ભ્રષ્ટ અધિકારીઓ સામે ચાબુકની જેમ કામ કરતા માહિતી અધિકાર કાયદા (રાઈટ ટુ ઈન્ફોર્મેનશન એક્ટ) પર બદલાવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હોવાની માહિતીના આધારે સુરતના આઈટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર મારફત વડાપ્રધાને આવેદન પત્ર પહોંચાડ્યું છે અને આ કાયદામાં બદલાવ ન કરવા માટે રજૂઆત કરી છે.
આવેદનમાં કહેવાયું છે કે, વર્ષ 2014 માં ભારતીય જનતા પાર્ટીને મતદાતાઓએ સર્વાધિક મત આપ્યા અને આપે સુકાન સંભાળ્યું ત્યારે દેશને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું વચન જનતાને આપ્યું હતું. વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાષ્ટ્રીય “RTI Convention” માં સંબોધન આપ્યું હતું, તેમાં પણ જાહેર કરવામાં આવેલ હતું કે, સરકાર વધુમાં વધુ માહિતી સામેથી ચાલીને જાહેર કરશે, અને ઇ-ગવર્નન્સ કાર્યક્રમ મિશન હેઠળ ડિજિટલ માધ્યમથી નાગરિકો સુધી માહિતી પહોંચે તેવા તમામ પ્રયાસો કરશે, જે સ્વચ્છ અને પારદર્શી વહીવટની પ્રતીતિ હશે.
માહિતીનો અધિકાર કાયદા થકી નાગરિકો સરકારના કામકાજ, નિર્ણયો, અને કાર્યક્રમોની તમામ માહિતી મેળવતા હોય છે. આ કાયદાનો એક ઓજાર તરીકે ઉપયોગ કરીને સામાન્ય નાગરિકો પણ સરકારની આ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સોલ્જર તરીકે જોડાયા છે. અત્યાર સુધી અસંખ્ય કૌભાંડો અને ભ્રષ્ટાચારની ઘટનાઓ RTI થકી ઉજાગર થઈ છે.
ડેટા પ્રોટેકશન બિલ 2022થી શું અસર આવે છે ?
સરકાર દ્વારા સંસદના શિયાળા સત્રમાં સરકાર “ડેટા પ્રોટેકશન બિલ 2022 પસાર કરવાનું આયોજન કરી રહી છે. ડેટા પ્રોટેકશન બિલ મુખ્યત્વે સરકાર અને અન્ય એજન્સીઓ પાસે જતાં વ્યક્તિગત માહિતીને આપવાની, ટ્રાન્સફર કરવાની, અને ઉપયોગમાં લેવાની વ્યવસ્થા ઉભી કરવા માટે છે. આ કાયદાની કલમ 30 માં “માહિતી અધિકાર કાયદાની કલમ 8(1)j ને બદલવાની જોગવાઈ કરી છે, જે ખુબ જ ચિંતા ઉપજાવે તેવી બાબત છે.
કલમ 8(1)j માં વ્યક્તિગત માહિતી ન આપવાની જોગવાઈ છે, પરંતુ તેમાં શરત મૂકેલી છે, કે જો માહિતી “વિશાળ જાહેર હિતને સમર્થન ન આપતી હોય તો વ્યક્તિગત માહિતીની પીઆઇઓ ના પાડી શકે છે. પરંતુ MLA અથવા MP ને જે માહિતી આપી શકાતી હોય તો નાગરિકોને પણ આપવી જોઈએ તેવી જોગવાઈ કરેલ છે. આ શરતોના લીધે વ્યક્તિગત માહિતીનું રક્ષણ પણ થાય છે, અને વિશાળ જાહેર હિતમાં અગત્યની એવી માહિતી જાહેર કરવા PIO સક્ષમ બને છે.
સૂચિત ડેટા પ્રોટેકશન બિલમાં ઉપરોક્ત જોગવાઈ બદલીને “ માત્ર વ્યક્તિગત માહિતી આપી શકાય નહીં તેવી જોગવાઈ કરેલ છે.” આ બદલાવથી RTI કાયદો નબળો બનશે જ, પણ તમામ ભ્રષ્ટાચારને લગતી અગત્યની માહિતી પણ નાગરિકની પહોંચની બહાર થઈ જશે.
માહિતી અધિકાર કાયદાની કલમ 4(1) ખ માં જાહેર કાર્યક્રમો અને કામોને લગતી માહિતી (જેવી કે રાશન, પેન્શન, નરેગા, વગેરે) સામેથી ચાલીને જાહેર કરવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની જોગવાઈ છે. કલમ 8(1) જ ના ફેરફાર કરવાથી સામેથી ચાલીને જાહેર કરવાની વિગતોને પણ મોટા પાયે અસર થશે.
અમોને અપેક્ષા છે, કે નાગરિકોની આ મૂંઝવણ આપ સમજી શકશો, અને યોગ્ય ને જગ્યાએ દખલગીરી કરીને માહિતી અધિકારને અને પારદર્શિતા ને અસર કરે તેવી ડેટા પ્રોટેકશન એક્ટની જોગવાઈઓમાં યોગ્ય ફેરફાર કરશો.
આજે સરકાર “ગ્રામ સંવાદ” ઇ સ્વરાજ, મેરા રાશન, NSAP પોર્ટલ, ટ્રાસ્પરન્સી પોર્ટલ, નરેગા પોર્ટલ, PMGKY પોર્ટલ, ઉજ્જવલા યોજના પોર્ટલ, સોશ્યલ ઓડિટ પોર્ટલ જેવા અનેક પોર્ટલ, વેબસાઇટ અને મોબાઈલ એપ્લીકેશન થકી કરોડો લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર તેમના માટે શું કરી રહી છે? તે નાગરિકો જોઈ અને ચકાસી શકે છે. ભારત સરકારના પારદર્શિતા ઇ-ગવર્નન્સના ભાગરૂપ લીધેલા પગલાઓને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે. ડેટા પ્રોટેકશન બિલ જેવા કાયદાઓની આજના પારદર્શિતાના પગલાઓ અને કાર્યક્રમોને અવળી અસર ન થાય તે અંગે સાવધાની રાખવામાં આવે અને માહિતી અધિકાર કાયદાની સર્વોપરિતા જળવાઈ રહે તે જરૂરી છે.
એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા જાણવવામાં આવ્યું કે આવેદન પત્ર આપીને જાગૃત નાગરિકો વડાપ્રધાનને અપીલ કરી છે કે પ્રસ્તુત ડેટા પ્રોટેકશન બિલથી માહિતી અધિકાર કાયદાને કોઈ અસર ન થાય અને માહિતી અધિકારી કાયદાની સર્વોપરિતા જળવાઈ રહે તે માટે માહિતી અધિકાર કાયદા માટેના સૂચિત બદલાવ મોકૂફ રાખવામા આવે.