- રાજા શેખ, સુરત
માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને રાજ્યમાં નવી સાત ઝોન કચેરી બનાવવા જઈ રહી છે. જેમાં આરટીઓમાંથી સ્ટાફની નિયુક્તિ કરવાની કવાયત હાથ ધરી હોવાની માહિતી મળી છે. પ્રત્યેક ઝોન કચેરીમાં એક સીઈઓની નિયુક્તિ પણ કરવામાં આવશે. જે આરટીઓ અથવા આસિસ્ટન્ટ આરટીઓ કક્ષાના અધિકારીઓ હોઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રોડ અને સેફ્ટી માટે આમ તો એક ટીમ કાર્યરત છે. કોઈ સ્થળે અકસ્માત થાય અને તેમાં કેઝ્યુલિટી થાય તો તેના નિરીક્ષણ માટે આ ટીમ પહોંચે છે અને માર્ગમાં ડિવાઈડર, બમ્પર, ડાઈવર્ઝન સહિતના સુધારા વધારા કરાવવા માટેના સુજાવ આપે છે. દરેક મહાનગર દીઠ સ્થાનિક આરટીઓના એક અધિકારી, મહાનગર પાલિકા કે નગર પાલિકાના અધિકારી, ટ્રાફિક પોલીસના અધિકારી આ ટીમમાં સામેલ હોય છે. જોકે, હવે તેનાથી એક ડગલું આગળ વધી સરકાર આ દિશામાં નવી સાત ઝોન ઓફિસ કામયી ધોરણે ઊભી કરવા જઈ રહી છે અને તે માટે સ્ટાફ સહિતની નિયુક્તિનું કામ હાથ પર લીધું છે. સૂત્રોનું માનીએ તો તે માટે દરેક આરટીઓ ઓફિસથી ઈચ્છુક ઈન્સ્પેક્ટરો, આસિસ્ટન્ટો, ઓફિસ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓના આવેદન મંગાવવામાં આવ્યા છે. અગર કોઈ આ ઝોન ઓફિસમાં કામ કરવા માંગતું હોય તો તેઓ સ્વેચ્છિક સંમત્તિપત્ર મોકલી શકે છે. નવી રોડ એન્ડ સેફ્ટીની ઓફિસમાં નિયુ્કિત બાદ આરટીઓની રોજિંદી કામગીરીમાંથી છુટકારો મળશે અને માત્ર રોડ અને સેફ્ટી પર જ ફોક્સ કરવાનું રહેશે. જોકે, આમા શાંતિથી નોકરી કરવા જનારા આરટીઓના અધિકારીઓ જ જવા રાજી થશે. બાકીનાને સરકાર પોતાની રીતે નિયુક્તિ આપશે એવું મનાય રહ્યું છે. સુરત સહિતની આરટીઓમાંથી હાલ એકાદ બે નામો જ વાહનવ્યવહાર કમિશનર સમક્ષ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે એટલે હેડ ઓફિસ બાકીના કર્મચારીઓ પોતાની રીતે સિલેક્ટ કરીને આ ટીમમાં મુકશે તે નક્કી છે.