મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત-લોકાર્પણ થનાર છે.
વિકાસની હરણફાળમાં સતત અગ્રેસર તથા શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ-બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે.
ઉપરાંત, રૂા. ૪૩૧.૩ર કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં NRCP યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત EWSના આવાસો, લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી, કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થશે. જ્યારે સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા PM આવાસ યોજના અંતર્ગત સાકારિત થનાર આવાસો, ખાડી પુલ તથા રોડ વિગેરેના અંદાજિત રૂા. ૮ર.૮૩ કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણવિધિ યોજાશે.
આ સાથે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસ લોકાર્પિત કરાશે. રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિક પરિવહન યોજના હેઠળ સુરત શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરાશે. વધુમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જૂન-૨૦૧૮ થી ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી દર્શાવતી “વિકાસયાત્રા” પુસ્તિકાનું વિમોચન કરાશે.