અગાઉ બચી ગયેલા તોડબાજોને ફરી બોચીમાંથી દબોચશે સુરત પોલીસ, બ્લુ પ્રિન્ટ તૈયાર!

સુરત પોલીસના કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની ટીમે શહેરમાં કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટો અને બોગસ વેબસાઈટ- ઈન્સટા અને યુટ્યુબના પ્લેટફોર્મ ઊભા કરીને તોડબાજી કરનારાઓનું એક લિસ્ટ ફરી તૈયાર કર્યું છે. થોડા સમય પહેલા અનેક આ‌વા તત્વો સામે નકેલ કસાય હતી. શહેરના બિલ્ડરો, મોભીઓની છબિ ખરડીને તેમની પાસે પૈસા પડાવવાની મેલી મુરાદ રાખનારાઓને અગાઉ ઝાંબાજ પોલીસે એક જ ઝાટકે લબડધક્કે લીધી હતી અને પાસા સુધીના પગલાં ભર્યા હતા. શહેરનું હિત ઈચ્છનારા ધારાસભ્ય અરવિંદ રાણાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને 300 તોડબાજોના લિસ્ટ મેળવીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી. એસઓજીએ તો ઘણાંના સરઘસ કાઢ્યા હતા. હવે ફરી આવા તત્વોએ માથુ ઉંચક્યું છે. જેમાં વિવિધ શહેરમાંથી પણ વિવિધ બોગસ ન્યૂઝપ્લેટફોર્મના આધારે સુરતમાં પ્રતિનિધિની નિમણૂંક કરી બિલ્ડરો પાસેથી તેમજ શહેરના બિઝનેસમેનોને ટાર્ગેટ કરીને તેમની સામે પોતાના મળતિયાઓ પાસે અરજીઓ કરાવડાવીને, ખોટી રીતે રજૂઆતો કરાવડાવીને એક ષડયંત્રના ભાગરૂપે આખી મેટર ઊભું કરીને તેને ચગાવવામાં આવી રહી છે અને બિઝનેસમેનોને ડરાવીને તેમની પાસે મોટી રકમ પડાવવાની મેલીમથરાવડી રાખવામાં આવી રહી છે. બે-ત્રણ મહિના પૂર્વે જ પશ્ચિમ વિસ્તારના ટેક્સટાઈલના એક બિઝનેસમેન સામે લગાતાર અહેવાલો પ્રકાશિત કરીને તેની પાસે મોટી રકમ પડાવવાનો કારસો રચાયો હતો. આ બિઝનેસમેને પોલીસને મળીને રજૂઆતો કરી હતી. પોલીસે મુંબઈ તરફના છેડે રહેતા અને તેના સિટી વિસ્તારના સાગરિતનું એક વ્યવસ્થિત ડોઝિયર તૈયાર કર્યું છે. પોલીસ ખરી તકની રાહ જોઈ રહી છે. સૂત્રોનું માનીએ તો ‘અસત્ય’ના રવાડે ચઢેલા આ તોડબાજોનો ‘આફતાબ’ જમીનદોસ્ત કરી ચુકી છે અને આવા તત્વોની ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી ચુકી છે. હવે તેમના આકાઓને પણ મળેલી ફરિયાદોને આધારે લાંબો જેલવાસ કરાવે તે દિશામાં તૈયારી શરૂ કરી છે. જે તે વખતે સાગરિતે નિવેદનમાં તેના આકાઓના નામ લખાવ્યા હતા. જેમાં સુરતમાં ઓપરેશન સંભાળનાર કાળા કરતૂતો કરનારનું નામ પણ સામેલ હતું. પરંતુ જે તે વખતે કોઈ કારણવશ પોલીસ આગળ સુધી વધી શકી ન હતી. પરંતુ હવે ફરી આ ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી પોલીસ સુધી પહોંચી છે. આ મામલે ફરીવાર શહેરની મોટી નેતાગીરીએ પણ પોલીસને ટહેલ નાંખી છે. બીજીબાજુ યુવાન ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આવા મામલાઓને ગંભીરતાથી લેવા પહેલાંથી જ કહ્યું છે. ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તે સ્લોગન તે દરેક માટે લાગુ કરાવવા માંગે છે. કહેવાતા પત્રકારો અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે તેઓએ રાજ્યભરમાં નકેલ કસાવી જ છે. હવે ફરી એકવાર શહેરમાં ન વિચાર્યું હોય તેવા છુપા તોડબાજોના સરઘસ જોવા મળે તો નવાઈ નહીં.!

Leave a Reply

Translate »