શું સુરતમાં પણ લાગશે કરફ્યુ? મનપા કમિશનરે શાનો આપ્યો નિર્દેશ?

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયા પછી વહીવટી તંત્રે કર્ફ્યૂની જાહેરાત કરી છે. જ્યારે અમદાવાદની જેમ સુરતમાં પણ સ્થિતિ વિસ્ફોટક ન બને તે માટે મનપા કમિશનર બીએસ પાની એક્ટિવ થઈ ગયા છે અને તેઓએ અલગ-અલગ ઝોનમાં અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી છે. સાથોસાથ વિવિધ વિસ્તારોની સ્પોટ વિઝિટ પણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, અલગ-અલગ ઝોનમાં વિઝીટ લેવામાં આવી રહી છે. ભીડ-ભાડ વાળી જગ્યામાં લોકો વધુ ભેગા ન થાય તેની તકેદારી રાખવા માટે કહેવાયું છે. જ્યાં વધારે નિયમોનું ભંગ થતું હોય તો દંડનીય કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી રહી છે. ગાર્ડન, ખાણીપીણીની જગ્યામાં લોકો વધારે ટોળે વળે છે અને માસ્ક પણ પહેરાત નથી તેવા લોકોને દંડવામાં આવશે.  અત્યારે સુરતમાં જે કોરોનાના કેસ છે તે સ્ટેબલ છે એટલા માટે ચિંતાનો કોઈ પ્રશ્ન નથી. અત્યારે કર્ફ્યૂ જેવી સ્થિતિ નથી. એટલે લોકોને ડરવાની જરૂર નથી.

ફરીને આવનારા લોકો ફરજિયાત રેપિડ ટેસ્ટ કરાવે, સોસાયટીવાળા પણ સજાગ થાય

મનપા કમિશનરે મીડીયાને કહ્યું કે, જે લોકો વતનથી સુરત પરત આવી રહ્યા છે અથવા તો જે લોકો દિવાળી વેકેશનમાં હરવાફરવાના સ્થળોએ જઈ પરત ફરી રહ્યા છે કે આવી ગયા છે તેઓ તાત્કાલિક રેપિડ ટેસ્ટ કરાવે. તે માટે તમામ સોસાયટીના પ્રમુખોને સુચના આપવામાં આવી છે કે, સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિ વતનથી અથવા તો ફરીને પરત આવ્યા હોય તો તેમનો ટેસ્ટ કરાવવામાં આવે નહીં તો કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના રહેલી છે. શહેરના ટોલનાકા પર પણ ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. ડુમસના દરિયા કિનારે પણ લોકોને ભીડ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે અને જો લોકો વધારે એકઠા થઇને નિયમોનો ભંગ કરશે તો તેમને પણ દંડ કરવામાં આવશે.

સુરતમાં કેટલા કેસ?

સુરતમાં છેલ્લા 4 દિવસના સમયમાં 658 અને જિલ્લામાં 148  મળીને 806 કેસ નોંધાયા છે. સુરતમાં ગુરુવારના રોજ 239 કેસ નોંધાયા હતા. હાલ સુરતમાં કોરોનાના ફૂલ કેસની સંખ્યા 40,632 થઇ ગઈ છે અને અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં 38,271 દર્દી કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.

દંડ માટે પોલીસ પણ એક્ટિવ થશે

મનપા કમિશનરે કહ્યું હતુ કે, સુરતમાં અત્યારે સ્થિતિ કાબૂ હેઠળ છે પણ બહારથી આવનારા લોકોને કારણે અને શિયાળો જોતા સંભવત: કેસ વધી શકે છે. જેથી, લોકો માસ્ક અચૂક પહેરે.હાલ માસ્ક જ વેક્સીન છે તેનાથી ગફલત ન રાખે.  આ બાબતે સુરતના પોલીસ કમિશનર સાથે હમણા જ બેઠક પર પૂર્ણ થઇ છે. માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ જગ્યા પર ભીડભાડ થશે તો પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. શનિવાર અને રવિવાર હોય કે, પછી સોમવાર કે, મંગળવાર હોય કોઈ પણ જગ્યા પર ભીડભાડ ન થાય તેટલા માટે લોકોને અપીલ કરીએ છોએ અને જો લોકોની વધારે ભીડ જોવા મળશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Translate »