• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

સુરત જિલ્લાની 16 સીટના 4637 મતદાન મથકો, 4739201 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ચુંટણી સંબધિ ફરિયાદ કે જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર અથવા c-Vigil એપના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાશે

સોશીયલ મીડિયા પર વોચ રાખવા માટે કમિટીની રચના કરવામાં આવી છે

ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી આયુષ ઓકે સૂરત જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમો સાથે સંવાદ કર્યો હતો.
જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચુંટણીઓ મુકત, ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચુંટણીતંત્રની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચુંટણીપંચ દ્વારા જાહેરનામું તા.૫/૧૧/૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ થશે. તા.૧૪/૧૧/૨૦૨૨ના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તથા તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજથી ઉમેદવારીપત્રો ચકાસણી તથા તા.૧૭મી નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેચી શકાશે. તા.૧/૧૨/૨૦૨૨ના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. જયારે મતગણતરી તા.૮/૧૨/૨૦૨૨ના રોજ થશે. આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે હોર્ડિગ્સ, બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફલાઈગ ટીમ, સ્ટેટેકટીક સર્વેલન્સ ટીમો પણ કાર્યરત થઈ ચુકી છે. જિલ્લાની બોર્ડરો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી.
કલેકટરશ્રીએ કહ્યું કે, ચુંટણીની આચારસંહિતાને ધ્યાને લઈ ફોર્મ નંબર -૭ અને ફોર્મ નંબર-૮ ની કામગીરી બંધ કરવામાં આવી છે. જયારે ફોર્મ નંબર -૬ની કામગીરી શરૂ રહેશે. નોમીનેશનના છેલ્લા દિવસના અગાઉના દસ દિવસ પહેલા ઓનલાઈન નવા મતદારની નોંધણી માટે ફોર્મ નંબર-૬ થી ચાલુ રહેશે.
સોશીયલ મીડિયા પર વોચ રાખવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સુરત જિલ્લાની કુલ ૧૬ વિધાનસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ યોજાનાર છે. આ સંદર્ભે સુરત જિલ્લાના નાગરિકોને કોઈપણ ફરિયાદ હોય તો જિલ્લા કંટ્રોલ સેન્ટરના ટેલીફોન નંબર ૦૨૬૧-૨૯૯૨૨૪૫/૨૨૪૬/૨૨૪૭/૨૨૪૯ પર અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૧૨૦ પર કે વધુ માહિતી માટે C-Vigil એપ પર ઓનલાઇન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકશે.
પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયાનું મોનીટરીંગ કરવા માટે MCMC સેન્ટરની રચના કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી જાહેરાતોનુ ચેનલોનું સર્ટીફીકેશન તથા મોનીટરીંગ કરવા માટે EMMC સેન્ટર આયોજન ભવન જુની કલેકટર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ પણ જાહેરાતો માટે સર્ટીફીકેશન માટે MCMC કમિટીની રચના કરવામાં આવી છે. જેથી કોઈ પણ રાજકીય પક્ષોએ જાહેરાત આપતા પહેલા આ કમિટીમાં મજુરી મેળવવી જરૂરી છે.
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં સમાવિષ્ટ ૪,૬૨૩ મતદાન મથકોમાં ૪૭૩૯૨૦૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨૫,૪૬૯૩૩ પુરુષ તથા ૨૧,૯૨,૧૦૯ મહિલા મતદારો તથા અન્ય ૧૫૯ મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૪૬૨૩ મતદાન મથકો આવેલા છે જે પૈકી ૧૪ મતદાન મથકો Auxililary Polling stations તરીકે ઉભા કરવામાં આવનાર છે. જેથી કુલ મતદાન મથકો વધીને ૪૬૩૭ તૈયાર થશે.
વિધાનસભા દીઠ એક-એક ગ્રીન, દિવ્યાંગ તથા મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવશેઃ
જીલ્લામાં દરેક વિઘાનસભા ક્ષેત્ર દીઠ ૦૭ મહિલા મતદાન મથકો, ૦૧ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથક, ૦૧ મોડેલ મતદાન મથક તથા ૦૧ ગ્રીન મતદાન મથક ઉભુ કરવામાં આવશે. આમ, સુરત જીલ્લામાં કુલ ૧૧૨ મહિલા મતદાન મથકો, ૧૬ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથકો, ૧૬ મોડેલ મતદાન મથકો તથા દરેક વિધાનસભામાં એક-એક ગ્રીન મતદાન મથક કાર્યરત કરવામાં આવશે જેમાં કોઈ પણ પ્રકારનું સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહી તથા રિયુઝેબલ અને રિસાઈકલિંગ વસ્તુઓનો જ ઉપયોગમાં લેવાશે. આ ઉપરાંત ૦૧ યુવા મતદાન મથક (તમામ પોલીંગ પર્સોનલ ૨૫ થી ૩૦ વય જુથના હશે) ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો કલેકટરશ્રીએ આપી હતી.
જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જીલ્લામાં કુલ ૫૨૬ પોલીંગ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નકકી કરવામાં આવ્યા છે. આ તમામ લોકેશન પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. તથા જીલ્લાના કુલ મતદાન મથકોમાંથી ૨૬૩૨ મતદાન મથકો પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. ૧૬૪-ઉઘના વિઘાનસભા મતદાર વિસ્તારને એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી (ESC) તરીકે નકકી કરવામાં આવ્યું છે.
સુરત જીલ્લામાં ૧૬ વિઘાનસભા મત વિસ્તારમાં તા.૧૦/૧૦/૨૦૨૨ ની સ્થિતીએ કુલ ૪૭૩૯૨૦૧ મતદારો નોંઘાયેલા છે. જેમાં ૨૫૪૬૯૩૩ પુરૂષ મતદારો, ૨૧૯૨૧૦૯ મહિલા મતદારો, ૧૫૯ થર્ડ જેન્ડર મતદારો નોંઘાયેલા છે. જે પૈકી ૬૨૦૩૭ મતદારો ૮૦ વર્ષથી ઉપરના, ૨૩૮૫૯ દિવ્યાંગ મતદારો તથા ૪૨૩ સર્વીસ મતદારો છે. ૧૮-૧૯ વય જુથમાં તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાત પ્રમાણે કુલ ૩૬૫૫૬ યુવા મતદારો સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી ઉપરના મતદારો માટે જો ઘરેથી મતદાન કરવા માગતા હોય તો પોસ્ટલ બેલેટ મારફત મતદાનની સુવિઘા ઉપલબ્ઘ કરાવવામાં આવશે.
વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીની સરખામણીમાં વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી ૭,૨૫,૮૪૦ મતદારોનો વધારો થયેલ છે, જે ટકાવારીની દ્રષ્ટિએ ૧૮.૦૮% થયા છે.
જિલ્લામાં ચુંટણી દરમિયાન ઉપયોગમાં લેવા માટે પર્યાપ્ત સંખ્યામાં EVM-VVPAT મશીનો ઉપલબ્ઘ છે. જિલ્લામાં કુલ ૮૮૫૯ બેલેટ યુનિટ, ૭૦૩૧ કંટ્રોલ યુનિટ તથા ૮૬૨૫ વીવીપેટ મશીનો હોવાની વિગતો તેમણે આપી હતી.
જીલ્લામાં MCC લાગુ થતા FST, VST, VVT, AT વિગેરે ટીમો કાર્યરત કરવામાં આવેલ છે. તથા SST ટીમો જાહેરનામુ પ્રસિઘ્ઘ થયેથી કાર્યરત કરવામાં આવશે. MCC ને લગતી c-Vigil એપ મારફતે નાગરીકો કોઇપણ MCC ભંગની ફરીયાદો નોંઘાવી શકે છે.
ઉમેદવારો, રાજકીયપક્ષો અને સંબધિતને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. મતદાનના સાત દિવસ પહેલા તમામ મતદારોને વોટર ઈન્ફોરમેશન સ્લીપ આપવામાં આવશે. અતિ સંવેદનીશલ મતદાન મથકો પર સી.એ.પી.એફ તૈનાત થશે.
જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા મતદાર વિભાગના ૪૯૪ ઝોનલ રૂટ કરવામાં આવ્યા છે. વોટર ટર્નઆઉટ વઘારવા માટે અવસર રથ કાર્યરત કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
જીલ્લામાં વિવિઘ ચૂંટણી લક્ષી કામગીરીના સુચારૂ સંચાલન માટે કુલ ૧૮ વિષય માટે નોડલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવેલ છે.
આ પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કમલેશભાઈ રાઠોડ તથા નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યાય, પ્રિન્ટ-ઈલેકટ્રોનિકસ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »