સુરત શહેરમાં કોરોનાનો પહેલો કેસ માર્ચ મહિનામાં નોંધાયો, ત્યારથી શહેરનાં વહીવટીતંત્રે કોવિડ-૧૯ સામે તમામ જરૂરી પગલાં લીધાં. મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ એક્ટિવ તથા પેસિવ સર્વેલન્સને મજબૂત બનાવવા, આરોગ્ય માળખાગત સુવિધામાં વધારો, સ્ટાફની ક્ષમતાવૃદ્ધિ, પાયાના માળખા માટે જરૂરી વધારાના કર્મચારીઓની ઝડપી ભરતી, નાગરિકો માટે જીવનરક્ષક દવાઓ ઉપલબ્ધ કરાવવી, કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર તથા આરોગ્ય કેન્દ્રો સ્થાપવા, ધન્વંતરિ રથ અને ફિવર ક્લિનિક્સ, ખુબ જ મોટા પાયે ટેસ્ટીંગ, કન્ટેન્ટમેન્ટ ઝોનની રચના, કો-મોર્બિડ મેનેજમેન્ટ, વોર રૂમની રચના જેવા ઝડપી અને કાર્યક્ષમ પગલાઓ લીધા હતાં. શહેરીજનોના સહકાર, જિલ્લા અને શહેરી તંત્રનો સમન્વય અને કોરોના યોદ્ધા કર્મયોગીઓના સતત પ્રયત્નોથી શહેરમાં મહામારીની સ્થિતિને અંકુશમાં રાખવા માટે ખુબ મદદ મળી છે.
સુરત મહાનગરપાલિકાએ કોવિડ-૧૯ સામે લડવા માટે વિવિધ પગલાં અને પહેલ કરી છે. જેનું શ્રેષ્ઠ પરિણામ પણ મળ્યું: જેમાં-
ટીટીટી આઈક્યુ સ્ટ્રેટેજી (ટ્રેક, ટેસ્ટ, ટ્રીટ, આઈસોલેશન અને ક્વોરેન્ટાઇન)
કોવિડ-૧૯ રોગચાળાના પ્રારંભિક તબક્કેથી સુરત મહાનગરપાલિકાએ રોગ સામે લડવાની TTT IQ વ્યૂહરચના અપનાવી હતી. વ્યૂહાત્મક અભિગમ લક્ષણોવાળા દર્દીઓની વહેલી ઓળખ, અને ટેસ્ટીંગ માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે, જે સંક્રમણનો દર અટકાવવા માટે પાયારૂપ છે.
લોકડાઉન દરમિયાન અને ત્યારબાદ કોવિડ-૧૯ માટે જાહેર-ખાનગી ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ
લોકડાઉનના પહેલા દિવસથી સુરત મહાનગરપાલિકાએ ૧૭૫ ખાનગી ક્લિનિક્સ, ૬૭૫ ખાનગી હોસ્પિટલો સાથે ભાગીદારી કરી છે, જેમાં બંને કોવિડ અને નોન-કોવિડ બિમારીઓની સારવાર ઉપલબ્ધ છે. મિશન હોસ્પિટલ અને ટ્રાઈસ્ટાર હોસ્પિટલે સરકારી હોસ્પિટલોની સાથે કોવિડ-૧૯ દર્દીઓની સારવાર શરૂ કરવા સ્વૈચ્છિક સેવા આપી. કોરોનાના પ્રારંભિક તબક્કામાં મિશન હોસ્પિટલ, ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ અને લોખાત હોસ્પિટલ નામની હોસ્પિટલોએ ઉધરસની ઓપીડી પ્રારંભિક નિદાન માટે શરૂ કરી, સરકારી હોસ્પિટલોમાં કામનું ભારણ ઘટાડવામાં મદદ કરી હતી.
નોન-કોવિડ માટે જાહેર ખાનગી ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ
સુરત મનપાએ બાળ ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને સગર્ભા સ્ત્રીઓ અને શિશુઓની રસીકરણના સમયપત્રકની કાળજી લીધી છે. ૪૧ બાળરોગની હોસ્પિટલોમાં ૮૮૫ રસીકરણ સત્રો ખાનગી હોસ્પિટલ્સમાં યોજવામાં આવ્યા છે, અને ૬૩૪૦ બાળકોને રસી આપવામાં આવી છે. ૨૯૩ સગર્ભા સ્ત્રીઓને શહેરી આરોગ્ય કેન્દ્રોમાં ચેપ લાગવાથી બચાવવા માટે રસી આપવામાં આવી છે.
સુરક્ષા કવચ સમિતિ
જન-જાગૃતિ અને કોવિડ એપ્રોપ્રિએટ બેહેવિયરનું પાલન થાય તે હેતુથી, અને નાગરિકોને તેમની મૂળભૂત આવશ્યકતાઓ માટે મદદ કરવા સુરક્ષા કવચ સમિતિઓ રચવામાં આવી છે. અત્યાર સુધીમાં ડોક્ટર,પેરામેડિકલ સ્ટાફ, વિવિધ સમાજના પ્રમુખ, શાળાના શિક્ષક, વિદ્યાર્થી, કોવિડ દર્દીઓ, મહિલાઓ, યુવા જૂથના સભ્યો અને એનજીઓ સમાવીને ૧૨૨ સુરક્ષા કવચ સમિતિની રચના કરવામાં આવી. વિવિધ કાર્યો માટે સુરક્ષા કવચ સમિતિના ભાગ રૂપે ૫૦૦૦થી વધુ સ્વયંસેવકો સામેલ છે.
હોસ્પિટલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સ્મીમેર+)
કોરોના સંક્રમણને ધ્યાને લઈ આગોતરા પગલાના ભાગરૂપે મનપાએ એપ્રિલ-૨૦૨૦માં સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કિંગને ૫૪૦ આઇસોલેશન બેડની ક્ષમતાવાળી સ્મીમેર+ નામની કોવિડ-૧૯ હોસ્પિટલમાં રૂપાંતરિત કર્યું. જેમાં તમામ બેડ પર ઓક્સિજન સુવિધા ઊભી કરી. જેમાં માત્ર કોવિડ દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવારની વ્યવસ્થા કરી. વધારાના સ્ટાફ ખાસ કરીને ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને સહાયક સ્ટાફને ઉપલબ્ધ બનાવવા માટે ઝડપી ભરતી પ્રક્રિયા કરવામાં આવી. આજદિન સુધીમાં ૧૬૪ ડોકટરો, ૩૧૦ સ્ટાફ નર્સ, ૩૯ લેબ ટેક્નિશિયન, ૨૨૬ વોર્ડ બોય, ૧૦૬ આયાઓ,તથા ૨૩૮૪ મલ્ટીપર્પઝ કર્મચારીઓ કરારના આધારે ભરતી કરવામાં આવ્યા છે. વળી, સિવિલ હોસ્પિટલો અને સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને આપવામાં આવતી સેવાઓનું વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે ૭૫ સી.સી.ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા.
જીવનરક્ષક દવાઓના ઉપલબ્ધતાની વ્યવસ્થિત ખાતરી
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યના આરોગ્ય વિભાગના સહયોગથી ટોસીલિઝુમાબ અને રેમડેસિવીર જેવી જીવનરક્ષક દવાઓ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે. અત્યાર સુધીમાં ૧૩૮૬ દર્દીઓને ટોસિલીઝુમાબ ઈન્જેકશન આપવામાં આવ્યા છે અને ૨૯૮૭ થી વધુ દર્દીઓને રેમિડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા છે. હજી પણ ૩૨૦ ટોસિલીઝુમાબ અને ૬૮૨ રેમડેસિવિર ઈન્જેકશનનો સ્ટોક ઉપલબ્ધ છે. એટલે હાલ આ ઇન્જેક્શનની કોઈ પણ પ્રકારની અછત નથી.
પીપીઇ કિટ્સ અને માસ્કની ઉપલબ્ધતા
સુરત મહાનગરપાલિકાએ આરોગ્ય અને સર્વેલન્સ સ્ટાફ માટે એન-૯૫ માસ્ક, પી.પી.ઇ. કીટ્સ, હેન્ડ ગ્લોવ્ઝ વગેરે જેવા રક્ષણાત્મક ચીજોની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી છે. અત્યાર સુધીમાં ૯૫,૭૪૯ એન-૯૫ માસ્ક, ૨૪,૦૫૦ પી.પી.ઈ કિટ્સ, ૧૦,૦૩,૧૨૩ ટ્રિપલ લેયર માસ્ક, ૧૮,૪૯,૨૦૦ હેન્ડ ગ્લોવ્સ અને ૨૬,૫૦૦ સેનિટાઇઝર કામદારોને આપવામાં આવે છે.
સમરસ કોવિડ કેર સેન્ટર
કોવિડ-૧૯ રોગચાળાની શરૂઆત દરમિયાન સરકારી બોયઝ હોસ્ટેલ સમરસને ૧૦૦૦ બેડની ક્ષમતાવાળા કોવિડ-૧૯ ક્વોરેન્ટાઈન અને આઈસોલેશન સેન્ટર તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. ઓછા જોખમવાળા દર્દીઓને તેમના આઇસોલેશન સમયગાળા દરમિયાન સમરસ ખાતે રાખવામાં આવ્યા હતા. સમરસ ખાતે દર્દીઓને આવશ્યક પારિવારિક વાતાવરણનો સ્પર્શ આપવામાં આવ્યો હતો જે ભાવનાત્મક અને માનસિક રીતે દર્દીને મજબૂત કરવાંમાં સહાયરૂપ થયાં. દર્દીઓને યોગથી મનોરંજન અને વાંચન માટે પુસ્તકો-સામયિકો પૂરા પાડવા સહિત તમામ સુખાકારી-સુવિધા આપવામાં આવી હતી. દર્દીઓએ પણ તેમની રિકવરી પછી પ્લાઝ્મા ડોનર બનીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
કોમ્યુનિટિ કોવિડ આઇસોલેશન સેન્ટર્સ (સીસીઆઈસી) અને આરોગ્ય કેન્દ્રો (સીસીએચસી)
કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો થતાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કોમ્યુનિટી કેર આઇસોલેશન સેન્ટર (સીસીઆઈસી) ની રચના કરીને સ્થાનિક કોમ્યુનિટીને આ લડતમાં જોડાવા માટે સજ્જ અને રાજી કર્યા છે. આ અનોખી પહેલ અંતર્ગત, સામાન્ય રીતે લગ્ન અને અન્ય સામાજિક કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવતા વાડી કે હોલ્સને ‘કમ્યુનિટિ કેર આઇસોલેશન સેન્ટર’માં રૂપાંતરિત કરવામાં આવે છે. જેનો ઉપયોગ એસિમ્પ્ટોમેટિક અથવા હળવા-લક્ષણવાળા પોઝિટિવ દર્દીઓ માટે સારવાર અને આઇસોલેશનની સુવિધા આપવા માટે થઈ રહ્યો છે. જે લોકોને ઘરમાં આઇસોલેટ થવાની રૂમ કે જગ્યાની સગવડ ન હોય તેમના માટે આ સેન્ટર્સ આશીર્વાદરૂપ બન્યાં. જેતે જ્ઞાતિના સેન્ટરો હોવાથી તેમના જ સમાજના ડોકટરો અને અન્ય તબીબી અને પેરામેડિકલ સ્ટાફની મદદથી ખોરાક, પાણી પુરવઠા અને તબીબી સારવાર મળી. જે સમાજ-જ્ઞાતિ પાસે પોતાનો કમ્યુનિટિ હોલ કે વાડી કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, તેમને સુરત મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ કમ્યુનિટિ હોલ આપીને ટેકો આપ્યો છે, જેને વિવિધ કમ્યુનીટી દ્વારા સીસીઆઈસીમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં છે.
આ અનોખી પહેલમાં સામાજિક ભાગીદારીને વણી લેવામાં આવી અને શહેરમાં અનેક સ્થળે પોઝિટીવ દર્દીઓની સારવાર આપવામાં આવી. તબીબી વ્યાવસાયિકો પણ મોટા પ્રમાણમાં કોવિડ-૧૯ સામેની લડતમાં જોડાયાં છે. અત્યાર સુધીમાં ૧,૪૧૧ બેડ ક્ષમતાવાળા ૨૦ સીસીઆઈસી કાર્યરત છે, જો જરૂર પડે તો વધારાના ૧,૦૮૫ બેડ દ્વારા તેને વધારવાને ક્ષમતા છે.
સુરતની પહેલને કેન્દ્ર સરકાર કક્ષાએ સરાહના મળી છેઃ મનપા કમિશનર બંછાનિધિ પાની
સુરત એ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે કે જેની પહેલને કેન્દ્ર સરકાર કક્ષાએ સરાહના મળી છે એમ જણાવતાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું કે, ફિવર ક્લિનિક્સ અને ધન્વંતરિ રથથી ખુબ સારા પરિણામ મળ્યા છે. વધુ સંક્રમિત વિસ્તારો સુધી નિદાન અને પરીક્ષણ સુવિધા પહોંચાડવાના દ્રષ્ટિકોણથી સુરત મહાનગરપાલિકાએ લોકડાઉન સમયગાળા દરમિયાન ૩૫ ફિવર(તાવ) ક્લિનિક્સ શરૂ કર્યા, અને આ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન અને સહાય હેઠળ મોબાઇલ તબીબી વાન દ્વારા ‘ધન્વંતરિ રથ’ શરૂ કર્યા. ‘ધન્વંતરિ રથ’માં રેપિડ એન્ટિજેન ટેસ્ટ, એઆરઆઈ કેસ મેનેજમેન્ટ, રેફરલ, પ્રોફીલેક્સીસ, ઓક્સિજન-SPO2 માપવું, તાવ, માસ્ક, સેનિટાઇઝર અને હેન્ડ હાઈજીનનો ઉપયોગ વધારવા માટે જનજાગૃત્તિનું નમૂનેદાર કાર્ય થઈ રહ્યું છે. ધન્વંતરિ રથ સેવાનો આજ સુધી ૧૦,૬૯,૭૦૦ નાગરિકોએ લાભ લીધો છે. દૈનિક ધોરણે શહેરમાં રથ દીઠ સરેરાશ ૨૭૫ વ્યક્તિઓની ઓપીડી સાથે ૧૧૭ થી વધુ ધનવંતરી રથ ચલાવવામાં આવે છે એમ બીએસપાની જણાવે છે.
૧૦૪ હેલ્પલાઇન સહિત આરોગ્ય સેવાઓ
કોરોના કેસોનું વહેલી તકે નિદાન કરવા માટે, મૃત્યુદર ઘટાડવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે, પાલિકાએ ૧૦૪ હેલ્પલાઇનની વિકેન્દ્રિત વ્યૂહરચના અપનાવી છે. ડોકટરો અને પેરામેડિક્સની સમર્પિત ટીમ ‘સ્ટોપ ટાઈમ’માં દર્દીઓ સુધી પહોંચે છે. વોરરૂમ દ્વારા એક્ટિવ સર્વેલન્સ, પેસીવ સર્વેલન્સ, ૧૦૪ હેલ્પલાઇન, એસ.એમ.સી. હેલ્પલાઈન, રેફરલ પરીક્ષણ માટે ડોર ટુ ડોર મુલાકાત, ફોલો અપ, રૂટિન ટેલી પરામર્શ સેવાઓ ઉડીને આંખે વળગે છે. વેસુ ખાતે કોરોના સામે લડવા અને જન માર્ગદર્શન માટે અદ્યતન વોર રૂમ એટલે કે, ‘રોગચાળા નિયંત્રણ કક્ષ’ શરૂ કરાયો. જેના દ્વારા ૩૫૦૦ થી વધુ કોલ્સ અટેન્ડ કરવામાં આવ્યા છે, અને ૫૦ થી વધુ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, તમામ કોલ કરનાર વ્યક્તિઓને ત્યારબાદ સમયસર ફોલોઅપ કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર મીડિયા બ્રીફિંગ
મ્યુનિસિપલ કમિશનરે વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ટ્વીટર, ફેસબુક અને યુટ્યુબ દ્વારા નાગરિકોને પરિસ્થિતિ વિશે જાગૃત કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે નિયમિતપણે માહિતી આપી હતી. એસએમસીએ તેની સોશિયલ મીડિયા ચેનલ ‘માય સુરત’ દ્વારા નિયમિતપણે સમયસર સાચી માહિતી નાગરિક સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે કોવિડ-૧૯ પરિસ્થિતિ વિશે અપડેટ કરેલી માહિતી, માર્ગદર્શિકા, આઈ.સી.ઈ. જાગૃતિ સંદેશાઓ અને મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રકાશિત કર્યા.