રૂા.50.05 લાખના ફાળા સાથે સુરતે સશસ્ત્ર સેના ધ્વજદિનમાં ઝોળી છલકાવી

 

દેશ માટે દિન રાત ઝઝુમતા સૈનિકોના લાભાર્થે સૂરત જિલ્લાની સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ સશસ્ત્ર સેના ધ્વજદિન-૨૦૧૯-૨૦માં રૂા.૫૦.૦૫ લાખ જેટલુ ભંડોળ એકત્ર કરીને શૂરવીર સૈનિકો પ્રત્યે ઋૃણ અદા કર્યું છે. સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના હસ્તે સશસ્ત્ર સેના ધ્વજદિનનો ઉદાર હાથે ફાળો આપનારી સંસ્થાઓનું કરાયું હતું.સર્વે દાતાઓને અભિનંદન આપતા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, દેશ માટે રક્ષા કાજે સેવા કરતાં સૈનિકો તેમજ શહીદ સૈનિકોના પરિવારો માટે દેશના નાગરિકો, સંસ્થાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓ યથાશક્તિ યોગદાન આપી શહીદો પ્રત્યેનુ ઋણ અદા કરે છે. આપણા સૈનિકો દેશના સીમાડાઓની રક્ષા કાજે દિન-રાત ઝઝુમતા હોય છે. રાષ્ટ્ર માટે પોતાના પરિવારજનોથી દૂર રહી ફરજ બજાવનારાઓ માટે આપણી પણ ફરજ બને છે. આવી રીતે વર્ષ ૨૦૨૦-૨૧માં પણ સૌ કોઈ નાગરિકો દાનની ઝોળી છલકાવી દઈ સૈનિકો પ્રત્યે ફુલ નહી પણ ફુલની પાખંડી આપીને ઋણ અદા કરીએ તેવી અભિલાષા વ્યકત કરી હતી.જિલ્લા સેવા સદન-૨ ખાતે વીતેલા વર્ષમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણીમાં સરકારી અર્ધ-સરકારી તેમજ ખાનગીક્ષેત્રો તરફથી સૌથી વધુ ફાળો આપનારા દાતાઓને ટ્રોફી, શિલ્ડ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણીમાં રૂા.૧૧.૯૨ લાખના માતબર ફાળો એકત્ર કરી પ્રથમ આવનાર સૂરત મહાનગરપાલિકાને ફરતી ટ્રોફી, શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બીજા ક્રમે ૬.૧૫ લાખના ફાળા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.સુરત, ત્રીજા ક્રમે રૂા.૪.૮૧ લાખ સાથે એલ એન્ડ ટી, હેવી એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ, હજીરા વર્કસ, જયારે રૂ.૩.૦૩ લાખના ફાળા સાથે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ પાંચમા ક્રમે રૂા.૨.૩૯ લાખ સાથે પોલીસ કમિશનરશ્રીની કચેરી રહી હતી. ઉપરાંત અન્ય સંસ્થાઓ તથા શાળાઓ તરફથી મળેલા અનુદાન બદલ સ્મૃતિ ચિન્હ તથા પ્રસંશાપત્રો મોકલી આપવામાં આવશે.નોંધનીય છે કે, રાષ્ટ્રરક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનર્વસવાટ, પૂર્વ સૈનિકોની દિકરીઓને લગ્ન સહાય, ઉચ્ચક મરણોતર સહાય તેમજ મકાન રીપેર સહાય માટે ફાળાનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પ્રસંગે મદદનીશ જિલ્લા સૈનીક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી દિપકકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, જો કોઈએ ફંડ આપવું હોય તો સરથાણા ખાતે ગૌરવ સેનાની ભવન, અભિનંદન રેસીડેન્સીની પાછળ આવેલી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે રોકડ અથવા ડ્રાફટ/ચેક આપીને સરકારી પહોંચ મેળવી શકે છે.
અત્રે નોંધનીય છે કે, સુરતની પુનર્વસવાટની કચેરીમાં હાલમાં ૧૮૪૭ પૂર્વ સૈનિકો, ૩૬૦ સ્વ.સૈનીકોના ધર્મપત્નીઓ, તેમના ૬૨૬૧ આશ્રિતો નોંધાયેલા છે.
છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સૈનિકોના ૩૯૬ કેસોમાં રૂા.૨૯.૯૬ લાખ આર્થિક સહાય ચૂકવાઈઃ
દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મળતુ સ્વૈચ્છિક દાનનો સૈનિકો/શહીદોના નિરાધાર પરિવારો તથા માજી સૈનિકો તથા તેમના પરિવારોના કલ્યાણ અને પુનવર્સવાટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં રાજય સૈનિક બોર્ડ તરફથી આર્થિક સહાયની થયેલી ચુકવણીમાં જોઈએ તો પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓ/આશ્રિતોને આર્થિક સહાયમાં આવક મર્યાદા આધારિત પેન્શન કેસોમાં ૯૮ને રૂા.૫.૦૨ લાખ, બીજા વિશ્વયુધ્ધના કેસોના ૧૪૦ લાભાર્થીઓને રૂા.૧૨.૮૨ લાખ, લડાઈ ઓપરેશનમાં ક્ષતિગ્રસ્ત ૧૩૨ કેસોમાં ૭.૮૦ લાખ, ઉચ્ચક મરણોત્તર ક્રિયાના ૨૦ કેસોમાં રૂા.૨ લાખ, પૂર્વસૈનિકો/સ્વ.સૈનિકો/સ્વ.અધિકારીઓના સંતાનોને સ્કોલર્શીપની મંજુરીના એક કેસમાં સાત હજાર મળી કુલ ૩૯૬ આર્થિક સહાયના કેસોમાં રૂા.૨૯.૯૬ લાખ સહાય એનાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Translate »