રાજા શેખ (98980 34910)
કોરોના મહામારીને પગલે વિતેલા દોઢ વર્ષ દરમિયાન રાજ્યની 15000 પૈકી 11000 લક્ઝરી બસ આરટીઓના ચોપડે નોનયુઝમાં મુકાઈ ગઈ હોવાની ચોંકવાનારી માહિતી સામે આવી રહી છે. સુરતની વાત કરીએ તો અહીં પણ જ 450 જેટલી બસ નોનયુઝમાં હોવાનું અધિકૃત રીતે જાણવા મળ્યું છે. લકઝરી બસ સંચાલકો અને ટ્રાવેર્લ્સ સાથે સંકળાયેલા સ્ટાફ રોજગારી માટે ફાંફા મારી રહ્યો છે અને બેરોજગારીથી કંટાળીને ત્રણ બસ ઓપરેટરોએ તો આત્મહત્યા પણ કરી લીધી છે. બીજી તરફ, આટલી મોટી માત્રામાં બસ નોનયુઝ (બિન ઉપયોગ) મુકાતા આરટીઓ (સરકાર)ને પણ ટેક્સના માધ્યમથી થતી આવકમાં કરોડોનો ફટકો પડી રહ્યો છે. તેવામાં અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળે રાહત પેકેજ, ટેક્સ માફી સહિતની માંગણીને લઈને આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા પરંતુ સરકારે ઘટતું કરવાની બાંયેધરી આપ્યા બાદ હજી સુધી કોઈ ‘મદદ’ ન કરતા હવે ફરી આશ્ચર્યજનક કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ રહી હોવાની માહિતી મળી છે.
સરકારની જીએસઆરટીસીની બસ અને રેલવે બાદ સૌથી મોટા અવાગમનના માધ્યમ તરીકે ખાનગી સંચાલકોની ચાલતી લક્ઝરી બસના નેટવર્કને લેખાવી શકાય છે. ગુજરાત અને અન્ય પ્રદેશોના ગામડેગામડે યાત્રીઓને પહોંચાડતી આ બસ સેવાને કોરોનાએ મરણપથારી પર પહોંચાડી દીધી છે. વિતેલા સવા વર્ષ ઉપરાંતથી મોટાભાગની બસ સેવા ઠપ્પ થઈ ગઈ છે. પરિણામે ડ્રાઈવર-કંડક્ટરો, ટ્રાવેલ્સ ઓફિસ સંભાળતો સ્ટાફ અને ખુદ બસ માલિક બેરોજગાર થયો છે. ઉપરથી આરટીઓમાં દર મહિને બસની સીટના આધારે ભરવો પડતો એડવાન્સ ટેક્સ અલગ. કોરોનાના પહેલા કહેર બાદ, બીજા કહેરમાં પણ ખાનગી બસ સેવા અટકી ગઈ છે ત્યારે અસહ્ય આરટીઓ ટેક્સ નહીં ભરી શકવાને કારણે નોન યુઝમાં મુકી દેવામાં આવી છે. ગુજરાતની 15 હજાર પૈકી 11 બસ નોનયુઝ કરી દેવાય છે એટલે કે તે રોડ પર દોડતી ન હોવાથી આરટીઓના ચોપડે નોન યુઝ દેખાડવાથી તેનો ટેક્સ ભરવાનો રહેતો નથી. જોકે, તે માટે સિસ્ટમ મુજબ એક ટેક્સ એડવાન્સ તો લઈ જ લેવાય છે. તેવામાં બસ ઓપરેટર્સે ગયા વર્ષથી માંગ મુકી છે કે, પૂરેપૂરો એડવાન્સ ટેક્સ લેવાને બદલે રૂ. 100 ટોકન રૂપે લઈ બસને નોનયુઝ કરવામાં આવે પરંતુ તે અંગે આજદીન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ, રાજ્ય બહાર ચાલતી બસો પણ બંધ છે. કારણ કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ દોડતી મોટાભાગની ખાનગી બસોમાં 50 ટકા પેસેન્જર અને તે પણ તમામના ફરજિયાત કોરોનાના આરટીપીસીઆર રિપોર્ટ જરૂરી છે. આ રાજ્યોમાં 90 જેટલી બસ પણ ડિટેઈન કરી લેવાય છે અને તે માટે બેફામ દંડ પણ વસૂલાતો હોવાથી બસ ઓપરેટર્સે બસ સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. હાલ માત્ર 2થી 5 ટકા બસ કંપનીઓમાં કે નાના ગામડાઓમાં ચાલી રહી છે. જેથી, બેરોજગાર બસ ઓપરેટર્સ સરકાર પાસેથી ટેક્સમાં 50 ટકા રાહત, 100 રૂપિયામાં નોન યુઝ પ્રક્રિયા અને બેરોજગારી માટે રાહત પેકેજ માંગી રહ્યાં છે પરંતુ સરકાર તે દિશામાં કોઈ પ્રગતિ કરતી ન હોવાનો આરોપ છે.
શું છે માંગણી?
- મોટરવ્હીકલ ટેક્સમાં એપ્રિલ 2021થી સપ્ટેમ્બર 2021 સુધી પૂરેપૂરી માફી આપવામાં આવે. તેમજ ઓક્ટોબર 2021થી માર્ચ 2022 સુધી 50 ટકા રાહત આપવામાં આવે.
- બસોને નોનયુઝ મુકવા માટે લેવામાં આવતા એડવાન્સ ટેક્સમાંથી કાયમી ધોરણે મુક્તિ આપવામાં આવે.
- ટ્રાવેલ્સ સંચાલકોના બેરોજગાર સ્ટાફ માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
- કોરાેનાકાળ દરમિયાન બસ જેટલા દિવસ ચાલે તેટલા દિવસ જ ટેક્સ લેવામાં આવે.
- ગુજરાત પ્રવેશ દરમિયાન આારટીપીસીઆર ટેસ્ટને બદલે જે તે આખરી મુકામ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે.
- જે તે મહાનગર પાલિકામાં પ્રવેશ અટકાવવામાં આવે છે તે માટે આરટીઓની હેરાનગતિ બંધ કરવી
આમરણાંત કર્યા, બાંયધરી આપી પણ બાદમાં સરકાર સાંભળતી જ નથી, હવે અમે આરટીઓમાં બસનો ખડકલો કરી દઈશું
અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ દિનેશ અણઘણે અમને કહ્યું કે, અમે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુને અનેક પત્રો લખ્યો. ટેલિફોનિક વાત કરી પણ તેઓ પ્રત્યુત્તર આપતા નથી. અમારી આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે. અમારા પ્રતિનિધિ મંડળે 18 એપ્રિલ 2021ના રોજ અમદાવાદ ખાતે આમરણાંત ઉપવાસ કર્યાં હતા. ચોથા દિવસે સરકારે બાંયધરી આપી હતી કે અમે આ મામલે ઉકેલ લાવીશું. આજે એક મહિનો થઈ ગયો હોવા છતા કોઈ રાહત બસ ઓપરેટર્સને આપવામાં આવી નથી. આર્થિક તંગીને કારણે અમારા ત્રણ ઓપરેટર્સે આત્મહત્યા કરી લીધી છે. કેટલાક બસ સળગાવીને આત્મવિલોપન કરવાની તૈયારીમાં છે પણ અમે જેમતેમ સમજાવી રહ્યાં છે. સ્થિતિ જોઈ અમે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ રજૂઆત કરી છે. તેઓએ કેબિનેટમાં પ્રશ્ન લઈને ઉકેલ લાવવાની ખાતરી આપી છે. અગર આ મામલે હવે ઉકેલ નહીં આવે તો અમે તમામ બસનો ખડકલો જે તે આરટીઓમાં કરી દઈશું.