સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વીંગના ઉપક્રમે આત્મનિર્ભર મહિલા અભિયાન અંતર્ગત ‘આત્મનિર્ભર મહિલા એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ આજ રોજ ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે થયો હતો. આ એકઝીબીશનમાં મહિલા સાહસિકો દ્વારા કુલ ૪૦ સ્ટોલ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ચેમ્બર દ્વારા આ તમામ સ્ટોલ, મહિલા સાહસિકોને પગભર થવા માટે વિના મૂલ્યે ફાળવવામાં આવ્યા છે.
એક્ઝીબીશનનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય સંગીતા પાટીલે આ સ્તૃત્ય પગલું લેવા માટે ચેમ્બરની લેડીઝ વીંગને અભિનંદન પાઠવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની શરૂ કરેલી મુહિમને આગળ વધારવા માટેની પહેલ આગામી દિવસોમાં નવા પરિણામો લાવશે એવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મહિલા સાહસિકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને તા. ૭, ૮ અને ૯ નવેમ્બર ર૦ર૦ દરમ્યાન અન્ય ૪૦ સ્ટોલ તથા ત્યારબાદ તા. ૧૦, ૧૧ અને ૧ર નવેમ્બર ર૦ર૦ના રોજ અન્ય ૪૦ સ્ટોલ ફાળવવામાં આવશે.
આ પ્રસંગે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સુરતના શહેરીજનોને દિવાળી સમયે એકઝીબીશનમાં પ્રદર્શિત થનારી ચીજવસ્તુઓ ખરીદવા માટેનો અનુરોધ કર્યો હતો.
આ તમામ ચીજવસ્તુઓના લાગ્યા સ્ટોલ
ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન પૂનમ દેસાઇએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા દિવાળી સમયે ખાણીપીણીની ચીજવસ્તુઓ તેમજ સજાવટની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં મસાલા, તોરણ, દિવા, હેન્ગીંગ, હોમ મેઇડ કાજુકતરી, ડ્રાયફૂ્રટ ચીકી, ફરસાણ, મુખવાસ, ચોકલેટ, હોમ મેઇડ સ્નેક્સ, વિવિધ ચેવડા, સેવ, ઇન્સ્ટન્ટ કોકો પાવડર, મોહનથાળ, સાડી, ડોરમેટ, ટેબલ કલોથ્સ, આર્ટિફિશીયલ જવેલરી, ખાણીપીણીની ચીજવસ્તુઓ, કુર્તિ, પ્લાઝો, લેગીન્સ, ટી શર્ટ, ડેકોરેશન આઇટમ, મઠીયા અને ચોળાફળી, પીવીસી, દિવાળી કંદીલ, બામ્બુ, ગાયના છાણમાંથી બનેલ હેન્ડીક્રાફટ, ફૂ્રટ સીરપ, ડાયફ્ર્રટ – ઓર્ગેનીક, દિવાળી ડેકોરેશન, કોડીયા, વુડન અને પ્લાસ્ટીકની રંગોળી, નારિયેળની રેસાની બનાવટ સુશોભનની વસ્તુઓ, અંધ ભાઇ–બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓ જેવી કે અગરબત્તી અને દિવડા, ઓર્નામેન્ટ અને નાસ્તાપુરી, લેડીઝ કપડાં, એક્રેલિક રંગોળી, ક્લોથ એન્ડ જ્વેલરી, મેરેજ માટે ગીફટ માટેની બેગ, કીડ્સ વેર, લેડીઝ વેર, જેન્ટસ ટ્રેક શૂટ, ટી શર્ટ, ઇકો ફ્રેન્ડલી એડીબલ સ્પુન, ડ્રેસ મટિરિયલ અને હેન્ડ મેઇડ જ્વેલરીનો સમાવેશ થાય છે.
અંધ ભાઇ–બહેનો દ્વારા બનેલી વસ્તુઓનું પ્રદર્શન
અંધજન વિકાસ કેન્દ્રના કરૂણા ચૌહાણે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા વિના મૂલ્યે ફાળવવામાં આવેલા એક સ્ટોલમાં અમે અંધ ભાઇ–બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તી, દિવા, મીણબત્તી, ખાખરા, મઠીયા અને ચોળાફળી જેવી ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરી રહયાં છે. શકિત ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવેલી ઓર્ગેનીક શરબતનું પણ વેચાણ કરવામાં આવી રહયું છે.
પ્રદુષણને ડામવા પ્લાસ્ટીકને બદલે એડીબલ સ્પૂનનું વેચાણ, સ્પૂનને આરોગી પણ શકાય
આત્મનિર્ભર મહિલા એકઝીબીશનમાં સ્ટોલ ધરાવનાર મમતા કોઠારીએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા એડીબલ સ્પૂનનું વેચાણ કરવામાં આવી રહયું છે. આ સ્પૂનની ખાસિયત એવી છે કે સુપ, સાંભર અને દાળ વિગેરે પીધા બાદ આ સ્પૂનને આરોગી પણ શકાય છે. ઘઉ, જુવાર, બાજરી અને ચોખાના લોટથી આ સ્પૂન બને છે. જેમાં પેરીપેરી, ચોકલેટ, મેથી, જીરા અને નેચરલ હબ્સ વિગેરે ફલેવર આવે છે. તેમણે વધુમાં કહયું કે, પ્લાસ્ટીક સ્પૂનને કારણે પ્રદુષણ થાય છે. આ સ્પૂન બાયોડિગ્રેડેબલ છે અને જલ્દીથી તે ખાતરમાં પરિવર્તિત પણ થાય છે.