- રાજા શેખ, સુરત (98980 34910)
સુરત આરટીઓમાં આજકાલ અધિકારીઓ વચ્ચે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. નવા ઈન્ચાર્જ આરટીઓ ગજ્જરનું દિવાળી પહેલાં જ આગમન થયું અને હાર્દિક પટેલ અમદાવાદ ગયા ત્યારબાદ ધીરેધીરે બે જૂથ સુરત આરટીઓમાં પડી ગયા હોવાની ચર્ચા છે!. જેના કારણે કામ પ્રભાવિત થઈ રહ્યું છે. અનેક કહેવાતા ‘ઈમાનદાર’ સાઈડલાઈન થઈ ગયા હોવાની વાતો બહાર આવી રહી છે અને તેની જગ્યા ‘ઉઘરાણી’ બાબુઓએ લઈ લીધી હોવાની ચર્ચા છે. પરિણામ સ્વરૂપ જ વડી કચેરીએ ઈન્કવાયરી પર ઈન્ક્વાયરી ઠોકાઈ રહી છે. એક દિવસ પહેલા પણ મહિલા અધિકારી આવ્યા અને બધુ જોઈ ગયા!
સૂત્રોનું માનીએ તો એઆરટીઓ ગજ્જરે એક મોટા ‘આશિર્વાદ’ સાથે સીધા ગોધરાથી સુરતના ઈન્ચાર્જ આરટીઓના પદ પર એન્ટ્રી લીધી. તે પહેલા તેઓ અમદાવાદમાં હતા પરંતુ કોઈ કારણોસર (કારણ કયું હતું તેની વિગતવાર ચર્ચા આગળ ક્યારેક માંડીશું.) ગોધરા બદલી થઈ અને ત્યાંથી ફરી મોટા શહેરમાં બદલી પામ્યા. શરૂઆતમાં ગજ્જર ખૂબ જ ત્રાડુક્યા અને એક પણ એજન્ટ અંદર પ્રવેશ્યો તો ખેર નથી તેવો મજબૂત ખોંખારો ખાધો. સ્વાભાવિકપણે નવા અધિકારીઓ આવો ખોંખારો ખાતા જ હોય છે! બાદમાં થોડા દિવસમાં જ એજન્ટોની પ્રેમસ્વરૂપે પધરામણી થઈ અને તે ચાલી જ રહી છે. સાથોસાથ એજન્ટો દ્વારા ‘જી’ પણ પીરસાઈ રહી છે!!
સૂત્રોના કહેવા મુજબ અને આરટીઓ પ્રાંગણમાં ચર્ચા મુજબ નવાસવા અધિકારીઓ આ ખોંખારો એજન્ટો દ્વારા ફોર્મ દીઠ અપાતી ‘જી’ માટે ખાતા હોય છે અને જૂના અધિકારીઓ પાસેથી સત્તા આંચકવા માટે પણ. થોડા બોલવામાં આકરા કહેવાતા નવા અધિકારીએ પોતાના કહેવાતા હિતેચ્છુઓને સત્તા સોંપવા માંડી. જેમાં થ્રી સ્ટાર અને ટુ સ્ટાર વચ્ચેની ડિગ્નીટિ પણ ભૂંસી દેવામાં આવી. ઓર્ડરની જવાબદારી હોય, ઈન્સ્પેક્શન હોય કે લાઈસન્સ હોય તે તમામ કામ કહેવાતા પોતિકા જુનિયરો પાસે કરાવાય રહ્યું છે. પરિણામસ્વરૂપ 45 જેટલા ઈન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટોમાં બે ફાંટા ઊભા થવા માંડ્યા અને ધીરેધીરે બધી સિસ્ટમો ખોરવાવા માંડી હોવાની માહિતી સામે આવી રહી છે. આપસી લડાઈમાં ઘણીવાર ઘણાં અરજદારોના કામ અટવાય છે. ઘણાં અરજદારોને શંકાના ઘેરામાં લેવામાં આવી રહ્યાં છે. હુંસાતુંસી વધી ગઈ છે. હવે વાત હેડ ઓફિસ સુધી પહોંચી છે પરંતુ હાલ ઈલેક્શન માથે છે જેથી, એકાદ-બે અધિકારીને મોકલી આપવામાં આવી રહ્યાં છે પરંતુ ઈલેક્શન બાદ નવી સરકાર સાથે જ સુરત આરટીઓમાં મોટા કૌભાંડોની તેમજ ભાગબટાઈના ખેલની હારમાળા બહાર આવે તેવી સંભાવના છે અને તપાસનો ધમધમાટ પણ થાય તેવી પ્રબળ શક્યતાઓ સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.
અધિકારી વચ્ચે મલાઈ તારવી લેતા એક-બે એજન્ટની હાલત કફોડી
સૂત્રોનું માની લઈએ તો કેટલાક અધિકારી સાથે ઘરોબો ધરાવતા એક-બે એજન્ટો સુરત આરટીઓના અધિકારીઆે વચ્ચે બે ફાંટા પડવાથી વચ્ચે પીસાઈ રહ્યાં છે. અત્યારસુધી તેઓ મોટા કામો મેળવી લઈને કરાવી લેતા હતા પરંતુ હવે બધા કામો સાહેબના જ ‘ખાસ’ લોકો કરતા હોવાથી આગળ વધતા નથી. અથવા થતા નથી. પરિણામે આ એક-બે એજન્ટોની રોજીરોટી ઓછી થઈ છે. હવે તેઓ રેગ્યુલર કામોમાં બીજા એજન્ટોની જેમ ‘જી’ તો ધરે છે પરંતુ મોટા કામો હજી બે ફાંટાઓને કારણે કરાવી શકતા નથી. એવું કહીં શકાય કે તેઓની ડાળ ગળતી નથી. જેથી, તેઓ પણ હાથ પગ મારી રહ્યાં છે અને બે ફાંટાઓ વચ્ચે સુલેહ થઈ જાય તેવા પ્રયાસ કરી રહ્યાં હોવાનું કહેવાય રહ્યું છે. !
(કોણ છે ખાસમ ખાસ અને શું થઈ રહી છે ગડબડ તે વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો)