્મણ હતો. સુરતના સુલતાનન મુઝ્ફફરશાહ-2 (1511થી 1525)ના સમયમાં ગોપીનાથ તેનો મુખ્ય વઝીર હતો અને ધનાઢ્ય વેપારી હતો. સ્થાપત્યની દ્રષ્ટિએ આ તળાવ સોલંકીકાળ અને સલ્તનનકાળ દરમિયાન બંધાયેલા અન્ય તળાવાને મળતું આવે છે. પાટણનું સહ્સત્રલિંગ સરોવર, ધોળકાનું મલાવ તળાવ, વીરમગામનું મનુસર તળાવ, અમદાવાદનું કાંકરિયા તળાવ વગેરે આ ઢબના તળાવો છે.
58 એકર વિસ્તારમાં ફેલાયેલુ છે તળાવ
તળાવનો વિસ્તાર અઠ્ઠાવન એકર જેટલો હતો. તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતા, જેમાંથી તેર બાજુએ તળિયા સુધી પહોંચી શકે તેવાં પગથિયાં વગરનો ઢાળ હતો. અહીં લોકો પાણી ભરવા અને ઘોડાને પાણી પીવડાવવા આવતા. તળાવ ચોમાસામાં ભરાતું હતું અને તળાવ ભરતા પહેલા તે પાણી એક કુંડમાં જમા થતું અને ત્યાંથી એક નીકમાંથી તળાવમાં જતું. હાલ સુરત મહાપાલિકાએ પણ આ જ સિરસ્તો જાળવ્યો છે પણ પાણી નહેરમાંથી અહીં લાવવામાં આવી રહ્યું છે. દાયકાઓ પહેલા ઉનાળા દરમિયાન આખા શહેરને આ તળાવમાંથી પાણી અપાતું હતું. તળાવને તળિયે પણ પત્થરો જડેલા હતા. મધ્યમમાં બકસ્થળની રચના કરવામાં આવી હતી. તળાવની મધ્યમાં પણ એક દેવમંદિર હતું. તળાવના કિનારે શિવમંદિર બાંધવામાં આવ્યું હતું, આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોપીતળાવના એક છેડે વાવ છે અને મુસ્લિમ કબ્રસ્તાન છે. આપપાસ નવશહીદ સહિતની અનેક દરગાહો પણ આવેલી છે.
આ તળાવમાંથી પત્થરો કાઢી આલમપનાહ કોટ બનાવાયો
ઈતિહાસમાં નોંધ છે કે , 1675માં આ તળાવ સુકાઈ ગયું હતું. અગર તેમાં તે સમયે પાણી ભરવામાં આવે તો દરિયાઈ મોટી બોટ તેમાં તરી શકે એટલી તેની ક્ષમતા હતી. 1775માં તો તળાવ જ દેખાતું બંધ થઈ ગયું હતુ અને તે લગભગ મેદાનના રૂપમાં આવી ગયું હતું. તેના પગથિયાના પત્થરોને ઉખેડીને આલમપનાહ કોટ બાંધવામાં અને તળાવના પટમાં બંધાયેલી વાવના બાંધકામમાં ઉપયોગમાં લેવાયો હતો.
મનપાએ 2012માં વિકાસ કર્યો
સમગ્ર સુરતને એક સમયે જે તળાવમાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તે તળાવ મૃતપ્રાય અવસ્થામાં પહોચી ગયું હતું. રમતનું મેદાન બની ગયું હતું. પરંતુ સુરત મહાનગર પાલિકાએ 2012માં ફરી તેને જીવંત કર્યો. તેના સુંદર રીનોવેશને તેના ઐતિહાસિક મુલ્યોમાં વધારો કર્યો હતો. અને તેમાં પણ કલા ઉત્સવના સંગીતમય કાર્યક્રમો અને રંગબેરંગી રોશનીએ ગોપી તળાવની સુંદરતામાં ચાર ચાંદ ઉમેર્યા.
ગોપીકળા ઉત્સવની ઉજવણી પણ થાય છે
સુરત મહાનગર પાલિકા અમદાવાદના કાંકરિયા મહોત્સવની જેમ ગોપીકલા ઉત્સવ ઉજવે છે. તે સમયે ગોપીતળાવમાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડે છે. જેથી લોકો આ ઉત્સવનો આનંદ માણી શકે. કલા ઉત્સવ દરમિયાન સાંજના સમયે ખાસ સ્ટેજ શોનું આયોજન કરવામા આવે છે. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના ક્રૃતિઓ રજુ કરવામાં આવે છે. છેલ્લા પાંચેક વર્ષોથી ગોપીતળાવમાં દર ડિસેમ્બરમાં ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.