સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લાના હરિપુરા સહિત દેશભરમાં ઇમ્ફાલ, કોહિમા, કટક અને કલકત્તા જેવા વિવિધ સ્થળે આઇકોનિક કાર્યક્રમો યોજાશે.
તા.૧૯મી જાન્યુઆરીએ સાંજે ૪.૦૦ વાગે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બી.એસ.એફ. બ્રાસ બેન્ડ, શસ્ત્ર પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવપુર(પોરબંદર)ની નૃત્યમંડળી, ઓડિસા જગન્નાથમ દર્શનમ, મણિપૂરી અને બંગાળી પરંપરાગત નૃત્યો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સુભાષબાબુના જીવનસંઘર્ષ આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન, બી.એસ.એફ બ્રાસ બેન્ડની સાથે વ્યસનમુક્તિ ‘નો ડ્રગ્સ’ની થીમ પ્રદર્શિત કરાશે.
આઝાદ હિંદ ફોજની સ્થાપના બાદ આંદામાન નિકોબાર ટાપુ ઉપર નેતાજી સુભાષચન્દ્ર બોઝ દ્વારા સૌ પ્રથમવાર તિરંગો લહેરાવ્યો તેની યાદમાં અને જન્મજયંતિ પ્રસંગે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ખાતે ૧૯ જાન્યુ.ના રોજ સવારે ૭.૦૦ વાગ્યે જિલ્લા પ્રશાસન, રેન્જ આઇજીપી, સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા નેતાજીની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ બાદ પ્રભાતફેરીનું આયોજન અને ત્યારબાદ હરિપુરાથી બારડોલી ખાતે ૫૦૦ યુવાનોની સાઇકલ રેલી પ્રસ્થાન કરશે, ત્યારબાદ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સાઇકલ રેલીનું સ્વાગત અને રક્તદાન કેમ્પ યોજાશે. આ ઉપરાંત, બારડોલીના જલારામ મંદિરથી ૧૧ પ્લાટુન અને ૫ પોલીસ બેન્ડ સાથેની પરેડ ટાઉનહોલ સ્ટેજ પોઈન્ટ પર પર સલામી ઝીલી પરત સ્વરાજ આશ્રમ પહોંચશે. આ પરેડ બારડોલી મેઈન રોડ (સ્ટેશન રોડ) પરથી પસાર થશે.
બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સ્ટેજ પ્રોગ્રામ યોજાશે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાહસિક કરતબો અને મહિલા રાઈફલ ડ્રિલ યોજાશે. તેમજ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો, વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરાશે.